(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેતને કારણે સાર્વત્રિક વેચવાલીથી ભારતીય શેરબજાર સતત ચોથા સેશનમાં રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. આઈટી, ટેકનો, રિયલ્ટી, પાવર અને ઓટો શેરોમાં આક્રમક વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ આજે વધુ ૦.૫૮ ટકા તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ એક તબક્કે ૧૭,૦૦૦ની નીચે સરકીને અંતે ૧૭૧૦૦ની નીચે બંધ રહ્યો હતો. પાછલા ત્રણ સત્રમાં બીએસઇના માર્કેટ કેપિટલમાં રૂ. ૬.૬ લાખના કડાકા બાદ મંગળવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. બે લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.
અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર ૭.૭૦ ટકા ગગડ્યા હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાની સિલિકોન વેલી બાદ સિગ્નેચર બેન્કના ધબડકાને કારણે સખત ડહોળાઇ ગયેલા વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં સ્થાનિક બજારમાં વેચવાલીનું દબાણ તીવ્ર રહ્યું હતું અને એકંદરે તેજી કે ટેકા માટે કોઇ ટ્રિગરના અભાવે ભારત સહિતના શેરબજારો વૈશ્ર્વિક રાહે ચાલી રહ્યા છે. અમેરિકામાં બેન્ક સંકટમાં સત્તાવાળાઓ જાગ્યા હોવા છતાં તેનો ગભરાટ વિશ્ર્વભરના શેરબજાર પર હજી છવાયેલો છે. રોકાણકારો સાવધ થઈ ગયા છે. મંગળવારે સવારે ઉપરમાં ખુલીને વધ્યા બાદ પણ સ્થાનિક બજારમાં સુધારો ટકી શક્યો નહોતો. અદાણી ગ્રુપના શેરો સહિત સાર્વત્રિક વેચવાલીથી બજાર વધુ ઘટ્યું હતું અને સતત ચોથા સેશનમાં ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. બજારમાં સાવ્રત્રિક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૬ ટકા અને ૦.૮૪ ટકા ઘટીને બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૮,૪૯૦.૯૮ અને નીચામાં ૫૭,૭૨૧.૧૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૩૭.૬૬ પોઈન્ટ્સ અથવા ૦.૫૮ ટકા ઘટીને ૫૭,૯૦૦.૧૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૨૨૪.૬૫ અને નીચામાં ૧૬,૯૮૭.૧૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૧૧ પોઈન્ટ્સ અથવા ૦.૬૫ ટકાના ઘટાડા સાથે ૧૭,૦૪૩.૩૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં સૌથી વધુ ટાઈટનના શેરોમાં સૌથી વધુ ૧.૧૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ થાય છે. દરમિયાન, ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કંડિશનિંગ એન્જિનિયર્સ (ઇશરે) દ્વારા ઇન્ફોર્મા માર્કેટ્સના સહયોગ સાથે બીઇસી ખાતે આયોજિત ત્રણ દિવસીય એક્રેક્સ ઈન્ડિયાની ૨૨મી આવૃત્તિમાં ૪૦ અલગ અલગ દેશમાંથી ૪૫૦ જેટલી કંપની સહભાગી થઇ છે અને ૩૫,૦૦૦થી વધુ વિઝિટર્સ અપેક્ષિત છે. ફયુજીત્સુ જનરલ ઇન્ડિયા, ગ્રેસ્ટોન એનર્જી સિસ્ટમ, હનીવેલ ઓટોમેશન, કિર્લોસ્કર બ્રધર્સ, માટેલ મોશન એન્ડ એનર્જી સોલ્યુશન, મુરુગપ્પા મોર્ગન થર્મલ સેરામિક, પાનાસોનિક લાઇફ સોલ્યુશન્સ, યસકાવા ઇન્ડિયા, શાંતિ રેફ્રિજરેશન અને ઓરો એન્જિનિયરિંગ સહિતની કંપનીઓ સહભાગી થઇ છે.
સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૨.૯૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, કોટક બેન્ક, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેકનો, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાઈટનના શેરમાં ૧.૨૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં બીપીસીએલ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ અને સન ફાર્માનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસનાના શેરમાં ૭.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે.