મુંબઇ: ખાસ્સી અફડાતફડી બાદ સેન્સેક્સ સવારના સત્રનો તમામ સુધારો ગુમાવીને અંતે નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. જ્યારે, નિફ્ટી પણ ફરી ૧૭,૦૦૦ની નીચે ખાબકી ગયો હતો. અદાણી એન્ટરપ્રાઇસમાં સાત ટકાનો કડાકો નોંધાયો હતો. વૈશ્ર્વિક સ્તરે બેન્ક સંકટને કારણે રોકાણકારો સાવધ વલણ અપનાવી જોખમ લેવાનું ટાળી રહ્યા છે. રોકાણકારો બજારની ચોક્કસ દિશા માટે ઘરઆંગણે કોઈ ટ્રીગરના અભાવે વૈશ્ર્વિક પરિબળો પર મીટ માંડી રહ્યા છે. રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકા અને યૂરોપના આર્થિક ડેટા પર છે. રોકાણકારોના સાવધ વલણ અને અનિશ્ર્ચિતતા વચ્ચે સવારનો સુધારો ધોવાઈ ગયો હતો અને સેન્સેક્સ ૪૦ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે બંધ રહ્યો હતો. સવારે શેરબજાર વૈશ્ર્વિક રાહે ઊંચા મથાળે ખુલ્યુ હતું પરતુ, દિવસ દરમિયાન ટેલીકોમ, રિયલ્ટી, પાવર, આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ, ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચવાલીના દબાણથી બજાર રેડ ઝોનમાં આવી ગયું હતું. અદાણી જૂથના ડેટ રિપેમેન્ટ સંદર્ભે સવાલ ઉઠાવનારા રિપોર્ટને પરિણામે મંગળવારે તેના શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને ચાર શેરમાં તો નીચલી સર્કિટ લાગી હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારની પીછેહઠ માટે આ પણ એક મહત્ત્વનું કારણ હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૭,૯૪૯.૪૫ અને નીચામાં ૫૭,૪૯૪.૯૧ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૪૦.૧૪ પોઈન્ટ્સ અથવા ૦.૦૭ ટકા ઘટીને ૫૭,૬૧૩.૭૨ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૦૬૧.૭૫ અને નીચામાં ૧૬,૯૧૩.૭૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૩૪.૦૦ પોઈન્ટ્સ અથવા ૦.૨ ટકાના ઘટાડા સાથે ૧૬,૯૫૧.૭૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
આ સત્રમાં ટેલીકોમ, રિયલ્ટી, પાવર, આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ, ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ફાઈનાન્શિયલ, બેન્ક અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૩ ટકા અને ૦.૬૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા. આ સપ્તાહે એસએમઇ સેગમેન્ટમાં ત્રણ આઇપીઓ આવી રહ્યાં છે. જેમાં એમઓએસ, મેઇડન પોર્જિંગ અને સોટેકનો સમાવેશ છે. એ જ સાથે એવલોન ટેકનોલોજી ત્રીજી એપ્રિલે રૂ. ૮૬૫ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે, જેમાં ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૩૨૦ કરોડ અને ઓફર ફોર સેલ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૫૪૫ કરોડનો રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૧૫થી રૂ. ૪૩૬ નક્કી કરવામાં આવી છે અને મિનિમમ બિડ લોટ ૩૪ શેરનો છે. ભરણું છઠી એપ્રિલે બંધ થશે. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, રિલાયન્સ, એચડીએફસી, ટાટા સ્ટીલ, નેસલે ઈન્ડિયા, એક્સિસ બેન્ક અને ટાઈટનનો સમાવેશ થાય છે. જ્યારે ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૨.૯૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, ભારતી એરટેલ, વિપ્રો, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેકનો, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને મારૂતિનો સમાવેશ થાય છે.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ યૂપીએલના શેરોમાં સૌથી વધુ ૨.૦૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ડો રેડીઝ લેબ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.