બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ઘણા ખુલાસા કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે 48 વર્ષ પહેલા 1975માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’ અને ‘દીવાર’ની સ્ક્રિપ્ટ સૌપ્રથમ શત્રુઘ્ન સિન્હા માટે તૈયાર કરવામાં આવી હતી અને આ બે મોટી ફિલ્મોને રિજેક્ટ કરવાનો તેમને આજે પણ અફસોસ છે.
કોલકાતા ઈવેન્ટમાં હાજરી આપનાર શત્રુઘ્ન સિંહાને એક એવી વસ્તુનું નામ જણાવવા માટે કહેવામાં આવ્યું કે જેનો તેઓ ભાગ ના બની શક્યા અને જેનો તેમને આજ સુધી અફસોસ છે. આ સવાલના જવાબમાં તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ફિલ્મ ‘દીવાર’નો હિસ્સો નથી. તેઓ આ ફિલ્મમાં કામ કરી શક્યા નહીં, જ્યારે કે આ ફિલ્મ તેમના માટે જ લખવામાં આવી હતી.
શત્રુઘ્ન સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘દીવાર’ની સ્ક્રિપ્ટ સૌથી પહેલા તેમની પાસે આવી હતી અને લગભગ 6 મહિના સુધી તેમની પાસે આ સ્ક્રિપ્ટ હતી, પરંતુ કેટલાક અણબનાવને કારણે તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તે જ સમયે, શત્રુઘ્ન સિન્હાએ એ પણ જણાવ્યું કે તેમને ફિલ્મ ‘શોલે’ પણ પહેલા ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન તેમની પાસે ઘણી ફિલ્મો હતી અને તારીખો ન હોવાના કારણે, આ ફિલ્મ પાછળથી અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી.
બાદમાં ‘દીવાર’ અને ‘શોલે’ જેવી ફિલ્મોને કારણે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બની ગયા હતા અને તેમની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
શત્રુજીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમને ઈન્ડસ્ટ્રીમાં કોઈની સાથે દુશ્મની નથી, ઈન્ડસ્ટ્રીમાં દરેક સાથે તેમના સારા સંબંધો છે.