(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સારા સંકેત સાથે ફુગાવો રિઝર્વ બેન્કના લક્ષ્યાંકિત સ્તરની નીચે આવવા સાથે આઇટી કંપનીઓના સારા પરિણામને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ નીચી સપાટીથી પાછો ફર્યો હતો અને ત્રણ દિવસની પીછેહઠને બ્રેક લગાવી ૩૦૩ પોઇન્ટની આગેકૂચ સાથે ૬૦,૨૫૦ની સપાટી પાર કરી ગયો હતો. દેશના મોટાભાગની આઈટી કંપનીઓના ભાવિ આવકના અંદાજોમાં અનેક પડકારો હોવાની વાતને કારણે સવારે આઈટી શેરોની આગેવાનીમાં ભારે વેચવાલીથી બજાર ગગડ્યું હતું પરંતુ, અમેરિકામાં ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટ્યો હોવાથી અને ભારતમાં પણ મોંઘવારીનો દર ઘટીને આરબીઆઈની નિર્ધારિત મર્યાદામાં આવી ગયો હોવાથી નીચા મથાળે શેરોમાં ફરીથી લેવાલી નીકળી હતી.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૧૮.૨૬ અને નીચામાં ૫૯,૬૨૮.૪૩ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૦૩.૧૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકા વધીને ૬૦,૨૬૧.૧૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૯૯૯.૩૫ અને નીચામાં ૧૭,૭૭૪.૨૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૯૮.૪૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૫ ટકા વધીને ૧૭,૯૫૬.૬૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ટેકનો, મેટલ, આઈટી, પાવર, ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગૂડ્ઝ અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૪ ટકા અને ૦.૧૫ ટકા વધીને બંધ રહ્યા હતા. ટાટા મોટર્સે એવી ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટના પોર્ટફોલિયોમાં નવી પ્રાઇસ પોઇન્ટ સાથે નવા મોડલનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે તમિલનાડુના ૫ાંચ શહેરોમાં ફાઇવજી સેવા માટે રૂ. ૪૦,૪૪૬ કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ કોઈમ્બતુર, મદુરાઈ, તિરૂચિરાપલ્લી, સાલેમ, હોસુર અને વેલ્લોરમાં આ સેવા શરૂ કરી છે. ઇન્ફોસિસ નીચી સપાટીએ ગબડ્યો હતો પરંતુ સત્રના અંત સુધીમાં પોઝિટીવ ઝોનમાં પાછો ફર્યો હતો.
સેસ પ્રોપર્ટી અને સ્લમ રિડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત ન્યુલૂક ક્ધસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે ૨૦૨૨માં તેના વિવિધ પોર્ટફોલિયોમાં દરેક ત્રિમાસિક ગાળામાં સરેરાશ સાઇઠેક કરોડ રૂપિયાનું વેચાણ પૂર્ણ કર્યું છે. કંપનીએે અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ કુલ ૧૦ પ્રોજેક્ટ્સ વિકસાવ્યા છે. કંપની ૨૦૨૩માં વધુ ચારથી છ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની નેમ ધરાવે છે. મહારાષ્ટ્ર સરકારે તર્પણ ફાઉન્ડેશન સાથે ૧૮ વર્ષથી ઓછી ઉમરના અનાથ બાળકોને મૂળભૂત સેવા પૂરી પાડવા માટે સમજૂતી કરાર કર્યા છે અને આ વર્ગ માટે આરક્ષણ અંગે વિચાર કરવાની જાહેરાત કરી છે. ગોદરેજ પ્રોપર્ટીએ હાઉસિંગ પ્રોજેકટ માટે ૬૦ એકર જમીન લીધી છે. અગ્રણી ગ્લોબલ એન્ટરપ્રાઇઝ બાયરે રન બ્લુ ઝુંબેશના ભાગરૂપે મીના ગુલી સાથે યુતિ કરી છે, જે જળ સંરક્ષણ જાગૃતિ લાવવા થાણેમાં ૧૫૫મી મેરેથોનમાં સહભાગી થઇ હતી. તે ૨૦૦ મેરેથોન સાથે વર્લ્ડ વોટર ડેના રોજ ૨૨મી માર્ચે ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર વોટર કોન્ફરન્સ સુધી પહોંચશે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે લોંગ ડ્યુરેશન ડેટ ફંડ લોન્ચ કર્યું છે.
એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફસાયન્સ લિમિટેડ, વિવિધ જંતુનાશક, ફોર્મ્યુલેશન, સપ્લાય અને પેકેજિંગ જોબ વર્ક સેવાઓ પૂરી પાડતી રૂ. ૧૩૦૫.૨૨ લાખ એકત્ર કરવા માટે ૧૬મી જાન્યુઆરીએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ સામે શેરદીઠ રૂ. ૭૨નો ભાવ નક્કી થયો છે. લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. આ ભરણું ૧૯મી જાન્યુઆરીએ બંધ થશે,જેે પછીથી એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર યાદીબદ્ધ થશે. ઈસ્યુના લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને ઈસ્યુના રજિસ્ટ્રાર લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે. સ્ટેપઅપ કેપિટલ એડવાઇઝર્સ એલએલપી ઇશ્યૂના સલાહકાર છે. ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાત, સામાન્ય કોર્પોરેટ હેતુ અનેઈશ્યુના ખર્ચ માટે થશે. ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૨.૦૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આ ઉપરાંત ગ્રીન ઝોનમાં બંધ રહેલા સેન્સેક્સના અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ, અલ્ટ્રાકેમ્કો, ઈન્ફોસિસ, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યૂનિલિવર, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ, ભારતી એરટેલ, એસબીઆઈ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ હતો. જ્યારે ટાઈટનના શેરોમાં સૌથી વધુ ૧.૦૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ અને વિપ્રોનો સમાવેશ હતો.