ભાગલપુરઃ બિહારના પાટનગર પટના રેલવે સ્ટેશન ટેલિવિઝનની સ્ક્રીન પર અશ્લીલ વીડિયો જોવા મળ્યો હતો, ત્યાર બાદ આ બાબતને લોકોએ વખોડી નાખી હતી. ભાગલપુર રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા એક એલઈડી ટેલિવિઝનના સ્ક્રીન પર અશ્લીલ સામગ્રી જોવા મળ્યા બાદ જોરદાર વાઈરલ થઈ હતી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
ભાગલપુર રેલવે સ્ટેશન નજીક રાખવામાં આવેલા એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન પર અશ્લીલ સામગ્રી જોવા મળ્યા પછી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એટલું જ નહીં, અમુક લોકોએ તેમના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો અને લોકોએ તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. આ બાબતની જાણ થયા પછી ભાગલપુર જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક ડિસ્પ્લે બોર્ડ અને મેસેજને હટાવી લેવામાં આવ્યો હતો.
ભાગલપુર નગર પાલિકા દ્વારા શહેરના બ્યુટિફિકેશન માટે જીવન જાગૃતિ સોસાયટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ સોસાયટીને ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે શહેરમાં અનેક જગ્યાએ એલઈડી ડિસ્પ્લે લગાવ્યા છે. એલઈડી ડિસ્પ્લે બોર્ડ એક કંટ્રોલ રુમ સાથે સંચાલિત છે. આ મુદ્દે પ્રશાસને કહ્યું હતું કે અમુક લોકો દ્વારા હેક કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હતું, તેથી અશ્લીલ વીડિયો સ્ક્રીન પર જોવા મળ્યો હતો.
આ મુદ્દે અજ્ઞાત લોકોની સામે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ અગાઉ 20મી માર્ચે પટના રેલવે સ્ટેશનના એલઈડી સ્ક્રીન પર અશ્લીલ વીડિયો જોવા મળ્યો હતો, ત્યારબાદ જોરદાર હંગામો થયો હતો. પટના રેલવે સ્ટેશનના અશ્લીલ વીડિયોને પણ લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો.