(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ચીનમાં કોરોનાના વકરી રહેલા કોરોનાના અહેવાલ વચ્ચે એશિયાઇ માર્કેટ્સમાં મંદીનો માહોલ રહ્યો હોવા છતાં અફડાતફડીમાં અટવાયા બાદ સેન્સેક્સ અંતે સતત બીજા દિવસે ૧૨૬ પોઇન્ટ આગળ વધ્યો હતો જ્યારે નિફ્ટીએ પણ ૧૮,૧૫૦ની મહત્ત્વપૂર્ણ સપાટી પાર કરીને ૧૮,૨૦૦ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. સત્ર દરમિયાન ૬૧,૩૪૩.૯૬ પોઇન્ટની ઊંચી અને૬૧,૦૦૪.૦૪ પોઇન્ટની નીચી સપાટી વચ્ચે અથડાયા બાદ છેવટે સેન્સેક્સ ૧૨૬.૪૧ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકા આગળ વધીને ૬૧,૨૯૪.૨૦ પોઇન્ટની સપાટીએ ગોઠવાયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૩૫.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૧૯ ટકાના વધારા સાથે ૧૮,૨૩૫.૫૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
વિદેશી હૂંડિયામણ બજારમં ડોલરની મજબૂતીને કારણે રૂપિયો ગબડ્યો હોવાથી તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા એકધારી વેચવાલીને કારણે જોકે બેન્ચમાર્કને વધુ ઊંચી સપાટીએ જવામાં સફળતા મળી નહોતી. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો આઠ પૈસા તૂટીને ૮૨.૮૬ બોલાયો હતો.
સેન્સેક્સના શેરોમાં ૨.૨૫ ટકાના ઉછાળા સાથે એક્સિસ બેન્ક ટોપ ગેઇનર રહ્યો હતો. આ યાદીમાં ત્યાબાદ ટાઇટન, ટીસીએસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક, વિપ્રો અને નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ હતો. જ્યારે ચટોપ લુઝર્સ શેરોની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિંંદુસ્તાન યુનિલીવર, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી અને એનટીપીસીનો સમાવેસ હતો. આ શેરોમાં ૧.૧૩ ટકા સુધીની પીછેહઠ નોંધાઇ હતી.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે કોઇપણ નવા આર્થિક ટ્રીગરના અભાવ વચ્ચે બજારે હવે કોર્પોરેટ પરિણામ પર ફોકસ કરવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. આવતા સપ્તાહની કોર્પોરેટ પરિણામની મોસમ શરૂ થશે. લોન સેકટરનો ગ્રોથ જોતાં બેન્કોના પરિણામ મજબૂત આવવાની ધારણા છે. આગામી દિવસોમાં આઇટી અને બેન્ક શેરો પર ફોકસ રહેવાની ધારણા છે.
આ સત્રમાં નાના શેરોમાં પણ લેવાલી જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા વધીને ૨૫,૫૧૪.૨૧ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮ ટકા વધારાની સાથે ૨૯,૨૨૨.૬૯ પોઇન્ટ પર બંધ થયો છે.
આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ હેલ્થકેર શેરોમાં ૦.૦૯-૧.૨૯ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૫૧ ટકાના વધારાની સાથે ૪૩,૪૨૫.૨૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, મેટલ શેરોમાં ઘટાડો દેખાયો. અગ્રણી શેરોમાં એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ,એક્સિસ બેન્ક, ટાઈટન, ટીસીએસ અને ટેક મહિન્દ્રા ૧.૪૯-૪.૫૪ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે હિંદાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, બ્રિટાનિયા, એમએન્ડએમ, રિલાયન્સ અને ગ્રાસીમ ૦.૭૧-૧.૭૦ ટકા સુધી ઘટીને બંધ થયો છે. વૈશ્ર્વિક સ્તરે સ્થાનિક માગમાં સુધારો કરવા માટે ચીને પહેલી જાન્યુઆરીથી એલ્યુમિનિયમ પર નિકાસ ટેરિફ વધારવાની યોજના જાહેર કર્યા પછી મેટલ્સ સ્ટોક્સમાં આકર્ષણ વધ્યું છે. જ્યારે, જીએસટીના સારા આંકડાથી સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. ગયા મહિને જીએસટીની વસૂલીના ઊંચા આંકડા અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. ડિસેમ્બરનું જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને રૂ. ૧.૪૯ લાખ કરોડ રહ્યું હતું, જે ઉત્પાદન, વપરાશ અને તે સાથે સારા કમ્પ્લયાન્સ દર્શાવે છે.
જોકે, બીજી તરફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટરે ચેતવણી આપી છે કે વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ૨૦૨૨ કરતાં ૨૦૨૩ મુશ્કેલ વર્ષ હશે, કારણ કે વૈશ્ર્વિક વૃદ્ધિના તમામ મુખ્ય અર્થતંત્રો જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને યુરોપ નબળી આર્થિક સ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે. એ જ સાથે બ્રેન્ટ ક્રૂડના સતત વધી રહ્યાં છે. ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ભારત જેવા આયાત કરતા દેશોને નુકસાન પહોંચાડે છે, જ્યાં દેશના આયાત બિલમાં ક્રૂડનો મોટો હિસ્સો છે. આ રીતે બંને તરફી પરિબળો મોજૂદ છે.