(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોની મિશ્ર અને યુરોપિયન બજારના નબળા સંકેત ઉપરાંત ઘરઆંગણે ઇન્ફોસિસ સહિતના આઈટી શેરો અને ટેકનો શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીની પીછેહઠ ચાલુ રહી હતી. અમેરિકામાં યૂએસ ફેડ દ્વારા વ્યાજદર વધારાની શક્યતા વચ્ચે સવારથી જ ભારતીય બજારમાં નરમાઈ જોવા મળી હતી. પાવર, ટેલીકોમ, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોમાં વેચવાલીથી ઘરેલુ શેરબજાર સતત ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યં હતું. બીએસઈ સેન્સેક્સ ૧૫૯ પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૬૦૦ની ઉપર બંધ રહ્યો હતો.
બુધવારના સત્ર દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૯,૭૪૫.૮૯ અને નીચામાં ૫૯,૪૫૨.૭૨ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ ૧૫૯.૨૧ પોઈન્ટ્સ અથવા ૦.૨૭ ટકા ગગડીને ૫૯,૫૬૭.૮૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૬૬૬.૧૫ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૫૭૯.૮૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૪૧.૪૦ પોઈન્ટ્સ અથવા ૦.૨૩ ટકાના ધોવાણ સાથે ૧૭,૬૧૮.૭૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
આઇટી શેરોમાં ચાલુ રહેલા ધોવાણ વચ્ચે એચસીએલ ટેકનોલોજીના પરિણામની જાહેરાત પહેલા વેચવાલીનું દબાણ વધી જતાં તેનો શેરમાં અઢી ટકાનો કડાકો નોંધાયો હતો. કિલિચ ડ્રગ્સમાં ફરી સળવળાટ જોવા મળ્યો હતો. ઇથિયોપિઆમાં નવા પ્લાટન્ટનું કામકાજ શરૂ થવા સાથે ત્યાની સરકારે કેશ રિલિઝનો ઓર્ડર આપ્યા બાદ કંપની વિસ્તરણની વધુ યોજના વિચારી રહી હોવાની ચર્ચાએ તેનો શેર૪.૧૭ ટકાના વધારા સાથે રૂ. ૧૬૯.૯૪ની સપાટીએ પહોંચ્યો હતો.
મેનકાઈન્ડનો ફાર્માની રૂ. ૪,૩૨૬ કરોડની ઓફર ફોર સેલ (ઓએફએસ) સાથે ૨૫મી એપ્રિલે મૂડી બજારમાં પ્રવેશ કરશે અને ભરણું ૨૭ એપ્રિલે બંધ થશે. કંપનીના પ્રમોટર્સે આ આઇપીઓ માટે રૂ. ૧,૦૨૬-૧,૦૮૦ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ૧૩ શેર માટે અરજી કરવા રૂ. ૧૪,૦૪૦નું રોકાણ કરવુ પડશે. શેરનું એલોટમેન્ટ ત્રીજી મેના રોજ થશે અને નવમી મેના રોજ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે.
આઈટી, ટેકનો, પાવર, બેન્ક, ફાઈનાન્શિયલ, ટેલીકોમ અને કેપિટલ ગૂડ્ઝ વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે મેટલ, ઓઈલ-ગેસ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૮ ટકા ઘટીને અને ૦.૧૨ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૦.૯૬ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો.
સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૨.૩૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, વિપ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ અને ટીસીએસનો સમાવેશ થાય છે.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ બીપીસીએલના શેરોમાં સૌથી વધુ ૨.૩૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડિવિસ લેબ, બજાજ ઓટો, એક્સિસ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ એચસીએસ ટેકનોના શેરમાં ૨.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસ્ઈન્ડ બેન્ક, ઈન્ફોસિસ, એસબીઆઈ લાઈફ અને એનટીપીસીનો સમાવેશ થાય છે.