ચીને નિયંત્રણ હળવાં કરતાં અને અમેરિકાના સારા ‘જૉબ માર્કેટ’ની પૉઝિટિવ અસર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વના શૅરબજારોમાં તેજીની સાથે ઇક્વિટી બૅન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં મંગળવારે પણ ઉછાળો આવ્યો હતો. શૅરબજાર સતત બીજા દિવસે વધ્યું હતું. આમ છતાં, ડૉલરની સામે રૂપિયો વીસ પૈસા નબળો પડીને ભાવ રૂપિયા ૮૨.૮૫ ઉપર બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડૅ હાઇ ૮૨.૬૯ અને લૉ ૮૨.૮૭ રહ્યો હતો.
ચીને કોવિડ-૧૯ને લગતા રોગચાળાને સંબંધિત નિયંત્રણ હળવાં કરવાની જાહેરાત કરતા વિશ્ર્વભરના શૅરબજારોમાં તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, અમેરિકામાં ગ્રાહકોના ખર્ચ (ક્ધઝ્યુમર સ્પેન્ડિંગ)માં વધારો થતાં અને સારા નજૉબ માર્કેટથને લીધે અર્થતંત્રને તેજી મળી હતી.
૩૦-શૅર બીએસઇ સેન્સેક્સ મંગળવારે ૩૬૧.૦૧ પોઇન્ટ એટલે કે ૦.૬૦ ટકા વધ્યો હતો અને ૬૦,૯૨૭.૪૩ પોઇન્ટ ઉપર બંધ રહ્યો હતો. એનએસઇ નિફ્ટી ૧૧૭.૭૦ પોઇન્ટ એટલે કે ૦.૬૫ ટકા વધીને ૧૮,૧૩૨.૩૦ ઉપર બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, લાર્સન ઍન્ડ ટુબ્રો, એશિયન પેન્ટ્સ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ટૅક મહિન્દ્રા અને ટાઇટનના શૅરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. હિંદુસ્તાન યુનિલિવર, આઇટીસી, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને નેસ્લેના શૅરના ભાવ ઘટ્યા હતા. ભારત ઉપરાંત એશિયામાં સૉલ (દક્ષિણ કોરિયા), ટોક્યો (જાપાન) અને શાંઘાઇ (ચીન)ના ઇક્વિટી માર્કેટમાં મંગળવારે તેજી જોવા મળી હતી.
યુરોપના શૅરબજારોમાં મિડ-સેશન ડીલ્સમાં પૉઝિટિવ ટ્રેન્ડ જોવા મળી હતી.
અમેરિકામાં શૅરબજારો સોમવારે બંધ રહ્યા હતા.આંતરરાષ્ટ્રીય ઑઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૦.૪૯ ટકા વધીને બેરલ (પીપ)દીઠ ૮૪.૩૩ ડૉલર રહ્યો હતો. તેની સાથે સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
એક્સ્ચેન્જના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂપિયા ૪૯૭.૬૫ કરોડના શૅર વેચ્યા હતા.
સેક્ટરલ ઇન્ડાઇસીસમાં મેટલમાં ૪.૫૯ ટકાનો, ટૅલિકૉમમાં ૧.૫૪ ટકાનો, ઇન્ફ્રામાં ૧.૪૯ ટકાનો, રિયલ્ટીમાં ૧.૩૮ ટકાનો, પાવરમાં ૧.૧૫ ટકાનો, ઓઇલગૅસમાં ૧.૦૭ ટકાનો, એનર્જીમાં ૦.૯૭ ટકાનો, ઑટોમાં ૦.૮૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
જર્મનીના ડીએક્સમાં ૦.૭ ટકા અને પેરિસના સીએસી-૪૦માં ૦.૯ ટકાની તેજી જોવા મળી હતી. શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં અને બેંગકોકના એસઇટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો.