(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અંદાજપત્ર અંગેના વિરોધાભાસી અર્થઘટનો વચ્ચે શેરબજારમાં અફડાતફડી અને ઊથલપાથલ ચાલુ રહી હતી. મિશ્ર હવામાન વચ્ચે સ્થાનિક શેરબજાર ભારે ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. ગુરૂવારે વૈશ્ર્વિક સંકેતો અને ફોરેન ફંડના ઈનફ્લોને કારણે શેરબજાર દિવસના અંતે ૨૨૪ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યું હતું જ્યારે નિફ્ટી ૧૭૬૦૦ની ઉપર બંધ રહ્યો હતો.
ગુરૂવારના ટ્રેડિંગમાં અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૨૭ ટકાનો કડાકો બોલી ગયો હતો જ્યારે આઈટીસીના શેરમાં સૌના આશ્ર્ચયર્ર્ વચ્ચે ૫ાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આદાણી જૂથનો એફપીઓ અસંભવ પરિસ્થિતિ વચ્ચે સૌને ચકિત કરીને સંપૂર્ણપણે છલકાઇ ગયો હતો. એનાથી મોટુ આશ્ચર્ય ત્યારે સર્જાયુ જ્યારે અદાણી જૂથે તે એફપીઓ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૦૦૭.૬૭ અને નીચામાં ૫૯,૨૧૫.૬૨ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૨૨૪.૧૬ પોઈન્ટ્સ અથવા ૦.૩૮ ટકા વધીને ૫૯,૯૩૨.૨૪ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી બેન્ચમાર્ક પણ ઉપરમાં ૧૭,૬૫૩.૯૦ અને નીચામાં ૧૭,૪૪૫.૯૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૫.૯૦ પોઈન્ટ્સ અથવા ૦.૦૩ ટકા ઘટીને ૧૭,૬૧૦.૪૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. પાવર, ઓઈલ-ગેસ, એનર્જી, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે આઈટી, ટેકનો, ટેલિકોમ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી. ઇજઊ મિડકેપ અને ઇજઊ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૧ ટકા અને ૦.૩૬ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં આજે આઈટીસીના શેરોમાં સૌથી વધુ ૪.૭૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકનો, ટીસીએસ અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. સેન્સેક્સ પેકમાં આજે એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૧.૯૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી, ટાઈટન, એચડીએફસી, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, બજાજ ફાઈનાન્સ અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ બ્રિટાનિયાના શેરમાં ૪.૯૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૨૬.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, યુપીએલ, એચડીએફસી લાઈફ અને આઈશર મોટર્સનો સમાવેશ થાય છે. અન્યત્ર એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે હોંગકોંગ શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના બજારો પોઝિટીવ રહ્યાં હતાં.
હેસ્ટર બાયોસાયન્સની આવક ૩૫ ટકા વધી: ભારતની અગ્રણી એનીમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડે નાણાવર્ષ ૨૦૨૩ ના ત્રીજા ક્વાર્ટરમાં આવક રૂ. ૭૪.૬૪ કરોડ નોંધાવી છે, જે નાણાવર્ષ ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરના રૂ. ૫૫.૬૯ કરોડ સામે ૩૫ ટકા વધુ હતી. ચોખ્ખો નફો રૂ. ૧૨.૧૬ કરોડ રહ્યો છે, જે સમાનગાળાના રૂ. ૮.૩૩ કરોડ સામે ૪૬ ટકા વધુ છે. ઇબીટીડીએ રૂ. ૧૭.૭૯ કરોડ અને ઇપીએસ રૂ. ૧૪.૨૯ નોંધાઇ હતી. એકીકૃત પરિણામોમાં નેપાળ અને તાંઝાનિયાની પેટાકંપનીઓની આવકનો પણ સમાવેશ થાય છે.
ટાઇટનના નફામાં ઘટાડો: નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં ટાઈટનનો નફો ૯.૯૬ ટકા ઘટીને ૯૫૧ કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટરમાં ટાઈટનનો નફો ૯૮૭ કરોડ રહ્યો હતો. નાણાકીય આવક ૯ ટકા વધીને ૧૦,૮૭૫ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
બજાજ ફિનસર્વનોે નફો ૪૨ ટકા વધ્યો: ડિસેમ્બર ત્રિમાસિકમાં બજાજ ફિનસર્વનો ચોખ્ખો નફો ૪૨ ટકા વધીને રૂ. ૧૭૮૨.૦૨ કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. ૧૨૫૫.૭૯ કરોડ સામે ૪૨ ટકા વધુ છે. કંપનીની આવક ૨૩.૭૦ ટકા વધીને રૂ. ૨૧,૭૫૫.૧૫ કરોડની થઈ હતી, જે ગયા વર્ષે સમાનગાળામાં
રૂ. ૧૭,૫૮૬.૭૪ રહી હોવાનું કંપનીએ શેરબજારને કરેલા ફાઈલિંગમાં
જણાવ્યું છે.