ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૩૫)
અમુક માહિતી મુજબ દૃઢવાવમાં બે હજાર નિર્દોષો માર્યા ગયા હતા. મોટાભાગના રજવાડા પણ ઈચ્છતા હતા કે ગમે તે સંજોગોમાં મોતીલાલ તેજાવતનું એકી આંદોલન બંધ થવું જોઈએ. આ માટે તેમને તો હત્યાકાંડનો ય છોછ નહોતો.
એ હકીકત સ્વીકારવી જ પડે કે દૃઢવાવ હત્યાકાંડમાં આદિવાસી, ભીલ અને ગરાસિયાઓની ભારે જાનહાનિ થઈ. આથી ઘણાં એકી આંદોલનથી અંતર રાખવા માડ્યા. બ્રિટિશરો, રજવાડા અને જમીનદારો પણ એ જ ઈચ્છતા હતા. છતાં એકી આંદોલન થકી વનવાસીઓ જાગૃત થયા હતા, અને બોલતા થયા હતા એમાં બેમત નથી, પરંતુ હત્યાકાંડથી તેજાવતનું નેતૃત્વ પણ
ઢીલું પડ્યું.
દૃઢવાવથી ઊંટ પર બેસીને ડુંગરોમાં ભાગી ગયેલા તેજાવત પાછળ અંગ્રજો ભૂરાયા ઢોરની જેમ પડી ગયા હતા. તેઓ સિરોહી અને દાંતા સહિતનાં સ્થળોએ અજ્ઞાતવાસમાં રહ્યા હતા. બહાર આવવાનું શક્ય નહોતું. લોકોને મળી શકાતું નહોતું અને કોઈને ગળે પોતાની વાત ઉતારી શકાતી નહોતી. કહી શકાય કે કરુણાંતિકા બાદ તેજાવત માટે આદિવાસીઓને કે આંદોલનને નેતૃત્વ પૂરું પાડવાનું શક્ય નહોતું. આને લીધે એકી આંદોલનનું જોર ઘટવા માંડ્યું, જેના માટે વિરોધીઓ ઝનૂની બન્યા હતા.
અલબત્ત અંગ્રેજો માટે શિરદર્દ સાવ ગાયબ થયું નહોતું.
સાત માર્ચ, ૧૯૨૨ના ભયાનક હત્યાકાંડ છતાંય એપ્રિલમાં સિરોહીમાં ઠેર ઠેર વિરોધ બહાર આવવા માડ્યો હતો. ભૂલા, રોહિડા તાલુકાના નયાવાસ અને બાબોલિયા જેવા ગામોમાં કોઈએ અનાજ સરકારી ગોદામોમાં જમા ન કરાવ્યું. આટલું જ નહીં કરવેરા ચુકવવાની અને વેઠ કરવાની સાફ ના પાડી દીધી.
એ સમયે ગાંધીજી વતી તેમના દૂત બનીને મણિલાલ કોઠારી સિરોહી પહોંચ્યા. અહીં શાંતિ અને સમાધાન માટે તેજાવતને માંડમાંડ તૈયાર કર્યા.
અંગ્રેજ અધિકારી હોલેન્ડે ધમકી સમાન ચેતવણી આપી કે સરકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી કે કરાવવી નહીં, પરંતુ તેમની વાત બહેરા કાને અથડાઈ. ફરી તણાવના માહોલમાં મેજર પ્રિચાર્ડના નેતૃત્વમાં મેવાડ, ભીલ કોટનીા એક ટુકડી રોહિડા તાલુકાના બે ગામ બાકોલિયા અને ભૂલામાં બેફામ વિનાશ વરસાવ્યો.
આવા સંજોગોમાં મોતીલાલ તેજાવત વેશ બદલીને થોડાઘણા સાથીઓ સાથે સિરોહીના રાજ્યમાં સતત ફરતા રહેતા હતા. તેજાવત જીવ બચાવવા સાથે આંદોલનને નવજીવન આપવા માટે સક્રિય હતા. ૧૯૨૩ની શરૂઆતમાં સિરોહી અને પોશી રાજ્યમાં તેજાવત ભીલો અને ગરાસિયાઓને આંદોલન માટે તૈયાર કર્યા. જેની પહેલી ઝલક દેલવાડા પાસેના છોછર ગામમાં દેખાઈ. આની સાથોસાથ મુંબઈ રાજ્યની પોલીસ અને મેવાડના મહારાણાએ તેજાવતને ઝબ્બે કરવાની ઝુંબેશને ઉગ્ર બનાવી દીધી. સિરોહીની સરકારે પણ મોતીલાલના માથા પર રૂ. એકસોનું ઈનામ જાહેર કર્યું છે. ગુજરાત, સિરોહી અને મેવાડમાં તેજાવતની શોધખોળમાં કોઈ કચાશ ન છોડાઈ પણ આ નેતા ક્યારેય હાથ ન લાગ્યા. આમાં એમની બુદ્ધિગમ્યતા, ચપળતા અને પ્રજાકીય સમર્થનનો સિંહફાળો ગણાય.
