મુંબઈ: વૈશ્ર્વિક બજારોના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સૌપ્રથમ વખત ૪૧૭.૮૧ પૉઈન્ટના ઉછાળા સાથે ૬૩,૦૦૦ની સપાટી કુદાવીને બંધ રહ્યો હતો. જોકે, આજે સત્ર દરમિયાન સેન્સેક્સ એક તબક્કે ૬૨૧.૧૭ પૉઈન્ટ સુધી ઊછળીને સત્ર દરમિયાન ૬૩,૩૦૩.૦૧ની ઐતિહાસિક ઊંચી સપાટી દાખવી હતી. તે જ પ્રમાણે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં એક તબક્કે ૧૯૮ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યા બાદ અંતે ૧૪૦.૩૦ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. એકંદરે હવે રોકાણકારોની નજર આજના મોડી સાંજના અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના વક્તવ્યમાં આગામી વ્યાજદરમાં વધારા અંગે કેવો અભિગમ અપનાવશે તેના અણસાર આપે છે કે કેમ તેના પર સ્થિર થઈ છે.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૨,૬૮૧.૮૪ના બંધ સામે ૬૨,૭૪૩.૪૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૨,૬૪૮.૩૮ અને ઉપરમાં ૬૩,૩૦૩.૦૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૪૧૭.૮૧ પૉઈન્ટ અથવા તો ૦.૫૭ ટકા વધીને ૬૩,૦૯૯.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૬૧૮.૦૫ના બંધ સામે ૧૮,૬૨૫.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૬૧૬.૫૫થી ૧૮,૮૧૬.૦૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૪૦.૩૦ પૉઈન્ટ અથવા તો ૦.૭૫ ટકાના સુધારા સાથે ૧૮,૭૫૮.૩૫ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૪૧.૫૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ ઉપરાંત ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આજના વક્તવ્ય પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ચીન કોવિડ-૧૯ નિયંત્રણો હળવાં કરે તેવા આશાવાદને કારણે સ્થાનિક ઈક્વિટી માર્કેટની તેજીને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં આજે મોડી સાંજે બીજા ત્રિમાસિકગાળાના જાહેર થનારા જીડીપીના ડેટા પ્રોત્સાહક આવવાના આશાવાદે પણ તેજીને ટેકો આપ્યો હોવાનું અમુક વિશ્ર્લેષકોનું મંતવ્ય છે.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅરો પૈકી ૨૧ શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં અનુક્રમે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૪ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૨.૧૬ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૨.૧૪ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૭૮ ટકાનો અને ભારતી એરટેલ તથા એશિયન પેઈન્ટ્સમાં ૧.૫૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૦૭ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૯૭ ટકાનો, એચસીએલ ટેક્નોલોજીસમાં ૦.૬૫ ટકાનો, આઈટીસીમાં ૦.૬૪ ટકાનો, સન ફાર્મામાં ૦.૫૦ ટકાનો અને બજાજ ફિનસર્વમાં ૦.૩૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૪૫ શૅરના ભાવ વધીને અને ચાર શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એકમાત્ર બજાજ ફિનસર્વના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૦૬ ટકાનો ઉછાળો આવ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૬૧ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમા માત્ર બેઝિક મટીરિયલ ઈન્જેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં યુટિલિટી ઈન્ડેક્સમાં ૨.૫૨ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૨.૩૫ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૯૬ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૧.૭૪ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૫૪ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૧.૪૪ ટકાનો સુધારો આવ્યો હતો. દરમિયાન આજે એશિયન બજારોમાં એકમાત્ર ટોકિયોની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી. આ સિવાય સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર વધીને બંધ રહી હતી. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં રૂપિયામાં ૩૪ પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી બજારના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૮૩ ટકા વધીને બેરલદીઠ ૮૪.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના એકમાત્ર નકારાત્મક નિર્દેશ હતા.