(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં બુધવારે ફરી સુધારાનો પવન ફૂંકાયો હતો. વિશ્ર્વબજારની આગેકૂચ સાથે તાલ મિલાવતું ભારતીય શેરબજાર આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. માર્ચ સીરીઝની એક્સપાયરી પર રિયલ્ટી. મેટલ, કેપિટલ ગૂડ્ઝ અને ઓટો શેરોમાં ભારે લેવાલીથી બીએસઈ સેનસેક્સ ૩૪૬ પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી ૧૭૧૦૦ની નજીક બંધ રહ્યો હતો. જોકે, નિષ્ણાતો માને છે કે આ એક્સપાઇરી વીકમાં વોલેટીલિટી સહેજ ઊંચા સ્તરે જ રહેવાની ધારણા છે.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૮,૧૨૪.૨૦ અને નીચામાં ૫૭,૫૨૪.૩૨ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૪૬.૩૭ પોઈન્ટ્સ અથવા ૦.૬૦ ટકા વધીને ૫૭,૯૬૦.૦૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૧૨૬.૧૫ અને નીચામાં ૧૬,૯૪૦.૬૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૨૯.૦૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૬ ટકાના ઉછાળા સાથે ૧૭,૦૮૦.૭૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
પાછલા સત્રમાં બે અબજ ડોલરની ઋણની પુન:ચૂકવણી અને ગીરવે મૂકેલા શેર અંગે એક રિપોર્ટમાં સવાલ ઉછાવાયા બાદ વેચવાલીના દબાણ હેઠળ જોરદાર ધોવાણ નંધાવનારા અદાણી ગ્રુપના શેરો બુધવારે કંપનીની આ રિપોર્ટને રદીયો આપતી સ્પષ્ટતા બાદ રિબાઉન્ડ થયા હતા અને અદાણી એન્ટરપ્રાઈસના શેર ૯.૨૯ ટકા ઊછળ્યો હતો.
આ સત્રમાં રિયલ્ટી, મેટલ, ઓટો અને એફએમસીજી શેરોમાં ધૂમ લેવાલી જોવા મળ્યી હતી જ્યારે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૬૭ ટકા અને ૧.૬૮ ટકા વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૨.૭૨ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ,હિન્દુસ્તાન યૂનિલિવિર, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઈનો સમાવેશ
થાય છે.
સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૦.૬૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૯.૨૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, હિરો મોટોકોર્પ, આઈશર મોટર્સ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે.
બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૬.૯૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, ટેક મહિન્દ્રા, હિરોમોટો કોર્પ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.
દરમિયાન, રિઝર્વ બેંક આગામી સપ્તાહે વર્તમાન દર વધારાના ચક્રમાં અંતિમ ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે અને ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં જ આવશે, એમ એક્સિસ બેંકના અર્થશાસ્ત્રીઓએ બુધવારે જણાવ્યું હતું. પ્રસાર માધ્યમોના અહેવાલો મુજબ, આરબીઆઈના અધિકારીઓ મંગળવારે અર્થશાસ્ત્રીઓને મળ્યા હતા અને બાદમાં કેન્દ્રીય બેંકને મુખ્ય દરોમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવા માટે સૂચન કર્યું હતું. મે ૨૦૨૨થી, આરબીઆઈએ દરોમાં ૨૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, જેનાથી ઋણ લેનારાઓને નુકસાન થયું છે અને કેટલાક લોકો પહેલેથી જ વધારાના પરિણામે તેમના કામકાજના જીવનની બહાર લંબાતા લોનની મુદત વિશે ચિંતિત છે.