(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્વિક ઇક્વિટી માર્કેટના સારા સંકેત સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો આવવા સાથે બજારને નવેસરની લેવાલીનો ટેકો મળ્યો હોવાથી સેન્સેક્સે ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૬૧,૦૦૦ની સપાટી વટાવી નાખી હતી.
સત્રને અંતે સેન્સેક્સ ૬૦૦.૪૨ પોઇન્ટ અથવા તો ૦.૯૯ ટકા ઉછળીને ૬૦,૦૩૨.૨૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૫૮.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૮૯ ટકા વધીને ૧૭,૯૨૯.૮૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ૩.૩૧ ટકાના ઉછાળા સાથે આઇટીસી ટોપ પર રહ્યો હતો. અન્ય ટોપ ગેઇનર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક અને વિપ્રોનો સમાવેશ હતો. જ્યારે ટોચના ઘટનારા શેરોમાં એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટૂબ્રો, સન ફાર્મા, એશિયન પેઇન્ટ અને મારુતિ સુઝુકીનો સમાવેશ હતો.
એશિયાઇ બજારોમાં શાંઘાઇ, ટોકિયો અને સિઓલમાં સુધાર હતો જ્યારે, હોંગકોંગ શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. યુરોપના બજારોમાં બપોરના સત્ર સુધીમાં સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. અમેરિકન બજારોમાં નોંધપાત્ર સુધારો રહ્યો હતો.