રોકાણકારોની સંપત્તિ વધીને ૨૮૮.૫૦ લાખ કરોડની ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારોના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સૌપ્રથમ વખત ૪૧૭.૮૧ પૉઈન્ટના ઉછાળા સાથે ૬૩,૦૦૦ની સપાટી પાર કરીને ૬૩,૦૯૯.૬૫ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે જ રોકાણકારોની સંપત્તિ પણ વધીને રૂ. ૨૮૮.૫૦ લાખ કરોડની ટોચે પહોંચી હતી.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સે સતત સાતમાં સત્રમાં તેજીની આગેકૂચ જાળવી રાખતાં સત્ર દરમિયાન ૦.૯૯ ટકા અથવા તો ૬૨૧.૧૭ પૉઈન્ટ વધીને નવી ઐતિહાસિક ૬૩,૩૦૩.૦૧ની નવી ટોચ દાખવીને અંતે ગઈકાલના બંધથી ૦.૫૭ ટકા અથવા તો ૪૧૭.૮૧ પૉઈન્ટ વધીને ૬૩,૦૯૯.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
છેલ્લાં સાત સત્રમાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપત્તિ રૂ. ૭,૫૯,૬૪૨.૮૯ કરોડ વધીને રૂ. ૨,૮૮,૫૦,૮૯૬.૩૦ કરોડની સપાટીએ રહી હોવાનું આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. એકંદરે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટી સર કરવાનો ક્રમ જાળવી રાખતા બજારમાં ઉત્સાહનું વાતાવરણ રહ્યું હતું. જોકે, હવે આગામી દિવસોમાં સ્ટોક આધારિત વધઘટ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.