બ્રિટિશ ઉપરાંત અનેક રજવાડા પોતાના જીવ અને માથા માટે તલપાપડ હોવા છતાં તેજાવત સતત બચતા રહ્યા ને સક્રિય પણ રહ્યા. ગુપ્તવાસમાં રહેવા વચ્ચે ય તેમણે ૧૯૨૭ના આરંભે ફરી સિહોરી રાજ્યના સંતપુર અને પિંપવાડામાં ફરી આંદોલનની અહાલેક જગાવી.
આમ છતાં તેજાવત સુધી દુશ્મનો પહોંચી ન શક્યા, પરંતુ મહાત્મા ગાંધીજીએ મણિલાલ કોઠારી દ્વારા મોકલેલા સંદેશા બાદ મોતીલાલ તેજાવત વધુ એક જોખમ ઉઠાવવા તૈયાર થઈ ગયા.
બાપુના આગ્રહને માથે ચડાવીને ૧૯૨૯ની ત્રીજી જૂને મોતીલાલ તેજાવતે ઈડર રાજ્યના ખેડબ્રહ્મા ગામમાંં પાસેના બ્રહ્માજીના મંદિરમાં આત્મસમર્પણ કરી દીધું. દૃઢવાવ હત્યાકાંડના સાત-સાત વર્ષ સુધી બ્રિટિશ અને અનેક રાજ્યથી પોલીસ એમને પકડી ન શકી અને અંતે સામેથી આત્મસમર્પણ કર્યું.
પરંતુ, કેદમાં પુરાયેલા મોતીલાલ તેજાવત માટેય સત્તાધીશોમાં છૂપો ડર હતો ખરો. ધરપકડ બાદ મોતીલાલને ઈડરમાંથી ખસેડીને હિંમતનગર લઈ જવાયા. મજાની વાત છે કે ઈડર રાજ્યે તો તેમની સામે ખટલો ચલાવવાની જ ના પાડી દીધી હતી. તેમણે જાહેર પણ કર્યું કે અમે મોતીલાલને અમારા રાજ્યમાં માગતા નથી, પરંતુ સરકારને ડર હતો કે ગુજરાતની કોઈ પણ જેલમાં તેજાવતને રાખવાનું જોખમી છે. ભીલો-આદિવાસીઓના ટોળાં જેલ પર હુમલો કરીને તેજાવતને છોડાવી જાય એને શક્યતા નકારી ન શકાય આથી એકાએક તેમને ઉદયપુરની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા. મોટાભાગના રજવાડાને પોતાના રાજ્યમાં તેજાવતને રાખવા કે ખટલો ચલાવવાથી પ્રજાકીય આક્રોશ ફાટી નીકળવાનો ડર હતો. આમાં એક અપવાદ હતો મેવાડનો તેણે સામેથી માગણી કરી કે તેજાવત અમારા રાજ્યના હોવાથી અમને સોંપી દેવા જોઈએ. સ્વાભાવિક કારણોસર મોતીલાલને મેવાડની જેલમાં રહેવું નહોતી. જેલમાં એમના પ્રત્યે સારો વ્યવહાર કરવાની સરકારી ખાતરી મળ્યા બાદ જ તેમણે આ વિરોધ પાછો ખેંચ્યો હતો. રાજકીય કેદી તરીકેની સુવિધા મળી ય ખરી. અહિં રાજદ્રોહના ખટલામાં તેમની સજા થઈ.
સાત વર્ષના ગુપ્તવાસ બાદ મોતીલાલે સાત વર્ષ કેદમાં વીતાવ્યા. ૧૯૩૬ની ૨૩મી એપ્રિલે કેટલીક શરતો સાથે તેજાવતને જેલમાંથી છોડવામાં આવ્યા. છતાં નજરકેદ યથાવત્ રહી. પરંતુ ન જેલવાસે તેમનો જોશ ઠંડો પાડ્યો કે ન ફરી જેલમાં જવાની શક્યતાએ એમને શાંત પાડ્યા. નિષ્ક્રિય કે મૂક પ્રેક્ષક બની રહે તો એ મોતીલાલ તેજાવત શાના? (ક્રમશ:)