મોરબીમાં થયેલા ઝૂલતા પુલની હોનારતના સાત આરોપીની જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટે નકારી હતી. આ આરોપીમાં ઓરેવા ગ્રુપના બે મેનેજરનો પણ સમાવેશ થાય છે. આ સાથે ટિકિટ બુકિંગ ક્લર્કસ, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે સબ કોન્ટ્રાક્ટર સહિત નવની ઘટનાની તરત બાદ ધરપકડ કરવામા આવી હતી જ્યારે ઓરેવા ગ્રુપના પ્રમોટરની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. 30મી ઓક્ટોબરે મોરબીના ઝૂલતા પુલની હોનારતમાં 135 જણે જીવ ખોયા હતા.
આ પુલનું સમારકામ, સંચાલન અને જાળવણી ઓરેવા ગ્રુપ દ્વારા થતી હતી.
ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલની ધરપકડ બાદ એક આખું ગ્રુપ સક્રિય થયું છે જે તેમના સમર્થનમાં આવ્યું છે. શનિવારે ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્યએ પણ તેમના સમથર્નમાં વાત કરી હતી. જ્યારે આ ઘટના બાદના અહેવાલો અનુસાર બ્રિજનું કામ સમયમર્યાદા પહેલા પૂરું કરવામાં આવ્યું હતું. સમારકામ યોગ્ય રીતે થયું ન હતું તેમ જ જરૂરી એવું ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું ન હતું અને પાલિકાને ઉદ્ઘાટન અંગે કોઈ જાણ કરાઈ ન હતી.
ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો પિટિશન દાખલ કરી સરકાર અને મોરબી પાલિકાની ઝાટકણી કાઢી હતી.