હેડિંગ વાંચીને તમે ચોંકી જાવ તે પહેલા સ્પષ્ટતા કરી લઇએ કે આ સમાચાર ભારતના નથી. આ બનાવ ઑસ્ટ્રેલિયામાં બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મેલબોર્ન શહેરમાં રહેતી 65 મહિલાઓને પોસ્ટ દ્વારા વપરાયેલા કોન્ડોમ મોકલવામાં આવ્યા છે. આટલું જ નહીં, મોકલનારે આની સાથે પત્રો પણ મોકલ્યા છે.
આ પત્રો અને કોન્ડોમ મેલબોર્નના પૂર્વ અને દક્ષિણ-પૂર્વમાં રહેતી મહિલાઓને અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યા છે . મોકલનારની હજુ સુધી ઓળખ થઈ નથી. આ તમામ કિસ્સા છેલ્લા ત્રણ મહિનામાં બન્યા છે, જેના કારણે પોલીસ ચિંતિત છે.
પોલીસનું કહેવું છે કે જે મહિલાઓ સાથે આ શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે તે તમામ મહિલાઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં ટાર્ગેટની સાથે તેમને પણ નિશાન બનાવવાની શકયતા નકારી શકાતી નથી. પોલીસને આનું નક્કર કારણ પણ મળ્યું છે. વાસ્તવમાં, કોન્ડોમ ધરાવતી તમામ મહિલાઓમાં એક વસ્તુ સમાન છે.
આ તમામ મહિલાઓએ 1999માં કિલબ્રેડા કોલેજ પ્રાઈવેટ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ તમામના સરનામા શાળામાં નોંધાયેલા છે, જ્યાંથી માહિતી લીધા પછી તેમને પોસ્ટ મોકલવામાં આવી છે. કેટલીક મહિલાઓને એકથી વધુ પત્ર મોકલવામાં આવ્યા છે. પત્ર મળ્યા બાદ મહિલાઓ એટલી બધી પરેશાન થઇ ગઇ છે કે તેમની રાતની ઉંઘ હરામ થઇ ગઇ છે.
હાલમાં મેલબોર્નની ‘બેસાઈડ સેક્સ્યુઅલ ઓફેન્સ એન્ડ ચાઈલ્ડ એબ્યુઝ ઈન્વેસ્ટિગેશન ટીમ’ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ લોકોને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસે કેસ સંબંધિત કોઈ માહિતી હોય તો તેઓ આગળ આવીને પોલીસને આપે. આનાથી ગુનેગારને પકડવામાં મદદ મળશે.