અકોલા: મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સોમવારે ભારે પવન અને વરસાદને કારણે ઝાડ પતરાંના રોડ પર તૂટી પડતાં સાત જણા માર્યા ગયા હતા અને ૩૧ જણા ઘાયલ થયા હતા. આ બધા લોકો મંદિરના પ્રાંગણમાં પતરાંના શેડ નીચે ઊભા હતા.અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ ગામે રવિવારે
સાંજે ૭.૩૦ વાગ્યે બાબુજી મહારાજ મંદિરમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. મંદિરમાં આ લોકો મહાઆરતી માટે ભેગાં થયા હતા, એમ સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું.
રવિવારે અહીં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. તેનાં કારણે ૧૦૦ વર્ષનું જૂનું ઝાડ તૂટીને પતરાંના રોડ પર પડ્યું હતું. આ રોડ નીચે ૪૦ જણાં ઊભા હતા.
આ દુર્ઘટનામાં સાત જણા માર્યા ગયા હતા અને ૩૧ જણાને ઇજા થઇ હતી. તેમાંથી પાંચ જણની હાલત ગંભીર હોવાનું જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું.
‘આ બનાવની જાણ થતાં જ પોલીસ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીનાં લોકો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને તેમણે બચાવકાર્ય શરૂ કરી દીધું હતું’ એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતુંં.
ઇજાગ્રસ્તોને અકોલાની જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું હતું. (પીટીઆઇ)