તસવીરની આરપાર -ભાટી એન.
અકલ્પની શીલ્પકળામાં પ્રેરણાસ્ત્રોતને પ્રીતિ, પ્રેમસ્વરૂપ આહલાદ્ક અમીરાતના અદ્ભુત શીલ્પો ઉત્સાહપ્રેરક હોય તેમ છતાં વાત્સલ્યચક્ષુથી નિહાળવા ગમે છે…! આવા ગૌરવાન્વિત ધાર્મિકતાસભર આદિવાસીઓના “કાળિયા દેવ ગદાધારી ભગવાન વિષ્ણુના ચક્રવર્તી પ્રતાપની ઝાંખી કરાવતું કુદરતી સૌંદર્યથી મઢેલ “શામળાજી મંદિરની નાવિન્યસભર તસવીરી લેખનની મોજ માણીએ…!
કુદરતનું અનમોલ નઝરાણું જોવું હોય તો ઊંચા… ઊંચા… ડુંગરા લીલીછમ હરિયાળી જાણે ધરતીમાતાએ લીલી ચાદર ઓઢી હોય. ઊંચા પર્વતમાં વિવિધ વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય ઘનઘોર જંગલ હોય આદિવાસી લોકોની વસતિ હોય. તેની સુંદરતા નમણી હોય છે. આજે ‘તો શહેરમાં ઘોંઘાટ ધમાલિયા જીવન અને પર્યાવરણથી વાતાવરણ પ્રદૂષિત થતું હોય છે. હવે ’તો નાના ગામડાઓમાં પણ ફેકટરીઓ નખાવા લાગી છે…! કુદરતી જંગલનો નાશ થતો જાય છે. માનવીને શાંતિ માટે ફાંફાં મારવાના દિવસો નજીક આવતા જાય છે. પણ હજુ અમુક વિસ્તાર કુદરતના અનમોલ ખજાના સમાન છે. વળી સોનામાં સુગંધ ભળે તેમ ખૂબ જ પ્રાચીન કલાત્મક મંદિર પણ છે. તો આવું દર્શનીય અને ફરવાલાયક સ્થળ એટલે શામળાજી વિષ્ણુ મંદિર શામળાજી ખૂબ જ નાનું ખોબા જેવડું ગામ છે. ચૌતરફ લીલાછમ ડુંગરા છે. બાજુમાં ખૂબ જ જાણીતી નદી ‘મેસવો’ નદીના કિનારે ખૂબ જ વિશાળકલાના ખજાના સમાન શામળાજીનું મંદિર ઊંચી પ્લીંથ પર બાંધવામાં આવેલ છે. મંદિરની ચારેબાજુ ચોક છે. વચ્ચે ભવ્ય મંદિરની ઉપર બીજું મંદિર હોય તેવો ભાસ થાય છે…! કારણ કે છતના ભાગના પીલરોની વચ્ચે ખોલ રાખવામાં આવી છે. આવા મંદિર ખૂબ જ ઓછા જોવા મળે છે. આગળના ભાગે સુંદર નાની સૂક્ષ્મતાતિસૂક્ષ્મ નકશીકામવાળી જાળી જોવા મળે છે. જેથી હવાની આવનજાવન રહે વળી છતનો ભાગ પણ ખુલ્લો છે. જેથી પ્રકાશની આપલે પૂરતા પ્રમાણમાં થાય ને મંદિરની અંદર રોશની રહે, વર્ષો અગાઉ વીજળીની સુવિધા હતી જ નહીં.! પણ કલાકારો પોતાની કોઠાસૂઝને કલા દ્વારા એવી રચના ગોઠવણ કરતા કે લાઈટની જરૂર ન પડે પ્રથમ માળ જેવું મંદિરના બધા પીલર ખૂબ જ કોતરણીવાળા છે. મંદિરમાં એક પણ પથ્થર એવો નહીં હોય જેના પર કોતરણી નહીં કરી હોય. બધા પથ્થર કલાનો ભવ્ય ભંડારસમાન લાગે છે. મંદિરમાં અલગ અલગ જગ્યાએથી દર્શન કરી તુરંત