(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગુરુવારે કોરોનાના સાત દર્દી નોંધાયા હતા, તો રાજ્યમાં કોરોનાના ૨૩ નવા દર્દી નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં ૩૦ દર્દી કોરોનાથી સાજા થયા હતા.
મુંબઈમાં કોરોનાના દર્દીમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સાત નવા દર્દી નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩ નવા દર્દી નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો ૮૧,૩૬,૭૪૮ થઈ ગયો છે. તો ૩૦ દર્દી સાજા થવાની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી ૭૯,૮૮,૧૯૮ દર્દી નોંધાયા હતા. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૭ ટકા છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાથી એકે મૃત્યુ નોંધાયું નહોતું. રાજ્યનો મૃત્યુદર ૧.૮૨ ટકા છે. રાજ્યમાં હાલ કોરોનાના ૧૩૩ ઍક્ટિવ કેસ છે.
વૈશ્ર્વિક સ્તરે કોરોનાના દર્દી વધી રહ્યા છે, તેથી મુંબઈ, પુણે અને નાગપુરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવેલા પ્રવાસીઓના રેન્ડમલી કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ૧૪ ડિસેમ્બરથી અત્યાર સુધી ૨,૧૦,૩૪૩ આંતરારાષ્ટ્રીય પ્રવાસીઓ આવ્યા છે, તેમાંથી ૪,૬૨૧ના આરટી-પીસીઆર કરવામાં આવ્યા છે. તેમાંથી ૧૦ પોઝિટિવ કેસના નમૂના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ દસમાંથી ત્રણ દર્દી પુણે, ચાર દર્દી નવી મુંબઈ અને ગોવા તો તમિળનાડુ અને ઉત્તર પ્રદેશનો એક-એક દર્દી છે.