શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ
એક શહેરમાં શિવપ્રસાદ નામનો માણસ રહેતો હતો. એક વાર શહેરમાં બહુ મોટી કોરોના જેવી કોઇ બીમારી ફેલાઈ ગઈ. જેમાં એની પત્ની
મરી ગઈ.
પત્નીના અગ્નિસંસ્કાર માટે આજુબાજુના લોકો આવ્યા. એમાંથી એકે કહ્યું, “ભાઈ, જરા જઈને કફન તો લઈ આવ!
શિવપ્રસાદ ચાલ્યો કફન શોધવા ને દુકાને જઇ બોલ્યો:
“વેપારી, વેપારી, કફન મુજને આપ!
“જા હું નહીં આપું! વેપારી બોલ્યો.
શિવપ્રસાદ અધિકારી પાસે ગયો :
“અધિકારી, અધિકારી, પેલા વેપારીને વઢ!
“ના હું નહીં વઢું! અધિકારી બોલ્યો.
અધિકારી વેપારીને વઢે નહીં,
વેપારી કફન આપે નહીં,
પેલાની બૈરી બળે નહીં,
ને તોય પેલો રડે નહીં!
પછી શિવપ્રસાદ કલેક્ટર પાસે ગયો.
“કલેક્ટર, કલેક્ટર, અધિકારીને કહે!
“ના હું નહીં કહું! કલેક્ટર કહે.
કલેક્ટર અધિકારીને કહે નહીં,
અધિકારી, વેપારીને વઢે નહીં,
વેપારી, કફન આપે નહીં,
પેલાની બૈરી બળે નહીં,
તોય પેલો રડે નહીં.
શિવપ્રસાદ મંત્રીની પાસે ગયો.
“મંત્રીજી, મંત્રીજી, કલેક્ટરને હટાવો!
“હું કલેક્ટરને હટાવીશ નહીં. મંત્રી બોલ્યા!
મંત્રી, કલેક્ટરને હટાવે નહીં.
કલેક્ટર, અધિકારીને કહે નહીં,
અધિકારી, વેપારીને વઢે નહીં,
વેપારી, કફન આપે નહીં,
પેલાની બૈરી બળે નહીં,
પછી પેલો કંટાળીને જનતાની પાસે ગયો.
“ભાઈ, ભાઈ, આ રાજને બદલો જરા, પછી મારી બૈરીને કફન તો મળે!
જનતાએ કહ્યું, “ભલે, ભલે, ભાઈ! બદલાવો રાજ, હટાવો આ રાજ!
આ જોઈ મંત્રીએ કહ્યું તરત, “અરેરે ભાઈ. અમારું રાજ ના હટાવો, હું હમણાં જ કલેક્ટરને હટાવું છું.
કલેક્ટરે કહ્યું, “મને હટાવો છો કેમ? હું હમણાં જ અધિકારીને કહું છું.
અધિકારીએ કહ્યું, “મને ના કહો! હું હમણાં જ વેપારીની ધૂળ કાઢી નાખીશ.
વેપારી બોલ્યો, “અરે ધમકાવો શાને! લ્યો આ કફન.
આખરે શિવપ્રસાદ લાવ્યો કફન,
પત્ની બળી ગઈ, ને વાર્તા ખતમ!
જેમ આ વિદ્રોહ શિવપ્રસાદને ફળ્યો, તેવો આ રાજમાં સૌને ફળે.
સૌનૈ ઘરે ચિતા બળતી રહે!
દોહો:
“મહેલોની લગન લીલા ચાલતી રહે, ને ગરીબોની ઝૂંપડી ભૂખી રહે,
જેણે સૂણી આ કથા આજની, ઘરે-ઘર જઈને સૌને કહે!