મુંબઈઃ રેલવે સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે લોકોની અવરજવરનું પ્રમાણ વધી રહી છે, જેમાં ભિખારી અને ગર્દૂલાનો વિશેષ સમાવેશ થાય છે. આ બધાના વધતા ત્રાસ વચ્ચે તાજેતરમાં મધ્ય રેલવેના એક રેલવે સ્ટેશન પર ધોળે દિવસે અશ્લીલ ચેડાં કરનારાની મહિલાએ ફરિયાદ કરવાની નોબત આવી હતી. ધોળે દિવસે સ્ટેશનના પરિસરમાં લોકોની અવરજવર વચ્ચે આ પ્રકારનો શરમજનક બનાવ બને એને મહિલાએ શરમજનક ગણાવી હતી, જ્યારે વીડિયો વાઈરલ થયા પછી મહિલાઓ માટે મુંબઈ સુરક્ષિત હોવા મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા.
મધ્ય રેલવેના પરેલ રેલવે સ્ટેશન ખાતે દિવસ દરમિયાન એક શખસ અશ્લીલ હરકત કરતો જોવા મળ્યો હતો. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે આ પ્રકારનું વર્તન કઈ રીતે કરી શકે અને એને કોઈ જોનાર છે કે નહીં? આ મુદ્દે મહિલાએ ટવિટર પર લખ્યું હતું કે હું ગઈકાલે પરેલ રેલવે સ્ટેશનથી ઘરે જવા નીકળી ત્યારે સ્ટેશન પર એક શખસ અશ્લીલ ચેડાં કરતો જોવા મળ્યો હતો એને જોઈને હું દંગ રહી ગઈ હતી. હું હજુ પોલીસને ફરિયાદ કરવાનું વિચારતી હતી ત્યાં તો એ લોકલ ટ્રેન પકડીને ભાગી ગયો હતો. જોકે, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કોઈ આ પ્રકારનું વર્તન કરે એ શરમજનક બાબત છે. એટલું જ નહીં, બીજું એક ટવિટ કરીને મુંબઈ પોલીસને લખ્યું હતું કે પરેલ રેલવે સ્ટેશને એક શખસ અશ્લીલ હરકત કરતો જોવા મળ્યો હતો, જ્યારે તેની આજુબાજુથી લોકો અવરજવર કરે છે, પરંતુ કોઈ હરફસુદ્ધા બોલતું નથી. ખરેખર મહિલાઓ માટે મુંબઈ અસુરક્ષિત બની રહ્યું છે? વાસ્તવમાં આ ભયાનક બાબત છે. મુંબઈ પોલીસ મહેરબાની કરીને કાર્ય કરો. આ મુદ્દે આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)એ ટવિટર હેન્ડલ પરથી જવાબ આપતા લખ્યું હતું કે સ્ટેશન પર એક શખસ અશલીલ હરકત જોવા મળ્યો હતો એની ફરિયાદ પણ મળી છે. ફરિયાદ મળ્યા પછી તરત પોલીસના જવાનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે તપાસ કરવામાં આવી હતી, પરંતુ એ શખસ ક્યાંય જોવા મળ્યો નહોતો. પ્લેટફોર્મ પર પણ પ્રવાસીઓની પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈએ આ પ્રકારની માહિતી આપી નથી, એવું પોલીસે જણાવ્યું હતું.
મુંબઈના રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં છાશવારે આ પ્રકારના બનાવો બનતા રહે છે, પરંતુ આ મુદ્દે પોલીસ પ્રશાસનની સાથે પ્રવાસીઓએ પણ ગંભીરતાપૂર્વક સામનો કરવાનું જરૂરી છે, એમ એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.