Homeદેશ વિદેશસેન્સેક્સ અને નિફ્ટીએ સતત છઠ્ઠા સત્રમાં આગેકૂચ સાથે નવી ટોચ સર કરવાનો...

સેન્સેક્સ અને નિફ્ટીએ સતત છઠ્ઠા સત્રમાં આગેકૂચ સાથે નવી ટોચ સર કરવાનો ક્રમ જાળવ્યો

મુંબઈ: એશિયન ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશ સાથે આજે સેન્સેક્સ અને નિફ્ટીએ સતત છઠ્ઠા સત્રમાં સુધારાની આગેકૂચ જાળવી રાખી હતી અને અનુક્રમે ૧૭૭.૦૪ પૉઈન્ટ અને ૫૫.૩૦ પૉઈન્ટના સુધારા સાથે નવી ટોચ દાખવવાનો ક્રમ પણ જાળવી રાખ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૨,૫૦૪.૮૦ના બંધ સામે નરમાઈના ટોને ૬૨,૩૬૨.૦૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૨,૩૬૨.૦૮ અને ઉપરમાં ૬૨,૮૮૭.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૨૮ ટકા અથવા તો ૧૭૭.૦૪ પૉઈન્ટના સુધારા સાથે ૬૨,૬૮૧.૮૪ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૫૬૨.૭૫ના બંધ સામે ૧૮,૫૫૨.૪૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૫૫૨.૧૫થી ૧૮,૬૭૮.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૩૦ ટકા અથવા તો ૫૫.૩૦ પૉઈન્ટના સુધારા સાથે ૧૮,૬૧૮.૦૫ની નવી ટોચે બંધ રહ્યો હતો. એકંદરે વૈશ્ર્વિક સ્તરે ચીન ખાતે કડક લૉકડાઉનના અમલીકરણ સામે થઈ રહેલા વિરોધ અને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા બજાર બેતરફી વધઘટે અથડાતી રહી હોવાનું કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ (રિટેલ) વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવતાં ઉમેર્યું હતું કે જો ચીનમાં પરિસ્થિતિ વધુ વણસશે તો ભારતીય બજારો પર પણ તેની વિપરીત અસર પડશે. તેમ છતાં અન્ય અર્થતંત્રોની સરખામણીમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ સારી હોવાથી દરિયાપારના રોકાણકારોનું ભારતીય બજારમાં આકર્ષણ જળવાઈ રહેશે. અત્રે નોંધનીય બાબત એ છે કે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૨,૩૪૪ કરોડની ચોખ્ખી લેવાલી રહી છે. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૫ શૅરના ભાવ વધીને અને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી બાવીસ શૅરના ભાવ વધીને અને ૨૮ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના ૩૦ શૅરો પૈકી મુખ્યત્વે જે શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા તેમાં હિન્દુસ્તાન યુનીલિવરમાં ૪.૨૭ ટકાનો, સન ફાર્મા અને નેસ્લેમાં ૧.૫૦ ટકાનો, ડૉ. રેડ્ડીઝ લૅબો.માં ૧.૧૭ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૧૪ ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૧૨ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૫૦ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૧.૨૫ ટકાનો, મારુતિ સુઝુકીમાં ૧.૦૪ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૯૭ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૭૦ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૦.૬૬ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે સેક્ટોરિયલ ઈન્ડાઈસસમાં ખાસ કરીને બીએસઈ એફએમસી ઈન્ડેક્સમાં ૧.૭૩ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૫૮ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૫૭ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૫૪ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૨૨ ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં ૦.૧૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૯૬ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૭૪ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૬૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૩૯ ટકા અને ૦.૨૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે એશિયામાં એકમાત્ર ટોકિયોના બજારમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આ સિવાય સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજારો સુધારાના અન્ડરટોને બંધ રહી હતી અને યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનો અન્ડરટોન જોવા મળ્યો હતો. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૪ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૪૫ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૫.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -