Homeઉત્સવસેવોક ટુ રંગપો: આ વર્ષે શરૂ થશે સિક્કિમના સ્વપ્નની રેલવે સફર

સેવોક ટુ રંગપો: આ વર્ષે શરૂ થશે સિક્કિમના સ્વપ્નની રેલવે સફર

વિશેષ -રાજેશ યાજ્ઞિક

આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ૭૫ વર્ષના આ સમયગાળા પછી પણ દેશનું એક આખું રાજ્ય એવું છે જ્યાં બુલેટ ટ્રેન તો સ્વપ્ન છે, પણ રેલવે નેટવર્ક જ નથી એવું કહીએ ત્યારે એક ભારતીય તરીકે આપણને કેવી લાગણી થાય? પણ દુર્ભાગ્યે આ વાત અત્યાર સુધી સાચી હતી. સિક્કિમ દેશનું એક માત્ર એવું રાજ્ય છે જ્યાં અત્યાર સુધી રેલ પરિવહન સુવિધા નહોતી. ‘અત્યાર સુધી’ એટલા માટે કારણકે સદભાગ્યે આ દ્રશ્ય હવે બદલાવાનું છે.
જો કોઈ અડચણ ન આવી તો આ વર્ષે ભારતીય રેલવેના ઇતિહાસમાં ૪૫ કિલોમીટરની એક પરીકથા જેવી સફર શરૂ થવા જઈ રહી છે. જી હા, અમે પશ્ર્ચિમ બંગાળના સેવોકથી સિક્કિમના રંગપો શહેરને જોડતી સેવોક-રંગપો રેલ લિંક લાઈનની વાત કરી રહ્યા છીએ. પહેલા આ માર્ગ ૨૦૨૩ સુધીમાં શરૂ થવાનો હતો, પરંતુ ગયા વર્ષે અજ્ઞાત પર્યાવરણીય સમસ્યાઓને કારણે કામમાં વિલંબ થયો, પરંતુ હવે ભારતીય રેલવેનો દાવો છે કે ૧૪ સુરંગો, ૨૩ પુલો અને ૫ સ્ટેશનોની આ ઇન્દ્રધનુષી સપનાની સફર ડિસેમ્બર, ૨૦૨૩થી શરૂ થઇ જશે. સેવોક થી રંગપો સુધીની ૪૫ કિલોમીટરની આ રેલ લાઈનનો પ્રારંભિક ખર્ચ ૪,૦૮૫ કરોડ રૂપિયા હતો, જે હવે વધીને અંદાજે ૯,૦૦૦ કરોડ થઇ ગયો છે. એકવાર સિક્કિમના પહેલા રેલવે સ્ટેશન રંગપો સુધી ટ્રેન પહોંચે પછી જલ્દી જ એ સિક્કિમની રાજધાની ગંગટોક અને ત્યારબાદ નાથુલા સુધી પહોંચશે જેનો પ્રાથમિક સર્વે થઇ ચુક્યો છે. આમ આ વર્ષે ભારતનો સમગ્ર પ્રદેશ ભારત રેલ નેટવર્ક અંતર્ગત આવી જશે. અત્યારે સિક્કિમ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં રેલ પરિવહનની સુવિધા નથી.
આ રેલવે લાઈનની ખાસિયત કહો તો એ કે અહીં ઘણું બધું ‘પ્રથમ’ હશે. સૌથી પહેલા તો રંગપો સિક્કિમનું સૌથી પહેલું રેલવે સ્ટેશન બનશે. સિક્કિમનું આ પહેલું રેલવે સ્ટેશન બધી જ આધુનિક સુવિધાઓથી પરિપૂર્ણ હશે. એનું પ્રસ્તાવિત મોડલ દેશના અનેક એરપોર્ટ કરતાં પણ વધારે આકર્ષક છે. થોડા દિવસ પહેલા રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટની ૧૪મી અને છેલ્લી સુરંગનું નિરીક્ષણ કર્યું હતું જે રંગપોથી દોઢ કિલોમીટર પહેલા છે. પ્રસ્તાવિત સેવોક-રંગપો રેલલાઇન ઉપર દોડનાર પ્રથમ ટ્રેન વંદે ભારત હશે. રંગપો સિક્કિમનું પહેલું રેલવે સ્ટેશન હશે જે પશ્ર્ચિમ બંગાળની સીમાને અડીને છે. આ પ્રસ્તાવિત લિંક લાઈનના પાંચ સ્ટેશનોમાંથી ફક્ત રંગપો સિક્કિમમાં છે બાકીના બધા સ્ટેશન પશ્ર્ચિમ બંગાળમાં છે. આમ અત્યારે ૪૫ કિલોમીટરની રેલવે લાઈન સેવોકથી રંગપોને જોડશે ,એમાં ૪૧.૫ કિલોમીટરની રેલવે લાઈન પશ્ર્ચિમ બંગાળમાં હશે. અંદાજે ૩.૫ થી ૪ કિલોમીટર ની રેલવે લાઈન સિક્કિમમાં હશે, પરંતુ એના પહેલા જ રેલવે સ્ટેશન સાથે સિક્કિમ ભારતીય રેલવેના નકશામાં શાનદાર રીતે ઊભરી આવશે. કેમકે અંદાજે ૧૨,૮૫૦ વર્ગ મીટરમાં ફેલાયેલું સિક્કિમનું આ પહેલું રેલવે સ્ટેશન દેશના ભવ્ય રેલવે સ્ટેશનો માંથી એક હશે, જેમાં ૫૦૦થી વધારે કાર પાર્કિગની સુવિધા હશે,૨૪ ૭ પાવર બેકઅપ હશે, છત ઉપર સોલાર પેનલ હશે, શાનદાર એક્સકેલેટર હશે, લિફ્ટ તેમ જ કોન્કોર્સની સુવિધા હશે.
આ રેલવે સ્ટેશન યાત્રીઓ માટે તો આરામદાયક અનુભવ બનશે જ, પણ સાથે રેલવે માટે કમાણી કરતું સ્ટેશન સાબિત થશે. કારણકે આ સ્ટેશન ફક્ત યાત્રા સુવિધાઓ જ ઉપલબ્ધ કરશે એવું નથી પણ વાણિજ્ય અને પર્યટન કેન્દ્ર તરીકે પણ એનો વિકાસ કરવામાં આવશે. ૨૦૦૯થી ચાલતી આ પરિયોજનામાં હિમાલયના સંવેદનશીલ ક્ષેત્રો અને પડકારજનક
ભૌગોલિક રચનાને લીધે રેલવે લાઈન નાખવામાં વિલંબ થયો. અહીં સુરંગો દેશના બાકીના ભાગોની જેમ વિકસિત ન કરી શકાય. અહીં બધીજ સુરંગો ઑસ્ટ્રેલિયન ટનલિંગ ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે, જે સંવેદનશીલ પર્વતીય ક્ષેત્રોમાં સુરંગ બનાવવા માટેની સૌથી આધુનિક પદ્ધતિ છે. એન્જિનીયરિંગ વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે આ ટેકનીક પહાડોને ઓછી પ્રભાવિત કરે છે. કેમકે આ પદ્ધતિમાં સુરંગ બનાવવાની સાથે પર્વતોને વધુ સહારો મળે છે. જેને કારણે આ ટેકનીકથી સુરંગ બનાવવા છતાં પર્વતો નબળા નથી પડતા, ઉલટું વધારે મજબૂત થઇ જાય છે.
સિક્કિમમાં ૧૯૧૫ માં અંગ્રેજોએ પણ રેલવે ટ્રેક નાખવાની કોશિશ કરી હતી, પરંતુ પ્રથમ વિશ્ર્વયુદ્ધ અને પછી દ્વિતીય વિશ્ર્વયુદ્ધની સમસ્યાઓ અને આઝાદી પછી તુરંત થયેલ પ્રાકૃતિક આપદાઓને લીધે સિક્કિમ સુધી રેલવે લાઈન પહોંચાડવાની યોજના અને વિચાર દશકો સુધી ઠંડા પડી ગયા, પરંતુ હાલના દશકોમાં ચીન જે પ્રમાણે ભારત વિરુદ્ધ સરહદ પર પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, એના લીધે ભારતની ચીન સાથેની સીમાઓ સુધી પરિવહનની સુવિધા, સૈન્ય રણનીતિની દ્રષ્ટિએ જરૂરી છે. આજ કારણે સિક્કિમમાં રેલ નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે. સેવોક થી સિક્કિમના રંગપો સુધીની આ રેલવે લાઈન આ રણનીતિના ઉદ્દેશને પૂરો કરશે. આનો શિલાન્યાસ ૨૦૦૯માં કરવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ ૨૦૧૭માં પહેલીવાર એની સૌથી વધારે જરૂર લાગી જયારે ભારત અને ચીન ડોકલામમાં સામસામે આવી ગયા. ત્યારે એવું લાગ્યું કે ચીનની બોર્ડર સુધી આપણી સેનાને ઝડપથી પહોંચવા માટે રેલવે ટ્રેક હોવો ખૂબ જરૂરી છે. ત્યારથી આ પરિયોજના યુદ્ધસ્તરે પૂરી કરવાના પ્રયાસો શરૂ થયા.
અત્યારે સિક્કિમ સુધી જવા માટે નેશનલ હાઇવે-૧૦ એકમાત્ર રસ્તો છે. સિક્કિમ આના દ્વારા જ દેશના બીજા ભાગો સાથે જોડાયેલું છે. સિક્કિમને દેશના બીજા ભાગો સાથે જોડાનાર આ એકમાત્ર સડક માર્ગ છે, એટલે અહીંયા હંમેશાં ખૂબ ભીડ હોય છે. તેથી અહીં રેલ માર્ગ હોવો ખૂબ જરૂરી છે. જોકે વરસાદના દિવસોમાં અહીં મોટાપાયે ભૂસ્ખલન થાય છે, તેથી આ એકમાત્ર સડક માર્ગ પણ બંધ થઇ જાય છે. પરિણામે સિક્કિમ ભારતના અન્ય ભાગોથી વિખૂટું પડી જાય છે અને આપત્તિમાં જરૂર પડ્યે સિક્કિમ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ પણ થઇ જાય છે. આના શરૂ થવાથી સ્થાનીય લોકોને ખૂબ જ સુવિધા થશે. તે ઉપરાંત રેલવે લાઈન વરસાદના દિવસોમાં પણ લોકોને આવનજાવન માટે અબાધ સુવિધા આપશે. એટલે એ રીતે સિક્કિમ માટે આ ખૂબ જરૂરી છે. સેવોક-રંગપો રેલ લાઈન મહંદી વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાંથી પસાર થશે, આને વન અને પર્યાવરણ મંત્રાલય પાસેથી જરૂરી એનઓસી મળી ચુકી છે. આ રેલવે લાઈન ઉપર ૧૦૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડશે અને બે કલાકમાં સેવોકથી રંગપો પહોંચશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -