શરદ જોશી સ્પીકિંગ-ભાવાનુવાદ: સંજય છેલ
એ છોકરો બજારમાં દહીં લેવા ગયો એ મને ગમ્યું. હું ત્યારે બજારમાં ઊભો ઊભો પાન ખાઈ રહ્યો હતો. હું ઘણી વખત બજારમાં એ જગ્યાની આસપાસ ઊભો રહેતો હોઉં છું. મેં જોયું કે એ એના જેટલી જ ઉંમરના એક ઓફિસર સાથે ટેકરી પરના બંગલાના ઢોળાવ પરથી આવી રહ્યો છે. એના હાથમાં એક વાસણ હતું જેને એ સંતાડી રહ્યો હતો અને એના સ્મિતમાં ખચકાટ અને શરમ-સંકોચ એકસાથે અનુભવી રહ્યો હતો.
એણે તે સમયે સફેદ પેન્ટ પર બ્લ્યુ શર્ટ પહેર્યું હતું અને એ એક એવા છોકરા જેવો લાગતો હતો જે બાપાની આજ્ઞાને લીધે ભર બપોરે મસ્તી કરતો કરતો દહીં લેવા જતો હતો. એ નાના શહેરથી આવ્યો હતો અને નોકરી મળી ગયા પછી પણ એ વર્તનમાં નાના શહેરનો જ રહ્યો એ બહુ સારી વાત હતી. કદાચ આ એની લોકોને પ્રભાવિત કરવાની સ્ટાઇલ હતી.
વળી મારું એવું કે જો હું કોઈથી પ્રભાવિત થવા ઇચ્છું તો થઈ જાઉં અને જો મારો પ્રભાવિત થવાનો મૂડ ન હોય તો ન પણ થાઉં! આમ
જોવા જઈએ તો આ નાના શહેર અને ગામડાની મજબૂરી છે.
અમે મારી આસપાસ સતત એક આત્મીય વાતાવરણ ઇચ્છીએ છીએ જે કેટલીક હદ સુધી બનાવટી ભલે હોય, છતાં એને પૂરે પૂરું સચ્ચાઈની હથોડીથી અમે તોડી શકતા નથી. દલીલો જ્યારે સંબંધ તૂટવાની અણી પર પહોંચવા માંડે છે, ત્યારે કોઇકને કોઇક હંમેશાં કહે છે કે, ‘ચાલો ચા પીએ!’ આ વાકય, જે એક સહનશીલતાની હદ સુધી સંબંધોનો પુલ જોડી રાખે છે, એવું બધું માનવાવાળા મોટાભાગે ગામડેથી આવેલા લોકો જ હોય છે.
એણે મને જોઈને શરમાઈને સ્મિત આપ્યું. કદાચ એને મારું આમ અચાનક મળવું અજીબ લાગ્યું હશે. એનાથી વધારે એના સાથી ઓફિસરને અજીબ લાગી રહ્યું હતું, જે સાથે સાથે પરાણે ઢસડાઈને ચાલતો હતો, પણ હવે સખત ડંડા જેવો સીધો થવા સિવાય એની પાસે ઉપાય ન હતો અથવા તો એ બન્ને ખરેખર નોર્મલ જ હશે અને મારી એમને સમજવામાં ભૂલ થઈ રહી હતી.
મેં એ છોકરાને પૂછ્યું, ‘કેમ? આ સમયે તમે અહીંયા કયાંથી?’
ત્યારે લગભગ ચાર વાગ્યાની આસપાસનો સમય હતો અને આ સમય કોઈ પણ ઓફિસર માટે, પછી એ નાનો ઓફિસર કેમ ના હોય, એને આમ રસ્તા પર આવવાની નોકરિયાત જીવનમાં પરમિશન નથી હોતી.
‘દહીં લેવું છે, પણ ખબર નથી અહીંયા ક્યાં સારું દહીં મળશે?’ એણે મને પૂછ્યું, ‘તમને ખબર છે ક્યાં મળશે?’ શું સવાલ છે! શહેરમાં સારું દહીં ક્યાં મળશે? અહિંયા તો શુદ્ધ દૂધ નથી મળતું તો સારું દહીં ક્યાંથી મળે? જોકે એણે ખરેખર મને દહીં ક્યાં મળશે એ વિશે પૂછ્યું કે કટાક્ષમાં એ મને સમજાયું નહીં
પણ આ નાના શહેરમાં એ સવાલનો મારી પાસે જવાબ હતો. આખી જિંદગી રખડી રખડીને ચપ્પલ ઘસી નાખીએ તો ભટકવાના અનુભવો ક્યાંક તો કામમાં આવે જ. જરૂરી નથી કે તમે શહેરમાં સતત ભટકીને બૌદ્ધ ભિક્ષુક જેવા
બની જાવ.
શહેરમાં વધારે ભટકવાથી તમે કોઈને ઉપયોગી થઈ શકો છો. જેમ કે તમને ખબર હોય છે કે પ્લાસ્ટિકનો સામાન ક્યાં
સારો મળે છે અથવા કંઇ હોટલની ચા ટેસ્ટી અને પીવા લાયક હોય છે અથવા કયા થિયેટરમાં સાઉન્ડ સિસ્ટમ વધારે સારી છે!
પણ મારી બધી નમ્રતાને બાજુએ મૂકીને હું ખરેખર કહેવા માગું છું કે એ છોકરો નસીબદાર હતો કે પહેલીવાર આ શહેરમાં દહીં ખરીદવા નીકળ્યો ને મારા જેવો અનુભવી માણસ એને રસ્તામાં મળી ગયો!
મને ઘણી વખત સપના આવે છે કે, ‘હું ધુમ્મ્સવાળા રસ્તા પર આંગળી પકડીને એક છોકરાને દહીંની દુકાન તરફ લઈ જઈ રહ્યો છું.’
સપનું તૂટી ગયા બાદ હું ખુદને જ પૂછું છું કે, ‘હું એને દહીંની દુકાન તરફ કેમ લઈ ગયો?’
બીજા દિવસે એણે કહ્યું કે મેં જ્યાંથી અપાવેલું એ દહીં સારું હતું. આ વાત નકકી એની પત્નીએ જ એને કહી હશે અથવા એના સસરાએ, જે અવારનવાર એમના ઓફિસર જમાઈના આરામદાયક જીવનનો થોડો ભાગ માણવા ત્યાં આવી જતા હશે. હું શરત લગાવીને કહી શકું કે દહીં વિશે એ છોકરાને ચોકકસ ઝાઝી કોઈ સમજ નથી. તમે ઇચ્છો તો આ વાતની સીબીઆઇ લેવલની તપાસ પણ કરી શકો છો, કારણકે આ શહેરમાં એક ખૂબ લાંબા અનુભવમાંથી પસાર થયા પછી જ તમને ખબર પડે કે દહીં શુદ્ધ ને સારું છે કે નહીં!
મને દહીંની દુકાન વિશે ખબર હતી ને એ વાતનું મને સ્હેજ અભિમાન પણ હતું. કોઇને ભલે એ વાત નકામી વાત લાગે પણ આ શહેરમાં સારું દહીં ખરીદવું એ કંઇ નાનીસૂની વાત નથી. એક મિશન છે.
ખબર નહીં પણ કેમ હું આજે ય ઘણીવાર, શહેરના એ ઘુમ્મસવાળા રસ્તા પર એ છોકરાને દહીંની દુકાન તરફ લઈ જતો હોઉં છું!
એમ સમજોને કે અમારા જેવા નાના ગામથી આવેલા અને નાના શહેરમાં જીવતા માણસની એક જાતની આ હોબી છે!