નીકળી શકે અને મંદિર અંદરના ભાગે ભીડના થાય તે હેતુસર દરવાજા રાખેલ છે. મંદિરની ચારેબાજુ કોતરણીવાળી મૂર્તિઓ છે. તોે વળી અમુક મૂર્તિઓ મંદિરના ભિન્ન ભિન્ન ભાગોમાં નગ્ન પણ જોવા મળે છે. આ મૂર્તિઓ નિહાળતા વિકૃતી દેખાતી નથી. મંદિરના આગળના ભાગે વિશાળ મોટા બારીક કોતરણીવાળા પ્રવેશદ્વારની બંને બાજુ મોટા પથ્થરથી કોતરેલા હાથી ભવ્યતાતિભવ્ય જોવા મળે છે. પ્રવેશદ્વારની ઉપરના ભાગે ગદાધર વિષ્ણુ ભગવાનની ખૂબ જ નયનરમ્ય સુંદર મૂર્તિ વિરાટ ને ભવ્ય નિહાળવા મળે છે. મંદિરમાં પ્રવેશતા પહેલા જ તેનો પરિચય મળી જાય છે. મંદિરનું વિશાળ શિખર પણ દિવ્ય ને ભવ્ય છે. મંદિરની અંદર ગદાધર વિષ્ણુની શ્યામ રંગની મૂર્તિ નિહાળવા મળે છે. હાથમાં ગદા છે. માથા માથે વિશાળ કોતરણીવાળો સોનાનો મુગટ છે. કાનમાં કુંડળ, ગળામાં હાર, રેશમી, વસ્ત્રો, કપાળે તિલક, માથે ચાંદીના છતરવાળી આબેહૂબ મૂર્તિ મનમોહક ઓજસ્વી લાગે છે. આદિવાસી લોકો તેને ‘કાળિયા દેવ’ના નામે ઓળખે છે. આદિવાસી લોકોના આરાધ્ય દેવ છે. સાબરકાંઠા જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલ ‘શામળાજી મંદિર’ના નામ પરથી ગામનું નામ પણ ‘શામળાજી’ છે…!
અહીં પ્રતિ વર્ષ કાર્તિકી પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે.
શામળાજીના મેેળે રણજણિયું પેજણિયું વાગે,
હાલને ગોરી મેળે જાય રણજણિયું પેજણિયું વાગે.
અદ્ભુત મેળામાં લાખો માનવ મેરામણ આવે છે. ત્યારે આદિવાસી લોકો મંદિરની બાજુમાં આવેલ ‘મેસવો નદી’માં નાગધરા ન્હાય છે. અમુક સ્ત્રીઓ અર્ધ નગ્ન હાલતમાં સ્નાન કરે છે. આદિવાસી લોકોને આ રીતે નાહતા કોઈ છોછ નથી…! તો વળી અમુક ભૂવા ભરાડી જોડ જપટીયા કાઢવા માટે નાગધરામાં ડૂબકી ખવરાવી અર્ધ મુવા કરી નાખે છે. જાણે માનવ જાત પર ત્રાસ ગુજારે છે. પણ હવે તો તંત્ર ખૂબ જ જાગ્રત થયું છે અને ભૂવા ભરાડીને જાકારો આપેલ છે. અમદાવાદ-ઉદયપુર-શ્રીનાથજી ધોરી માર્ગ પર લગભગ અડધા રસ્તે આવેલ છે. એવી કિંવદંતી છે કે અહીં બ્રહ્માજીએ એક હજાર વર્ષ સુધી આકરું તપ કરેલું તેથી શંકર ભગવાન પ્રસન્ન થયા હતા. શામળાજીમાં શ્રીકૃષ્ણ રણછોડરાયના મંદિર ઉપરાંત ખાક ચોકમાંનું સૂર્યમંદિર, ભોયરામાંંનું કાશી વિશ્ર્વનાથનું મંદિર, હરીશચંદ્ર રાજાની ચોરી મંદિર, વગેરે પણ અહીં છે.