(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી પંચે શિવસેના અને પક્ષનું ચિહ્ન એકનાથ શિંદેને આપવાનો નિર્ણય લીધા બાદ સોમવારે રાજ્યની વિધાનસભામાં આવેલી શિવસેનાની ઑફિસ પર શિંદે ગ્રૂપે કબજો કરી લીધો હતો. તો મુંબઈ મહાનગરપાલિકામાં આવેલા શિવસેનાના મુખ્યાલય પર શિંદે ગ્રૂપ કબજો ના કરે તે માટે ભૂતપૂર્વ મેયર સ્નેહલ આંબેકર સહિતના ભૂતપૂર્વ નગરસેવકો દરવાજો રોકીને બેસી ગયા હતા.
શિંદે ગ્રૂપના વિધાનસભ્ય અને ચીફ વ્હિપ ભરત ગોગાવલેએ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરની મળીને વિધાનસભામાં આવેલી શિવસેનાની ઑફિસ શિંદે ગ્રૂપને સોંપી દેવાની માગણી કરી હતી. તેમના કહેવા મુજબ ચૂંટણી પંચે હવે તેમના ગ્રૂપને સાચ્ચી શિવસેના જાહેર કરી છે, તેથી હવે પક્ષ ઑફિસ પર તેમના ગ્રુપનો
અધિકાર છે. જોકે સત્તાવાર રીતે તેમણે રાહુલ નાર્વેકરની મુલાકાત લઈને પક્ષની ઑફિસનો કબજો તેમનો સોંપવાની માગણી કરી હોવાને લઈને કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
વિધાનસભામાં શિવસેનાની ઑફિસ પર કબજો કર્યા બાદ મુંબઈ મહાનગપાલિકાની ઑફિસ પર શિંદે ગ્રૂપને કબજો કરતા રોકવા માટે સોમવારે મુંબઈના ભૂતપૂર્વ મેયર સ્નેહલ આંબેકર અને ઉદ્ધવ ઠાકરે ગ્રૂપના ભૂતપૂર્વ નગરસેવકો પહોંચી ગયા હતા અને પાલિકાના મુખ્યાલયમાં આવેલી શિવસેનાની બંધ ઑફિસના દરવાજા બહાર રસ્તો રોકીને બેસી ગયા હતા.