શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ
કાલે મારી કુંડળી જોઈને દાદુએ એક ઇંટેરેસ્ટિંગ વાત કહી. એમણે કહ્યું, ‘તને જીવનભર ક્યારેય એવી કોઇ પાર્ટીનું આમંત્રણ નહીં મળે જેનું આયોજન ગુનેગારો દ્વારા કરવામાં આવ્યું હોય અને જેમાં પોલીસવાળા મહેમાન હોય! અથવા તો પોલીસવાળાએ પાર્ટીનું આયોજન કર્યું હોય અને ગુનેગારો એમાં મહેમાન હોય!’
એક જન્મજાત ભોજનપ્રિય બ્રાહ્મણને આવો વિચાર પણ કંપાવી નાખતો હોય છે કે કોઈ પાર્ટી કે ભોજન સમારંભમાં એવું બને કે જેમાં એક બ્રાહ્મણને જ આમંત્રણ ના હો? અસંભવ!
‘એવું કેમ?’ મેં દાદૂને પૂછ્યું.
‘શું છે કે તારી કુંડળીમાં ‘મંગળ’ ખોટા સ્થાને છે. તું ના તો ચોરોનો થઈ શકીશ કે ના તો સિસ્ટમનો! અને જે રસિક જગ્યાએ જ્યાં ચોર-પોલીસ બેઉનું મિલન થાય છે, બેઉ સાથે રંગરેલીયા મનાવે છે, ત્યાં તો તું કોઈને દીઠ્ઠો ય ગમીશ નહીં.’
મેં કહ્યું, ‘જવા દોને, હવે આજકાલ તો આવી પાર્ટીઓમાં પોલીસવાળા પણ જવાનું પસંદ નથી કરતા. ત્યાં પાર્ટીમાં કોઈ ચોર કે ગેંગસ્ટર સાથે પડાવેલો ફોટો કે વીડિયો વોટ્સ-એપ, યુ-ટ્યૂબ કે ફેસબુક પર વાયરલ થઈ જાય તો લેવાના દેવા થઈ જાય. કયો પ્રામાણિક ને મહેનતુ પોલીસ ઓફિસર એવું ઈચ્છે કે જ્યારે એ દારૂ પીને નશામાં ધૂત્ લથડિયા ખાતા ખાતા કોઈ છોકરીના ખભા પર હાથ મૂકે, એને ચુંબન કરવાની કોશિશ કરતો હોય ત્યારે એના ફોટો પાડી લેવામાં આવે અથવા વીડિયો ઉતારી લેવામાં આવે? એ ફોટા અને વીડિયો લેવાનું કારણ પણ એ જ કે એક પુરાવો હાથમાં રહે અને જરૂર પડે ત્યારે સમય પર કામમાં આવે.
આ બાબતમાં એક નૈતિક સવાલ સંકળાયેલો છે. પોલીસ ઓફિસરો એમની વ્યવહારિકતા, ચોરો સાથેની આત્મિયતા અને જૂના સંબંધોનું માન રાખીને આજ સુધી આવી રંગીન પાર્ટીઓમાં ભાગ લેતા આવ્યા છે. પણ હવે એવી પાર્ટીઓમાં જતા પહેલાં બે વખત વિચારશે અને જો એ દિવસે બીજી કોઇ જ પાર્ટીમાં જવાનું ન હોય તો જ એ પોલીસ ઓફિસરો ત્યાં નાછૂટકે જશે, નહીંતર તો ચોખ્ખી ના પાડી દેશે.’
દેખીતી રીતે દાદુ મારા આટલા લાંબા ભાષણથી પ્રભાવિત થયા હતા.
‘એ જે હોય તે પણ તને આવી પાર્ટીઓમાં કોઇ બોલાવશે નહીં. આ બધું ‘મંગળ’ના કારણે જ છે. દાદુએ કહ્યું.
‘પણ મંગળ ગ્રહ તો આપણા પૃથ્વીથી ઘણો દૂર છે! માણસ, પોલીસવાળો બને કે ચોર બને બંનેનું કારણ તો ‘મંગળ’ જ છે. બંનેનું કામ એક સરખું જ છે. બંને દોડે છે, લડે છે, સાવચેતી રાખે છે, ખાય છે, પીએ છે, ગુનો કરવામાં મચેલા હોય છે, વૃદ્ધાવસ્થા મજાથી વિતાવવાની કલ્પનામાં જીવે છે, પોલીસ સ્ટેશન-અદાલત વગેરેના ચક્કરમાં રહે છે કાયદાકીય હેરાફેરીનો લાભ લે છે, ચારિત્ર્યહીન સ્ત્રીઓ બંનેને સમાન રીતે લલચાવે છે. ટૂંકમાં બંને ‘મંગળ’થી પ્રભાવિત છે, જેનો ‘મંગળ’ સારો હોય છે એ પોલીસમાં જાય છે અને જેનો ૫મંગળ૨ ખરાબ હોય છે એ ગુનાના ક્ષેત્રમાં પહોંચે છે. આમ બંને દુશ્મન હોવા છતાં પણ આમ પાછા મિત્રો છે. અનૈતિક ગુનેગારોમાં થોડી નૈતિકતા બચેલી હોય છે અને નૈતિક પોલીસવાળામાં થોડી અનૈતિકતા છુપાયેલી! માટે જ એ બેઉ લોકો જ્યારે પાર્ટીઓમાં મળે છે ત્યારે એમના ફોટા પાડી લેવામાં આવે છે કે વીડિયો ઉતારી લેવામાં આવે છે. મેં કહ્યું.
“અલ્યા ભઈ, ફોટા કે વીડિયોનું કારણ ‘મંગળ’ નહીં ‘શુક્ર’ છે! દાદૂએ કહ્યું, “ને તારો તો ‘શુક્ર’ પણ કમજોર છે એટલે તને તો ચોર કે પોલીસ બેઉ પાર્ટીમાં નહીં જ બોલાવે! સમજયો? પછી મેં બહુ વિચારીને પૂછ્યું ચોર કે પોલીસ જવાદો પણ એમના સિવાય ખંધા રાજકારણીઓ તો પાર્ટીમાં બોલાવી શકે ને?
…પછી દાદુ મારી કુંડળી વાંચીને હસ્યા. હું સમજી ગયો. આપણને શું ? આપણને તો પાર્ટીમાં જવાથી મતલબ! ઉ