(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૩૦૪.૩૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના પ્રાથમિક અહેવાલ ઉપરાંત ગત એપ્રિલ મહિનામાં જીએસટી વસૂલી વિક્રમજનક સપાટીએ રહેતાં આજે મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસ જેવાં હેવી વૅઈટ શૅરોમાં રોકાણકારોની વ્યાપક લેવાલી નીકળતાં સતત આઠમાં સત્રમાં બૅન્ચમાર્કમાં આગેકૂચ જળવાઈ રહી હતી. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૪૨.૨૭ પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૮૨.૬૫ પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો.
ગઈકાલે મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ આજે એશિયન માર્કેટના સુધારાતરફી વલણના નિર્દેશો સાથે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૧,૧૧૨.૪૪ના બંધ સામે સુધારાના ટોને ૬૧,૩૦૧.૬૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૨૫૫ અને ઉપરમાં ૬૧,૪૮૬.૨૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૨૪૨.૨૭ પૉઈન્ટ અથવા તો ૦.૪૦ ટકા વધીને ૬૧,૩૫૪.૭૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૮,૦૬૫ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૧૨૪.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૧૦૧.૭૫ અને ઉપરમાં ૧૮,૧૮૦.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૪૬ ટકા અથવા તો ૮૨.૬૫ પૉઈન્ટ વધીને ૧૮,૧૪૭.૬૫ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે પશ્ર્ચિમની બજારોમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો, પરંતુ એશિયન બજારોના પ્રોત્સાહક અહેવાલ, ગત નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકગાળાના મજબૂત પરિણામો, એપ્રિલ મહિનાની વિક્રમજનક જીએસટી વસૂલી અને ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક ચાર મહિનાની ટોચે રહેતાં બજારમાં તેજીને ટેકો મળ્યો હતો. વધુમાં ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીના નિર્દેશોએ તેજીને ઈંધણ પૂરું પાડ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૬ શૅરના ભાવ વધીને અને ૧૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૯ શૅરના ભાવ વધીને અને ૨૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના શૅરો પૈકી સૌથી વધુ ૨.૯૨ ટકાનો ઉછાળો ટૅક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એનટીપીસીમાં ૨.૫૬ ટકાનો, ટાટા સ્ટીલમાં ૨.૨૨ ટકાનો, મારુતિમાં ૨.૧૪ ટકાનો, ઈન્ફોસિસમાં બે ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૩૭ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય લાર્સન ઍન્ડ ટૂબ્રો, એક્સિસ બૅન્ક, ટિટાન, રિલાયન્સ, વિપ્રો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં સુધારો આવ્યો હતો. જોકે, આજે સન ફાર્મામાં સૌથી વધુ ૧.૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૩૦ ટકા, ભારતી એરટેલમાં ૧.૧૧ ટકા, ટાટા મોટર્સમાં ૧.૦૧ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૮૯ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૦.૫૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને નેસ્લેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૦.૭૪ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩ ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે બીએસઈ ખાતેના કુલ બાવીસ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ૧૭ ઈન્ડેક્સ વધીને અને પાંચ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. આજે બીએસઈ સીપીએસઈ ઈન્ડેક્સ ૧.૮૭ ટકા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ ૧.૭૫ ટકા, મેટલ ઈન્ડેક્સ ૧.૬૬ ટકા, પાવર ઈન્ડેક્સ ૧.૪૧ ટકા, યુટીલિટી ઈન્ડેક્સ ૧.૩૫ ટકા અને ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૩૦ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સ ૩.૦૫ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સ ૨.૪૦ ટકા, ફાઈનાન્સ ઈન્ડેક્સ ૧.૫૫ ટકા, ટેલિકોમ ઈન્ડેક્સ ૦.૩૭ ટકા અને એફએમસી ઈન્ડેક્સ ૦.૦૮ ટકા ઘટીને બંધ રહ્યો હતો.
દરમિયાન આજે એશિયામાં સિઉલ, જાપાન, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૩૮ ટકા ઘટીને બેરલદીઠ ૭૯.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.