Homeએકસ્ટ્રા અફેરશરદ યાદવ ઓબીસી અનામતના પ્રેરક હતા

શરદ યાદવ ઓબીસી અનામતના પ્રેરક હતા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતીય રાજકારણમાં એક સમયે મોટું નામ મનાતા ને છેલ્લા કેટલાંક સમયથી સાવ ભૂલાઈ ગયેલા જેડીયુના ભૂતપૂર્વ પ્રમુખ શરદ યાદવનું ગુરુવારે રાત્રે નિધન થઈ ગયું. ૭૫ વર્ષના શરદ યાદવની તબિયત લાંબા સમયથી ખરાબ હતી અને ગુરુવારે મોડી સાંજે તેમની તબિયત બગડતાં તેમને દિલ્હીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડૉક્ટરો તેમને બચાવી ના શક્યા ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે તેમનું નિધન થઈ ગયું. શરદ યાદવનાં પુત્રી સુભાષિની યાદવ કૉંગ્રેસનાં નેતા છે ને તેમણે ગુરુવારે મોડી રાતે ટ્વીટ કરીને યાદવના નિધનની માહિતી આપી પછી શ્રદ્ધાંજલિઓનો પ્રવાહ શરૂ થયો છે.
નરેન્દ્ર મોદી, લાલુ યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, વિપક્ષના નેતા વિજય સિંહા સહિત સંખ્યાબંધ નેતાઓએ શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને જુદી જુદી ઉપમાઓ આપીને વખાણ્યા છે. મોદીએ શરદ યાદવને ડૉ. રામ મનોહર લોહિયાથી પ્રભાવિત નેતા ગણાવીને પ્રધાન અને સાંસદ તરીકેની તેમની કામગીરીને વખાણી છે તો બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે શરદ યાદવને મંડલ મસીહા, મહાન સમાજવાદી નેતા અને પોતાના સંરક્ષક ગણાવીને શ્રદ્ધાંજલિ આપી છે.
બીજા નેતાઓએ પણ શરદ યાદવને અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપી છે. તેમાંથી ઘણી અતિશયોક્તિભરી પણ છે પણ શરદ યાદવ ભારતના રાજકારણનું એક મહત્ત્વનું પાત્ર હતા તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. એક સમયે જયપ્રકાશ નારાયણના લાડકા મનાતા શરદ યાદવની રાજકીય કારકિર્દી બહુ લાંબી છે અને આ કારકિર્દીમાં યાદ કરવા જેવું પણ ઘણું બધું છે.
શરદ યાદવ ૨૦૧૭માં રાજ્યસભાના સભ્યપદેથી નિવૃત્ત થયા પછી કોઈએ તેમને ટિકિટ ના આપી તેથી સાવ નવરા થઈ ગયેલા પણ એ પહેલાંની તેમની રાજકીય કારકિર્દી નોંધપાત્ર તો છે જ. છેલ્લાં બે વરસથી ગંભીરરીતે બીમાર હોવાને કારણે તેમની રાજકીય પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ હતી છતાં એ સાવ નિષ્ક્રિય નહોતા. તેમની બહુ નોંધ નહોતી લેવાતી એ અલગ વાત છે પણ એ છતાં એ શક્ય એટલા સક્રિય રહેતા જ.
શરદ યાદવ ૧૯૭૪માં પહેલીવાર પેટાચૂંટણીમાં જીતીને લોકસભાના સભ્ય બન્યા પછી સાડા ચાર દાયકાની રાજકીય કારકિર્દીમાં છવાર લોકસભામાં ચૂંટાયા ને ત્રણવાર રાજ્યસભાના સભ્ય બન્યા એ જોતાં નવ ટર્મ સાંસદ રહ્યા. યાદવ ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં વિવિધ વિભાગોમાં મંત્રી પણ હતા. ૨૦૦૩માં શરદ યાદવ જનતા દળ યુનાઈટેડ જેડી(યુ)ના પ્રમુખ બન્યા હતા ને જ્યોર્જ ફર્નાન્ડિઝના વળતા પાણી થયાં પછી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ક્ધવીનર પણ હતા.
શરદ યાદવ ચારવાર બિહારના મધેપુરામાંથી ચૂંટાયા તેથી મોટાભાગના લોકો તેમને બિહારી માને છે પણ એ બિહારી નહોતા. મધ્ય પ્રદેશના જબલપુરમાં તેમનો જન્મ થયો ને જબલપુરમાંથી જ પહેલાં બી.એસસી. ને પછી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી. ભારતના રાજકારણમાં બહુ ઓછા નેતા શરદ યાદવ જેટલા શિક્ષિત હશે. ૧૯૮૭માં લોકસભાની પેટાચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ પણ જબલપુરમાંથી જ બન્યા હતા. જયપ્રકાશ નારાયણે બિહાર સરકાર સામે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ શરૂ કરી ત્યારે શરદ યાદવ તેમાં જોડાયા હતા. જે.પી. તેમનાથી પ્રભાવિત થયા ને ૨૭ વર્ષના શરદ યાદવને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા. ભારતમાં પહેલી કૉંગ્રેસ વિરોધી સરકાર જનતા પાર્ટી રચાયેલી. જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હળધારી ખેડૂત હતું ને આ ચિહ્ન પર ચૂંટણી લડનારા પહેલા નેતા શરદ યાદવ હતા. તેના પરથી જ શરદ યાદવનો એ વખતે કેવો દબદબો હશે તેનો ખ્યાલ આવી જાય.
