સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સરથ બાબુનું હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં 71 વર્ષની વયે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ એઆઈજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મળી રહેલી માહિતી અનુસાર સરથ બાબુનું મૃત્યુ તેમના આખા શરીરમાં સેપ્સિસ, મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું.
તેમના નિધનથી સાઉથ ઈન્ડિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કદી ના પુરાય એવી ખોટ પડી છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજનેતાઓ સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર સાંભળીને શોક વ્યક્ત કરી રહ્યા છે. પરિવારના સભ્યો દ્વારા સરથ બાબુના પાર્થિવ શરીરને ચેન્નઈ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ત્રીજી મેના બીમારીને કારણે તેમનું નિધન થયું હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, બાદમાં પરિવારના સભ્યોએ આ વાતની પુષ્ટિ કરી હતી કે સરથ બાબુ હજુ જીવે છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમના સંબંધીઓ અને પીઆર ટીમે પણ લોકોને કોઈપણ ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવાની ભલામણ કરી હતી.
સરથ બાબુ એક ઈન્ડિયન એક્ટર હતા, જેમણે મુખ્યત્વે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેલુગુ, તમિલ, કન્નડ અને કેટલીક મલયાલમ અને હિન્દી ફિલ્મો સહિત 200થી વધુ ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. તેમણે 1973માં તેલુગુ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, બાદમાં તેમણે બાલાચંદર દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ નિઝાલ નિજામગીરાધુ (1978) દ્વારા લોકપ્રિયતા હાંસિલ કરી હતી. અત્યાર સુધીમાં તેમને આઠ સ્ટેટ નંદી એવોર્ડ મળ્યા છે અને તેમનો જન્મ 31મી જુલાઈ, 1951ના રોજ શ્રીકાકુલમ જિલ્લાના અમુદાલા ગામમાં થયો હતો.