(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના હળવા વલણના સંકેત સાથે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટ સાથે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ ગુરૂવારે ૬૨,૨૭૨.૬૮ની સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, યુએસ ફેડરલે મિનિટ્સે વ્યાજ દરમાં ધીમી ગતિનો સંકેત આપ્યા પછી વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું.
સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૭૬૨.૧૦ પોઈન્ટ અથવા ૧.૨૪ ટકા વધીને ૬૨,૨૭૨.૬૮ની સપાટીએ સ્થિર થયો હતો, જે તેની વિક્રમી ક્લોઝિંગ ટોચ છે. દિવસ દરમિયાન તે ૯૦૧.૭૫ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકા ઉછળીને ૬૨,૪૧૨.૩૩ની તેની સત્ર દરમિયાનની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૧૬.૮૫ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા વધીને ૧૮,૪૮૪.૧૦ પર બંધ થયો હતો. અમેરિકામાં ઇક્વિટી
માર્કેટમાં સુધારો, બોન્ડ યીલ્ડમાં પીછેહઠ અને ડોલરના મૂલ્યમાં ઘટાડા જેવા પરિબળો એકત્ર થતાં વૈશ્ર્વિક ઇકિવટી માર્કેટમાં સુધારાનો સંચાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભારતમાં પોઝિટીવ મેક્રો ડેવલપમેન્ટ્સની અસર પણ બજાર પર જોવા મળી હતી. ક્રેડિટ વૃદ્ધિ અને કેપેક્સમાં સતત વધારો સૂચવે છે કે અર્થતંત્રમાં મજબૂત રીકવરી થઇ રહી છે.