શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
કહેવાવાળા તો કહેતા રહે છે કે આપણો દેશ માત્ર જડીબુટ્ટીઓ વેંચીને એટલું કમાઇ શકે, જેટલું આરબ લોકો તેલ(ક્રુડ ઓઈલ) વેંચીને કમાઇ લે છે. એક ભારતીય તરીકે આવી વાતો સાંભળીને મોંમાં પાણી આવી જાય છે, કારણ કે ભગવાને આરબોને સ્વર્ગ, એમની તેલની કમાણીથી આ જ દુનિયામાં ખોળામાં ધરી દીધું છે. આ સાંભળીને તરત જ જડીબુટ્ટી શોધવાની ઇચ્છા થાય છે અને પૈસા કમાવાની લાલચમાં દરેક છોડ જડીબુટ્ટીનો હોય એવું લાગે છે. કહેવાય છે કે આપણી પાસે તેલના છોડ અને ઝાડની અછત નથી. પ્રશ્ન માત્ર એમાંથી તેલ કાઢવાનો છે. એક વખત નીકળી જાય, પછી તો તેલ જુઓ, તેલની ધાર જુઓ! આખું વિદેશ આપણા તેલથી માલિશ કરાવવા માટે પીઠ ખોલીને ઊભું જ છે.
પણ, શું વાત બસ આટલી આસાન છે? જડીબુટ્ટીના મામલામાં આપણે ઈતિહાસના પહેલાના તબક્કાથી થોડી પહેલાની સ્થિતિમાં છીએ, જ્યારે માણસોને જડીબુટ્ટીઓનું જ્ઞાન નહોતું. હવે જેમ કે મારાથી મારા ઘરનાં આંગણાની સફાઈ ન કરી શકવાની મારી આળસને લીધે, જે અમસ્તું ઘાસ ઊગી નીકળ્યું છે, એમાં કઈ દુર્લભ જડીબુટ્ટી છે, હું નથી જાણતો. ભારતના કોલેજોમાં યે એવા બહુ ઓછા બોટનીના (વનસ્પતિ શાસ્ત્રના) પ્રોફેસર હશે, જેઓ એ જાણતા હશે કે એમની પોતાની કોલેજના કમ્પાઉન્ડમાં જે જે છોડ ઊગી નીકળ્યાં છે એમના નામ શું છે? અને જો એમાં કોઇ જડીબુટ્ટી છે, તો પાછી કઈ છે? જો હું કોઈ વૈદ્યરાજને પણ શોધી લાવીશ તો એ પણ નહીં કહી શકે કે એ બધી કઈ જડીબુટ્ટીઓ છે! એટલે મારી પરિસ્થિતિ પેલા આરબ જેવી છે, જેને ખબર નથી કે જ્યાં એનો ઊંટ ઊભો છે, એની બરોબર નીચે પેટ્રોલનો એક કૂવો છે!
માણસોની જેમ છોડના પણ ઘણાં જાતજાતનાં નામ હોય છે. જેમ કે ઘરમાં મુન્ના અને સ્કૂલમાં રામ કિશોર, ઑફિસમાં વર્માજી અને પીઠ પાછળ ઉલ્લુ કા પઠ્ઠા વગેરે. એવી જ રીતે છોડનું એક નામ જે સ્થાનિક આદિવાસી બોલે છે. એક જે સંસ્કૃતમાં છે, જે આયુર્વેદિક દવાની બોટલ પર લખેલું હોય છે, બીજું જે બોટનીમાં ખાસ અંગ્રેજીમાં છે, જે ગ્રીક અથવા લેટિન ભાષા પરથી આવ્યું છે. પરિસ્થિતિ તો ત્યાં સુધી બગડી ગઇ છે કે બિચારો છોડ પોતે પણ નથી જાણતો કે એનું સાચું નામ શું છે? અને માણસનું પોતાનું એક નામ હોવા છતાં એ માણસ ભીડમાં હોય તો ભીડ જ કહેવાય છે. એ ભીડ જેના પર ટિયર ગેસ છોડી શકાય છે, લાઠી ચાર્જ કરી શકાય છે!
એવી જ રીતે બિચારો છોડ, એકંદરે તો અમસ્તુ ઊગી નીકળેલું અવાવરું ઘાસપૂસ કે ઝાડી-ઝાંખરું જ છે, જેને ખેતીના નિયમો મુજબ ઉખેડીને ફેંકી દેવા જોઈએ જેથી મૂળ પાકને તકલીફ ના થાય. પાછો ભારત ખેતીપ્રધાન દેશ છે, માટે અહીંયા રોટીની સમસ્યા દવાઓ કરતાં વધારે મહત્ત્વની છે. એટલે અમસ્તુ ઊગી નીકળેલું ઘાસ ઉખાડો, જમીન ખોદો, પંપ લગાવો, જમીનને ભીની કરો અને ઘઉં વાવો, એ ઘઉં જે વૈદ્યજીના શબ્દોમાં પિત્ત કરે છે.
અને આજકાલ તો ખેતરનો નાશ કરી, એના પર મકાનો બનાવવાના અને ગેસ છોડવાવાળા, પ્રદૂષણ ફેલાવવાવાળા કારખાનાઓ બનાવવાની ફેશન છે, તો એ બિચારી જડીબુટ્ટી, જે ગરીબ ભારતીયને ‘આરબ શેખ’
બનાવી શકે છે, શું એ સંકોચાઈને મરવાના હાલમાં જીવતી રહેશે? અમને એટલી ખબર છે કે જડીબુટ્ટી જંગલોમાં, પર્વતોમાં, હિમાલયમાં વગેરે જગ્યાઓ પર હોય છે, પણ જંગલો, પર્વતો, હિમાલયની શું દુર્દશા છે, એ આપણને નથી ખબર? આજે જો લક્ષ્મણજી બેહોશ થઈ જાય અને હનુમાનજી જડીબુટ્ટી શોધવા જાય અને આખો પર્વત લઈ આવે, તો સુષૈણ વૈદ્ય પણ એ પર્વત પરથી પોતાને ઇચ્છિત ઔષધી કાઢી શકશે કે કેમ, એમાં શંકા છે! તેથી આપણાં લોકોની રાતો રાત ક્રુડ ઓઇલ વેંચનારા અરબો પતિ આરબ શેખ બનવાની શક્યતાઓ ઓછી છે! (મૂળ લેખ- ૧૯૮૫)