(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી )
મુંબઈ: અમેરિકામાં ગત ઑક્ટોબર મહિનાનો ફુગાવો અને કોર ઈન્ફ્લેશન ઘટીને અનુક્રમે ૭.૭ ટકા (૮.૨ ટકા) અને ૬.૩ ટકા (૬.૬ ટકા)ના સ્તરે રહ્યો હોવાના નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો નહીં કરે તેવી શક્યતા અને વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા હળવી થતાં આજે ડૉલર
ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૧૮૧.૩૪ પૉઈન્ટના ઉછાળા સાથે ૬૧,૭૯૫.૦૪ની ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ આજે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ૩૨૧.૫૦ પૉઈન્ટના ઉછાળા સાથે ૧૮,૩૪૯.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૮૨ પૈસા મજબૂત થયો હતો, પરંતુ આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ૨.૫૦ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાથી સત્રના અંતે રૂપિયો ૬૨ પૈસાના સુધારા સાથે ૮૦.૭૮ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો નહીં કરે એવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તથા ઈક્વિટી માર્કેટમાં ઝડપી ઉછાળો આવતાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી વધવાના આશાવાદ ઉપરાંત વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિ હળવી થતાં આજે આઈટી શૅરોમાં લેવાલીને ટેકે તેજીને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૨ શૅરના ભાવ વધીને અને આઠ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૫ ટકા અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩૩ ટકા વધી આવ્યા હતા.