મહિલા પર પેશાબ કરનાર ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવાની ભલામણ
આ ઘટના 26 નવેમ્બર, 2022ના રોજ ન્યૂ યોર્કથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બની હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આંતરિક સમિતિએ આરોપીને ‘નો ફ્લાય’ લિસ્ટમાં મૂકવાની ભલામણ કરી છે.
26 નવેમ્બરે ન્યૂ યોર્ક-દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક નશામાં ધૂત વ્યક્તિએ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ફ્લાઈટ JFK થી નવી દિલ્હી જઈ રહી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે પુરૂષ મુસાફરને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની ભલામણ કરવામાં આવી છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
પીડિત મહિલાએ ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્લાઈટમાં તેના કરુણ અનુભવને યાદ કરતો પત્ર લખ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. પત્રમાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેણે કેબિન ક્રૂને આ ઘટના અંગે જણાવ્યું પણ હતું, છતા પણ ક્રુએ ફ્લાઇટને દિલ્હીમાં ઉતરાણ કર્યા બાદ પેસેન્જરને બેરોકટોક જવા દેવામાં આવ્યો હતો. ક્રૂ મેમ્બરની બેદરકારી આઘાતજનક અને શરમજનક હોવાની ફરિયાદ મહિલાએ પત્રમાં કરી હતી.
આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-102 પર બની હતી. ફ્લાઇટમાં લંચ પીરસવામાં આવ્યું અને લાઇટ બંધ થયાના થોડા સમય પછી, તે વ્યક્તિ મહિલા પેસેન્જરની સીટ પર તેના પર પેશાબ કર્યો. તે સંપૂર્ણપણે નશામાં હતો કે પેશાબ કર્યા પછી, તે વ્યક્તિએ પેન્ટની ચેન ખુલ્લી રાખી હતી. જ્યારે મહિલાએ બૂમરાણ મચાવી ત્યારે અન્ય મુસાફરોએ આવ્યા અને આરોપીને દૂર જવા કહ્યું ત્યારે જ તે દૂર ગયો. મહિલાના કપડાં, પગરખાં અને બેગ પેશાબમાં ભીંજાઈ ગયા હતા. ત્યાર બાદ ક્રૂએ મહિલાને નવા કપડાંનો સેટ આપ્યો હતો તેમ જ પેશાબથી પલળેલી સીટ પર ચાદર મૂકી હતી.