રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવારે અદાણી જૂથ સામે JPC (જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી) દ્વારા તપાસ કરવા અંગેની કોંગ્રેસની માંગણીનો વિરોધ કર્યો છે. શરદ પવાર આ માંગણીમાં કોંગ્રેસ સાથે નહીં હોય તેવા નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસ –રાષ્ટ્રવાદિ કોંગ્રેસની યુતિને લઇને અનેક અટકળો થવા લાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અદાણી જૂથ સામે ઇન્ક્વાયરી કમિટીની સ્થાપનાના નિર્ણયને આવકારતા શરદ પવાર એક ઇન્ટર્વ્યુ દરમિયાન બોલ્યા કે, અદાણી જૂથ સામે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સત્ય બહાર આવશે જ. કોર્ટના નિર્ણય બાદ JPCના નિર્ણયનું કોઇ જ મહત્વ રહેશે નહીં એમ કહીને શરદ પવારે પોતે આ નિર્ણયમાં કોંગ્રેસ સાથે નથી તેવી આડકતરી ઘોષણા કરી હતી.
માજી કેન્દ્રિય મંત્રી શરદ પવારના આ નિવેદન બાદ કોંગ્રેસે પણ નિવેદન બહાર પાડ્યું. આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશ બોલ્યા કે આ શરદ પવારનો વ્યક્તિગત વિચાર હોઇ શકે છે. આ મુદ્દે 19 વિરોધી પક્ષ એક સાથે અક મંચ પર છે. અમે બધાં જ આ પ્રકરણને ખૂબ જ ગંભીર માનીએ છીએ. ત્યારે રાષ્ટ્રવાદી સહિત 20 વિરોધી પક્ષ ભાજપના વિરોધમાં એકઠાં થયા હોવાનો દાવો પણ જયરામ રમેશે કર્યો હતો.
આ મુદ્દે વાત કરતાં શરદ પવારે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે હિંડેનબર્ગના અહેવાલને આટલું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે? અમે એમના વિષે ક્યારેય સાંભળ્યું નથી. એમની પાર્શ્વભૂમિ શું છે? જ્યારે પણ આપણે આવા મુદ્દાને મહત્વ આપીએ છીએ ત્યારે આખા દેશમાં અરાજકતા વ્યાપે છે. આવા સમયે દેશની આર્થિક વ્યવસ્થા પર તેની માઠી અસર પહોંચે છે. આ વાત નજરઅંદાજ કરવા જેવી નથી.
વધુમાં તેઓ બોલ્યા કે JPCની સ્થાપના અત્યાર સુધી અનેક મુદ્દાઓ માટે થઇ છે. મને યાદ છે કે એકવાર કોકાકોલાના મુદ્દા પર JPCની સ્થાપના થઇ હતી. જેનો હું પોતે અધ્યક્ષ હતો. એ પહેલાં ક્યારેય JPCની સ્થપાઇ નહતી એમ નથી. JPC અંગે માંગણી ખોટી નથી પણ આ માંગણી કેમ કરવામાં આવી? જો અદાણી જૂથ માટે JPC સ્થપાશે તો સરકાર દ્વારા તેની દેખરેખ થશે અને આવી પરિસ્થિતિમાં તમને લાગે છે કે સત્ય બહાર આવી શકશે?