(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વ બજારના નબળા સંકેત ઉપરાંત ઘરઆંગણે આજે ઈન્ફોસિસ સહિતના આઈટી શેરો અને ટેકનો શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૦.૮૬ ટકા અને ૦.૬૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા અને નવ સેશનની તેજી પર બ્રેક વાગી હતી. શેરબજાર સતત નવ સેશનની તેજી બાદ સોમવારે ૦.૮૬ ટકા ઘટીને બંધ રહ્યં હતું. બીએસઈ સેન્સેક્સ ૫૨૦ પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૭૦૦ની ઉપર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસના શેરોમાં ૯.૪૦ ટકાનો ઘટાડો જોવાયો હતો.
સોમવારે દિવસ દરમિયાન સેન્સેક્સ ૯૮૯ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો જોકે, પાછળથી ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં બજારે ૪૦૦ પોઇન્ટનો ઘટાડો પચાવ્યો હતો. મિડકપ, સ્મોલકેપ, ઓઈલ-ગેસ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલીને આધારે બજારને દિવસની નીચી સપાટીથી પાછા ફરવાનો ટેકો મળ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૦૭.૮૬ પોઇન્ટ્સ અને નીચામાં ૫૯,૪૪૨.૪૭ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૫૨૦.૨૫ પોઈન્ટ્સ અથવા ૦.૮૬ ટકા ગગડીને ૫૯,૯૧૦.૭૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૬૩.૦૦ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૫૭૪.૦૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૨૧.૧૫ પોઈન્ટ્સ અથવા ૦.૬૮ ટકાના ધોવાણ સાથે ૧૭,૭૦૬.૮૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
આ સત્રમાં આઈટી, ટેકનોલોજી, ટેલિકોમ, ફાર્મા અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. જ્યારે ઓઈલ-ગેસ, રિયલ્ટી, પાવર, મેટલ, બેન્ક અને ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૬ ટકા અને ૦.૧૩ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ૪.૦૩ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, અલ્ટ્રાકેમ્કો, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
જોકે, સેન્સેક્સના શેરોમાં ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૯.૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનો, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો,એચડીએફસી, ટીસીએસ, એચડીએફસી બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ૩.૯૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, એસબીઆઈ, બ્રિટાનિયા અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ઈન્ફોસિસના શેરમાં ૯.૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને એનટીપીસીનો સમાવેશ થાય છે.
દરમિયાન, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો વાર્ષિક ધોરણે ૨૦.૬૦ ટકા વધીને ૧૨,૫૯૪.૪૭ કરોડ રૂપિયા નોંધાયો છે, જ્યારે બેન્કની આવક ૩૧ ટકા વધીને ૫૩,૮૫૧ કરોડ રૂપિયા થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો ૧૦,૪૪૩.૦૧ કરોડ રૂપિયા હતો. અને તેની કુલ આવક ૪૧,૦૮૬ કરોડ રૂપિયા છે. શેરદીઠ રૂ. ૧૯નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બેન્કનો ચોખ્ખો નફો ૪૫,૯૯૭.૧૧ કરોડ રૂપિયા રહ્યો છે.
ગોદરેજ ગ્રૂપની ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ગોદરેજ કેપિટલે એમએસએમઇને તેમના વ્યવસાયની વૃદ્ધિમાં મદદરૂપ બનવા નિર્માણ નામે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. એમએસએમઇ માલીકોને તેમની ક્ષમતાથી વ્યવસાયિક વૃદ્ધિની વ્યાપક તકો પ્રદાન કરવા પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. ગોદરેજ કેપિટલે એમએસએમઇની મુખ્ય સમસ્યાઓના ઉકેલ આપવા તથા નજીકના ભવિષ્યમાં તેમના પાર્ટનર નેટવર્કમાં વધારો કરવા એમેઝોન ગ્લોબલ સેલિંગ, ઓનસ્યુરિટી, ઝોલ્વિટ અને એમએસએમઇએક્સ જેવી વિશ્ર્વસનીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે.