(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવાર જો ખરેખર પક્ષાધ્યક્ષ પદેથી રાજીનામું આપે તો તેનાથી સૌથી મોટું નુકસાન ઠાકરે જૂથને થવાનું છે. પક્ષ અને ચિહ્ન ગુમાવી ચુકેલા ઠાકરે જૂથની એકમાત્ર આશા મહાવિકાસ આઘાડી છે. શરદ પવારના નેતૃત્વ હેઠળ ગઠિત થયેલી મહાવિકાસ આઘાડીનું પવારના રાજીનામા બાદ ભવિષ્ય ધુંધળું દેખાય છે એટલે ઠાકરે જૂથનું ભાવિ પણ ધુંધળું થઈ રહ્યું છે.
સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે શરદ પવારના માર્ગદર્શન પર એટલા બધા આધારિત થઈ ગયા હતા કે તેમને હવે એનસીપીના ભાવિ અધ્યક્ષ પાસેથી આવી કોઈ અપેક્ષા રાખી શકાશે નહીં. બીજું જે રીતે શરદ પવારે પોતાની આત્મકથામાં શિવસેનાના ભંગાણ માટે ઉદ્ધવ ઠાકરે પર દોષનો ટોપલો નાખ્યો છે તેની અસર પણ આગામી દિવસોમાં આખા રાજ્યમાં જોવા મળશે અને ઠાકરે જૂથને જે સહાનુભૂતિ મળી રહી હતી તે ઘટી જશે આથી પણ ઠાકરે જૂથને ખાસ્સું નુકસાન થવાની અપેક્ષા છે.
આમેય કૉંગ્રેસને મહાવિકાસ આઘાડીમાં સામેલ કરવાનું અને શિવસેના તેમ જ કૉંગ્રેસ બંને વચ્ચે સંતુલન જાળવી રાખવાનું કામ જેટલી સરળતાથી શરદ પવાર કરી શકતા હતા તેટલું અન્ય કોઈ કરશે કે કેમ એવી શંકા છે અને તેથી મહાવિકાસ આઘાડીનું ભંગાણ અને પરિણામે ઠાકરે જૂથને મોટો ફટકો પડશે એવું મહારાષ્ટ્રના રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
સંજય રાઉત અને નાના પટોલે વચ્ચે તાજેતરમાં જ થયેલી શાબ્દિક તડાફડી બાદ આ બંને પક્ષો આગામી દિવસોમાં એકસાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે એવી શક્યતા ઘટી ગઈ છે. પક્ષ અને ચિહ્ન ગુમાવી ચુકેલા ઠાકરે હવે કેવી રીતે આ સમસ્યાનો સામનો કરશે તે જોવાનું રહેશે.