નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથની વચ્ચે નવી સરકારના ગઠન થયા પછી ઘર્ષણ વધ્યું છે, જે પૈકી કદાચ તેનો અંત આવતીકાલે આવી શકે છે. શિવસેનાના 16 બળવાખોર વિધાનસભ્યના અયોગ્ય ઠેરવવા મુદ્દે એટલે નવ મહિના પછી આવતીકાલે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે.
ગયા વર્ષે જૂન, 2022માં એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાનસભ્યોએ શિવસેના સામે બળવો કરીને સરકારને ઉથલાવી હતી. આ બળવાખોર વિધાનસભ્યની સામે ઉદ્ધવ ઠાકરે જૂથે વિધાનસભાના ઉપાધ્યક્ષને વિધાનસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી કરી હતી. એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યએ સુપ્રીમ કોર્ટમાં ઉપાધ્યક્ષના ચુકાદાની સામે અરજીમાં રોક લગાવવાની માગણી કરી હતી.
એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે અમુક વિધાનસભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે ત્યારે વિધાનસભ્યોના સસ્પેન્ડમાં કોઈ નિર્ણય લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં લગભગ નવ મહિના સુધી ચાલેલી સુનાવણી પછી કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળવ્યા પછી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેના અંગે આવતીકાલે ફાઈનલ ચુકાદો આવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોએ બંધારણના અનુચ્છેદ દસને ટાંકીને દલીલ કરી હતી કે જો બે તૃતીયાંશ (કોઈ વિધાનસભ્યનું ગ્રૂપ)થી વધુ બળવો કરે છે તો તેમને એક અથવા બીજા પક્ષ સાથે વિલિન થવું પડશે, પરંતુ શિંદે અને તેમના જૂથે તેમ કર્યું ન હતું. તેથી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ. એની સાથે જ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પરના અવિશ્વાસ પર ઉઠાવવામાં આવેલા સવાલને પણ ઠાકરે જૂથ દ્વારા ખોટા ગણાવ્યા હતા. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શિંદે જૂથના વકીલે કહ્યું હતું કે તેમના પક્ષના વિધાનસભ્યોએ કોઈ બળવો કર્યો નથી. તેઓ આજે પણ શિવસેનામાં છે અને અગાઉ પણ શિવસેનામાં હતા. બંધારણના અનુચ્છેદ દસને લઈને જે દલીલ કરવામાં આવી રહી છે તે તથ્યહિન છે. એકનાથ શિંદે શિવસેના પાર્ટીના વિધાનસભામાં ગ્રૂપ લીડર છે.
અરજીમાં એકનાથ શિંદે, ભરતશેટ ગોગાવલે, સંદીપાનરાવ ભુમરે, અબ્દુલ સત્તાર, સંજય શિરશાટ, યામિની જાધવ, અનિલ બાબર, બાલાજી કિણીકર, તાનાજી સાવંત, પ્રકાશ સાવંત, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનવણે, ચિમણરાવ પાટિલ, રમેશ બોરનારે, સંજય રાયમૂલકર અને બાલાજી કલ્યાણકરને અયોગ્ય જાહેર કરવાની માગણી કરી હતી.