મુંબઇ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં પચાસ બેસિસ પોઇન્ટના વધારા સાથે આગામી સમયમાં આક્રમક વલણ ચાલુ રાખવાની અપાયેલી ચેતવણીને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં ભૂકંપ જેવો આંચકો આવ્યો હતો અને તેની અસરે સેન્સેક્સમાં ૮૭૮ પોઇન્ટનો તથા નિફ્ટીમાં ૨૪૫ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો.
ફેડ રિઝર્વે વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવા સાથે કહ્યું છે કે આગામી વર્ષે વ્યાજદર વધીને ૫.૧ ટકા પર પહોંચી શકે છે. વૈશ્ર્વિક ઇક્વિટી બજારના માનસ પર આ ચેતવણીની જોરદાર નકારાત્મક અસર જોવા મળી હતી.
ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પોઈન્ટનો
વધારો કર્યો હોવાથી વ્યાજદર પંદર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. ફેડરલના આ વલણને કારણે અમેરિકાના બજારો ગગડ્યા હતા અને તેની પાછળ એશિયાના બજારો પણ નરમ હતા, જેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી.
સેન્સેક્સના શેરોમાં ટેક મહિન્દ્રા, ટાઇટન, ઇન્ફોસિસ, એચડીએફસી, આઇટીસી, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ટીસીએસ અને સ્ટેટ બેન્ક ટોપ લૂઝર રહ્યા હતા અને માત્ર એમટીપીસી અને સન ફાર્માના શેરમાં સુધારો હતો.