શરદ યાદવ ૧૯૮૧માં રાજીવ ગાંધી પહેલીવાર સાંસદ બન્યા ત્યારે અમેઠીમાંથી તેમની સામે હારેલા. એ પછી તેમનો થોડો ખરાબ સમય રહ્યો પણ વિશ્ર્વનાથ પ્રતાપસિંહના ઉદય સાથે જ શરદ યાદવનો પણ ઉદય થયો. જનતા દળમાં યાદવની બોલબાલા હતી ને ભારતના રાજકારણમાં ટર્નિગ પોઈન્ટ સાબિત થયેલા મંડલ પંચનો અમલ કરવાનું શ્રેય શરદ યાદવને અપાય છે. મંડલ પંચના કારણે આપણે ત્યાં ૨૭ ટકા ઓબીસી અનામત આવી ગઈ. મંડલ પંચના વખારમાં પડેલા રિપોર્ટનો અમલ કરવાની વી.પી.ને સલાહ શરદ યાદવે આપેલી. એ સલાહના કારણે વી.પી. પતી ગયા પણ ભારતમાં ઓબીસી અનામત આવી ગઈ.
શરદ યાદવ તેમની રાજકીય કારકિર્દીમાં લાલુ પ્રસાદ યાદવના કટ્ટર વિરોધી તરીકે પણ જાણીતા થયા પણ મજાની વાત એ છે કે, શરદ યાદવે જેની સાથે વરસો લગી દુશ્મનાવટ રાખી એ લાલુના શરણે જ છેવટે જવું પડેલું. એક સમયે શરદ યાદવ, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ ત્રણેય સાથે જ હતા. એ પછી લાલુ પ્રસાદ અને નીતિશ કુમાર સામસામે આવી ગયા ત્યારે શરદ યાદવે નીતિશ કુમારની પંગતમાં બેસવાનું પસંદ કરેલું કેમ કે લાલુ પ્રસાદ સાથેની તેમની રાજકીય દુશ્મની વધારે તીવ્ર હતી. લાલુ પ્રસાદ સામે એ બેવાર લોકસભાની ચૂંટણી લડીને હારેલા. લાલુને છોડીને પોતાની સાથે રહ્યા તેના બદલારૂપે નીતિશ શરદ યાદવને બેવાર રાજ્યસભામાં મોકલ્યા. શરદ યાદવ એકવાર નીતિશની જ પાર્ટીમાંથી લોકસભામાં પણ ચૂંટાયા.
જો કે નીતિશ કુમારે ૨૦૧૭માં લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવને છોડીને ભાજપ સાથે જોડાણ કર્યું તેનાથી વંકાયા તેમાં નીતિશ સાથેના રાજકીય સંબંધો બગડ્યા. તેના કારણે વરસો લગી નીતિશ કુમારે કપરા સમયમાં પણ સાથે રહેલા શરદ યાદવનું પત્તું કાપીને રાજ્યસભામાં મોકલ્યા. અકળાયેલા શરદ યાદવે ૨૦૧૮માં જેડીયુથી અલગ થઈને ડેમોક્રેટિક જનતા દળ (એલજેડી)ની રચના કરી હતી. શરદ યાદવે નીતિશથી અલગ થઈને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા પ્રયત્ન કર્યો પણ ફાવ્યા નહીં.
લાલુના શરણે જઈને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી આરજેડીની ટિકિટ પર લડીને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા છેલ્લાં હવાતિયાં મારી જોયાં પણ ફાવ્યા નહીં. એ પછી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ લડેલો પણ કંઈ ખાસ ઉકાળી ના શકતાં થાકીને ગયા વર્ષે તેમણે પોતાની પાર્ટીના આરજેડીમાં વિલયની જાહેરાત કરવી પડી હતી. એ રીતે અત્યારે એ લાલુપ્રસાદ યાદવની આરજેડીના નેતા હતા.
શરદ યાદવના પુત્ર શાંતનુ બુંદેલો રાજકારણમાં નથી ને યાદવ અટક પણ લખાવતા નથી. દીકરી સુભાષિની બિહારમાં કૉંગ્રેસનાં નેતા છે અને વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યાં છે. સુભાષિની રાજકીય રીતે સક્રિય છે ને યાદવનો રાજકીય વારસો સંભાળી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -