Homeશેરબજારફેડરલ ઇફેક્ટ: સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ્સ ગબડ્યો, નિફ્ટી ફરા ૧૭,૧૦૦ની નીચે સરકી ગયો

ફેડરલ ઇફેક્ટ: સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ્સ ગબડ્યો, નિફ્ટી ફરા ૧૭,૧૦૦ની નીચે સરકી ગયો

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે અપેક્ષા અનુસાર જ પચીસ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હોવા છતાં જેટનેટ યેલનના બેન્કને લગતા અણધાર્યા નિવેદનને કારણે સેન્ટિમેન્ટ બગડતા વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. શેરબજારમાં ગુરૂવારે ભારે ઉતારચઢાવ જોવા મળ્યા હતા. ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરતાં વૈશ્ર્વિક રાહે ભારતીય બજાર ગગડ્યું હતું. બપોરે એક તબક્કે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં પણ આવી ગયું હતું પરંતુ, સુધારો ટકી શક્યો નહોતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૮,૩૯૬.૧૭ પોઇન્ટ અને નીચામાં ૫૭,૮૩૮.૮૫ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૨૮૯.૩૧ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકા ઘટીને ૫૭,૯૨૫.૨૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૨૦૫.૪૦ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૦૪૫.૩૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૭૫.૦૦ પોઈન્ટ્સ અથવા ૦.૪૪ ટકાના ધોવાણ સાથે ૧૭૦૭૬.૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામા આવ્યા બાદ સતત બે દિવસની રેલી પર બ્રેક મારતા ગુરૂવારે ભારતીય શેરબજાર વૈશ્ર્વિક રાહે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી ૧૭૧૦૦ની નીચે બંધ રહ્યો હતો. આ સત્રમાં એસબીઆઈના શેર બે ટકા તૂટ્યા હતા. ખાસ કરીને આ સત્રમાં વ્યાજદર સંવેદી સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરલે વ્યાજદરમાં અપેક્ષા અનુસારનો જ વધારો કરવા ઉપરાંત એવો સંકેત પણ આપ્યો હતો કે તે આગામી સમયમાં વ્યાજદર વૃદ્ધિ બાબતે કોઇ આક્રમક વલમ નહીં અપનાવે. જોકે, જેનેટ યેલને બેન્કિંગ સિસ્ટમની તમામ થાપણો માટે ગેરન્ટી આપવા સંદર્ભે પોતે કોઇ બાયંધરી ના આપી હોવાની સ્પષ્ટતા કરી હોવાથી સેન્ટિમેન્ટ ડહોળાયું હતું અને અમેરિકન બજારો પાછળ અન્ય બજારો પણ ગબડ્યાં હતાં. આ જ કારણસર શેરબજારમાં વ્યાજદર વધારો અંદાજ મુજબનો હોવા છતાં પણ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સવારથી જ રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી અને ટેકનો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
દિવસ દરમિયાન બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી, ટેકનો, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે પાવર, ટેલીકોમ, એફએમસીજી, ફાર્મા અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૫ ટકા અને ૦.૧૫ ટકા ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ૧.૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, મારૂતિ, ટાટા મોટર્સ, આઈટીસી, સન ફાર્મા અને ટાઈટનનો સમાવેશ થાય છે.
સેન્સેક્સ પેકમાં એસબીઆઈના શેરોમાં સૌથી વધુ ૧.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, કોટક બેન્ક, એચસીએલ ટેકનો, વિપ્રો, રિલાયન્સ, ઈન્ફોસિસ, એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરોમાં સૌથી વધુ ૧.૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, નેસ્લે, ઓએનજીસી અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ એસબીઆઈના શેરમાં ૧.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, એચસીએલ ટેકનો અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. દરમિયાન, શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં પાછલા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. દેશના શેરબજારોમાં વર્તમાન નાણાં વર્ષમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સ ગયા નાણાં વર્ષની સરખામણીએ વીસ ટકા જેટલું ઘટયું છે. પાછલાં ૧૧ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે. દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર ઈક્વિટી કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર ગયા નાણાં વર્ષની સરખામણીએ ૨૦.૪૦ ટકા ઘટી રૂ. ૫૭૭૦૦ કરોડ રહ્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૧૨ બાદ આ સૌથી મોટો ઘટાડો છે. નાણાં વર્ષ ૨૦૧૨માં સરેરાશ દૈનિક ટર્નઓવર વાર્ષિક ધોરણે ૨૩.૮૦ ટકા ઘટી રૂપિયા ૧૪૦૮૧.૭૨ કરોડ રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૧માં વોલ્યુમમાં ૭૦.૦૬ ટકાનો વધારો થઈને સરેરાશ આંક રૂપિયા ૬૬૪૧૫.૭૬ કરોડ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -