પ્રાસંગિક -સોનલ કારિયા
‘પઠાન’ ફિલ્મે પહેલા બે અઠવાડિયામાં જ ભારતમાં ૪૫૦ કરોડ અને દુનિયાભરના દેશોમાં મળીને ૯૦૦ કરોડની કમાણી કરી લીધી છે!
ગયા વર્ષે બોલીવૂડ જે માઠા સમયમાંથી પસાર થયું ત્યારબાદ ‘પઠાન’ની સફળતાએ આશાનું એક નવું કિરણ જગાડ્યું છે. જોકે હવે બધાની નજર શાહરૂખ ખાનની જૂનમાં રિલીઝ થનારી ફ્લ્મિ ‘જવાન’ અને ડિસેમ્બરમાં રિલીઝ થનારી ‘ડંકી’ પર છે. ઉપરાંત સલમાન ખાનની આ વર્ષે રિલીઝ થનારી બે ફિલ્મો પર પણ બોલીવૂડ મદાર રાખીને બેઠી છે. ઇદ પર સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઇ કિસીકી જાન’ અને દીવાળી પર ‘ટાઇગર-૩’ આવવાની છે.
કોરોના બાદ છેલ્લા બે વર્ષથી બોલીવૂડના પાટિયાં પડી જાય એવી સ્થિતિ હતી. સાઉથની ડબ થયેલી ફિલ્મો અને હોલીવૂડની ફિલ્મોએ બોલીવૂડના ડબ્બા ડૂલ કરી દીધા હતા, પરંતુ સુપર સ્ટાર શાહરૂખ ખાનની ‘પઠાન’ની સફળતાએ બોલીવૂડમાં આશા જગાડી છે.
જોકે આ તરફ સાઉથની અને હોલીવૂડની ઘણી ફિલ્મો હિન્દીમાં ડબ થઇને આવવાની છે. આ સંજોગોમાં ૨૦૨૩માં આ ફિલ્મોનો બોક્સ ઑફિસ પર થનારો મુકાબલો બહુ રોચક થાય એવી સંભાવના છે. આ પરિસ્થિતિમાં સાઉથની ફિલ્મો કે બોલીવૂડની ફિલ્મોનું જે થવું હોય તે થાય પણ સરવાળે દર્શકોને તો બખ્ખાં જ થવાના છે, કારણ કે તેમને એન્ટરટેઇન્મેન્ટ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ થવાના છે.
કોરોનાથી પૂર્વ એટલે કે ૨૦૧૯માં હિન્દી ફિલ્મોની બોક્સ ઑફિસ પર કમાણી ૫૨૦૦ કરોડ રૂપિયાની હતી. જેમાં ૭૦ ટકા કમાણી બોલીવૂડની ફિલ્મોની અને ૩૦ ટકા કમાણી હોલીવૂડ અને બીજી ભાષાઓમાંથી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોની હતી, પરંતુ કોરોના બાદ ૨૦૨૨માં જયારે થિયેટરો ખુલ્યા ત્યારે હિન્દી ફિલ્મોની બોક્સ ઑફિસ કમાણી ૩૬૦૦ કરોડ હતી જે પહેલાં કરતાં લગભગ ૩૦ ટકા ઓછી હતી. એમાં પણ બોલીવૂડ માટે ચિંતાની બાબત એ હતી કે એમાં બોલીવૂડનો હિસ્સો ફકત ૫૦ ટકા જ રહી ગયો હતો. ગયા વર્ષે હોલીવૂડની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોની કમાણી ૨૬ ટકા તો સાઉથની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોની કમાણી ૨૪ ટકા હતી.
હવે ૨૦૨૩ની સાલમાં હોલીવૂડ અને સાઉથની ઘણી ફિલ્મો આવી રહી છે. તેમ છતાં, ‘પઠાન’ની સફળતા જોઇને બોલીવૂડના ઘણા લોકો ગેલમાં આવી ગયા છે કે ફરીવાર બોલીવુડની ફિલ્મોની કમાણી ૨૦૧૯ની સાલ જેવી થઇ જશે. આનું પાછું એક કારણ એ પણ છે કે આ વર્ષે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો આવવાની છે. પહેલાં એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે બોલીવૂડની ફિલ્મોની કમાણીનો હિસ્સો ઓછો થઇ જશે, પરંતુ ‘પઠાન’ની જબરદસ્ત સફળતાએ અપેક્ષા જગાડી છે કે આ વર્ષે બોક્સ ઑફિસ પર બોલીવુડ પણ તગડો મુકાબલો આપી શકશે.
નવા વર્ષમાં બોલીવૂડની ઘણી મોટી-મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, પરંતુ દર્શકો એને કેવો પ્રતિભાવ આપે છે એ તો આવનારા દિવસો જ કહી શકશે.
જાણીતા ફિલ્મ પ્રોડયુસર આનંદ પંડિત કહે છે કે, ‘આવનારું વર્ષ બોલીવૂડ માટે બહુ મજેદાર હશે એવું લાગી રહ્યું છે. એ હકીકત છે કે કોવિડના કારણે ઓટીટીનું ચલણ વધી ગયું છે અને ક્ધટેન્ટ બાબતે લોકોની પસંદગી પણ બદલાઇ છે. જોકે પાછલા વર્ષ સુધી ઓટીટી ફિલ્મ નિર્માતાઓને સારા પૈસા ઓફર કરી રહ્યું હતું એટલે લોકોએ ઓટીટી માટે ફિલ્મો બનાવવાનુ શરૂ કર્યું હતું. એને કારણે તેમને થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મો પર ઓછું ધ્યાન આપ્યું. એને કારણે આ બે વર્ષ મુશ્કેલીભર્યા વીત્યા. મને લાગે છે કે હવે એ સમય પસાર થઇ ચૂક્યો છે અને આવનારા સમયમાં ફરી સારી ફિલ્મો આવશે. ‘પઠાન’ ફિલ્મે એ પુરવાર કરી આપ્યું છે કે જો તમે સારી ફિલ્મો બનાવો તો એ ફિલ્મો ૩૯૦-૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.