મુંબઈ: ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ૧૭ સત્ર સુધી ચાલી રહેલી વેચવાલીનો અંત આવ્યો હતો અને તેઓની રૂ. ૨૧૧.૦૬ કરોડની ચોખ્ખી ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના એક્સચેન્જના પ્રાથમિક અહેવાલ સાથે આજે ખાસ કરીને એચડીએફસી ટ્વિન્સ જેવાં ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં રોકાણકારોની લેવાલી નીકળતાં સતત બીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સે ૩૯૦.૦૦૨ પૉઈન્ટના સુધારા સાથે પુન: ૬૧,૦૦૦ની સપાટી અંકે કરી હતી. તેમ જ આજે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૧૨.૦૫ પૉઈન્ટનો સુધારો આગળ ધપ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૬૫૫.૭૨ના બંધ સામે સુધારા સાથે ૬૦,૭૧૬.૦૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૫૬૯.૧૯ અને ઉપરમાં ૬૧,૧૧૦.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૬૪ ટકા અથવા તો ૩૯૦.૦૨ પૉઈન્ટના સુધારા સાથે ૬૧,૦૪૫.૭૪ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૦૫૩.૩૦ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૦૭૪.૩૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૦૩૨.૪૫થી ૧૮,૧૮૩.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૬૨ ટકા અથવા તો ૧૧૨.૦૫ પૉઈન્ટ વધીને ૧૮,૧૬૫.૩૫ના મથાળે બંધ રહ્યો હતો. ભારતીય બજારે છેલ્લા દોઢ મહિનાથી વિપરીત કામગીરી દર્શાવ્યા બાદ બે-ત્રણ સત્રથી સ્થાનિક રોકાણોમાં વધારો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. આજે બૅન્ક ઑફ જાપાને વ્યાજદર જાળવી રાખવા લીધેલો નિર્ણય, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો અને સારા અંદાજપત્રના આશાવાદને કારણે બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવતાં ઉમેર્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નીકળેલી નવેસરથી લેવાલી અને વૈશ્ર્વિક સ્તરે કોમોડિટીના પુરવઠાની ખેંચની ભીતિ હેઠળ ભાવ વધી આવતાં મેટલ શૅરોમાં લેવાલી નીકળતાં બજારનાં સુધારાને ટેકો આપ્યો હતો.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૩ શૅરના ભાવ સુધારા સાથે અને સાત શૅરના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌૈથી વધુ ૨.૭૨ ટકાનો સુધારો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૨.૪૧ ટકાનો, વિપ્રોમાં ૧.૭૮ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૭૬ ટકાનો, એચડીએફસીમાં ૧.૭૪ ટકાનો અને ભારતી એરટેલમાં ૧.૪૨ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય જે સાત શૅરના ભાવમાં ઘટાડો આવ્યો હતો તેમાં સૌથી ૧.૬૫ ટકાનો ઘટાડો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૨૦ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૬૩ ટકાનો, નેસ્લેમાં ૦.૫૨ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૪૬ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૨૬ ટકાનો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૦.૧૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ અનુક્રમે ૦.૪૬ ટકાનો અને ૦.૧૭ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, યુટીલીટી ઈન્ડેક્સમાં ૦.૪૫ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૦૭ ટકાનો અને પાવર તથા રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૦૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સમાં ૧.૬૫ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.