Homeદેશ વિદેશશરદ પવારનું એનસીપી પ્રમુખપદેથી રાજીનામું?

શરદ પવારનું એનસીપી પ્રમુખપદેથી રાજીનામું?

ભાવિનાં એંધાણ: શરદ પવારની પક્ષપ્રમુખ તરીકે રાજીનામું આપવાની જાહેરાત બાદ સ્ટેજ પર ચાલી રહેલા ઘટનાક્રમનો આ એક ફોટો ભાવિનાં એંધાણ આપવા સમાન જણાઈ રહ્યો છે. પક્ષપ્રમુખપદના બે મુખ્ય દાવેદારોમાંના એક અજિત પવારનો સુપ્રિયા સુળે તરફનો અંગુલિનિર્દેશ અને સુપ્રિયા સુળેનું નતમસ્તક હોવું ભાવિના એંધાણ છે? (અમય ખરાડે)
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે મોટો ભૂકંપ જોવા મળ્યો હતો. એનસીપીસુપ્રીમો શરદ પવારે પોતાની આત્મકથા ‘લોક માઝા સાંગાતી’ (લોકો મારી સાથે)ની બીજી આવૃત્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું તે પ્રસંગે બોલતાં શરદ પવારે કહ્યું હતું કે એનસીપીના અધ્યક્ષ તરીકે હું રાજીનામું આપી રહ્યો છું, પરંતુ રાજકારણમાંથી નિવૃત્ત થતો નથી. જોકે, તેમની આ જાહેરાત બાદ એનસીપીના નેતાઓની આંખોમાંથી ગંગા-જમના વહેવા લાગ્યા હતા અને બધાએ શરદ પવારને ફેરવિચાર કરવાની વિનંતી કરી હોવાથી રાજીનામા બાબતે ત્રણ દિવસમાં આખરી જાહેરાત કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું હતું.
મંગળવારે મુંબઈના વાય. બી. ચવાણ સેન્ટરમાં શરદ પવારની આત્મકથાનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે પહેલી મે, ૧૯૬૦ના રોજ રાજકીય યાત્રાની શરૂઆત કરી હતી અને છેલ્લાં ૬૩ વર્ષમાં રાજ્યની અલગ અલગ ભૂમિકામાં સેવા કરી છે. હવે રાજ્યસભાના સભ્ય તરીકે ત્રણ વર્ષ બચ્યા છે જેમાં મહારાષ્ટ્ર અને દેશને લગતા વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પાર્ટીમાં પદની કોઈ જવાબદારી રાખીશ નહીં. ૧૯૬૦થી ૨૦૨૩ના લાંબા સમયગાળા પછી હવે એક ડગલું પાછળ લેવાનો સમય આવ્યો છે. આથી મેં એનસીપીના અધ્યક્ષ તરીકે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
તેમણે એવી ભલામણ કરી હતી કે એનસીપીના નેતાઓની સમિતિ ગઠિત કરવામાં આવી છે તે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી અંગેનો નિર્ણય લેશે.
આ સમિતિમાં પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, કે. કે. શર્મા, પી. સી. ચાકો, અજિત પવાર, જયંત પાટીલ, સુપ્રિયા સુળે, છગન ભુજબળ, દિલીપ વળસે-પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે અને જયદેવ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાતં તેમાં એક ઓફિસિયો મેમ્બર તરીકે મહિલા એકમની અધ્યક્ષા ફૌઝિયા ખાન, યુવા એકમના અધ્યક્ષ ધીરજ શર્મા, સ્ટુડન્ટ્સ એકમના અધ્યક્ષ સોનિયા દુહાન વગેરે પણ રહેશે.
હું તમારી સાથે જ છું, પરંતુ એનસીપીના અધ્યક્ષ તરીકે નહીં, એમ તેમણે લાગણીમય બની ગયેલા પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું હતું.
રાજીનામાની જાહેરાત બાદ લગભગ બે કલાક સુધી તેઓ સભાસ્થળે જ હોવા છતાં તેમણે ખાસ કોઈ વાત કરી નહોતી.
સિનિયર નેતા અજિત પવારે કહ્યું હતું કે તેમના કાકાને માટે પાર્ટીની સમિતિનો નિર્ણય બંધનકારક રહેશે. કાર્યકર્તાઓની લાગણીને ધ્યાનમાં લેતાં સમિતિ સિનિયર પવાર સાથે સંપર્કમાં રહેશે.
અનેક કાર્યકર્તાઓએ એવું વલણ અપનાવ્યું હતું કે જ્યાં સુધી સિનિયર પવાર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી સભાસ્થળેથી જવું નહીં, પરંતુ બાદમાં ૨.૩૦ વાગ્યે શરદ પવાર પોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા.
રાજીનામાની જાહેરાત બાદ અત્યંત લાગણીમય બની ગયેલા કાર્યકર્તાઓને શાંત કરવા માટે શરદ પવારે પોતાના રાજીનામા પર વિચારવા માટે બે-ત્રણ દિવસનો સમય માગ્યો હતો.
તેમના નિર્ણયને બધા સુધી પહોંચાડતાં તેમના ભત્રીજા અજિત પવારે એનસીપીના પદાધિકારીઓને વિનંતી કરી હતી કે તેમણે શરદ પવારના રાજીનામાના નિર્ણયનો વિરોધ કરવા માટે પોતાના પદેથી રાજીનામું આપવું નહીં.
તેમણે કહ્યું છે કે તેમણે પોતાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ તમારી બધાની લાગણી અને વિનંતીને ધ્યાનમાં લેતાં ફેરવિચાર કરવા માટે બે-ત્રણ દિવસનો સમય લાગશે. જ્યાં સુધી બધા કાર્યકર્તાઓ પાછા ઘરે નહીં જાય ત્યાં સુધી તેઓ ફેરવિચાર કરશે નહીં, એમ અજિત પવારે યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનમાં હાજર કાર્યકર્તાઓને શરદ પવાર વતી જણાવ્યું હતું. જોકે તેમની વિનંતીની કોઈ અસર થઈ નહોતી કેમ કે કાર્યકર્તાઓએ સ્થળ પરથી જવાનો ઈનકાર કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -