સરાય કાલે ખાનમાં પોલિથીન બેગમાંથી લાશના અનેક ટુકડા મળ્યા
દિલ્હીના સરાય કાલે ખાનમાં માનવ શરીરના ટુકડા મળી આવ્યા છે. શ્રદ્ધા હત્યા કેસ જેવી ઘટનાબનવાથી અહીં ચકચાર જાગી છે. જોકે, આ લાશના ટૂકડા મહિલાના છે કે પુરુષના છે તેની જાણ થઇ નથી. પોલીસે લાશના ટુકડાઓ તપાસ માટે મોકલી આપ્યા છે. રિંગ રોડ પર રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કન્સ્ટ્રક્શન સાઇટ પાસે શરીરના અંગો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાય છે, તેથી IPC કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશનના રેપિડ મેટ્રોના નિર્માણ હેઠળના વિસ્તારમાં ફ્લાયઓવરને અડીને આવેલા સરાઈ કાલે ખાન ISBT રિંગ રોડ પાસે માનવ શરીરના અંગો મળી આવ્યા હોવાની માહિતી મળી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને શરીરના અંગો રિકવર કરવા અંગે કોલ મળ્યો હતો. શરીરના ભાગોને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરીરના અંગો પોલીથીનમાં મળી આવ્યા હતા. જ્યારે લોકોએ આ જોયું તો લોકો ચોંકી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યા બાદ શબના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને છુપાવવા માટે પ્લાસ્ટિકની પોલિથીનમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જ્યારે દુર્ગંધ આવવા લાગી ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
નિઠારી હત્યાકાંડ શું હતો?
દિલ્હીની ઘટનાએ નોઈડાની પ્રખ્યાત નિઠારી ઘટનાની યાદો તાજી કરી દીધી છે . નિઠારી કેસની શરૂઆતમાં પણ આવા જ શરીરના અંગો મળી આવ્યા હતા. 29 ડિસેમ્બર 2006ના રોજ, નિથારીમાં મોનિન્દર સિંહ પંઢેરના ઘરની પાછળના ગટરમાંથી હાડપિંજર મળી આવ્યા હતા. આ કેસમાં પંઢેર અને સુરેન્દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.