શપથવિધિ બાદ નવી સરકારે કાર્યભાર સંભાળ્યો છે. અગામી 20 ડિસેમ્બરના રોજ 15મી ગુજરાત વિધાનસભાનું પથમ સત્ર મળવા જઈ રહ્યું છે. ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે.
શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જયારે જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય છે. આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. વિધાનસભાના પહેલા સત્રમાં સત્તાવાર રીતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.
વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાના નામ પણ ચર્ચામાં હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. આખરે તેમના નામ પર મહોર લાગી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાન મંડળમાં શંકર ચૌધરીને સ્થાન ન મળતા અનેક તર્ક થયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે થરાદના લોકોને વચન આપ્યું હતું કે તમે શંકર ચૌધરીને મત આપો, તેમને મોટું પદ આપવાનું કામ અમે કરીશું.
શંકર ચૌધરી 1997માં રાધનપુરમાંથી તત્કાલીન મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સામે માત્ર 27 વર્ષની વયે વિધાનસભાની તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. તેમણે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, બનાસ ડેરીના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન અને ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે ફરજ નિભાવી છે. 2014માં તેમને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી તેમની હાર થઇ હતી. 2022ની ચૂંટણીમાં થરાદ બેઠક પર તેમને જીત મેળવી હતી.