(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં નિરસ હવામાન અને અમેરિકાની મંદીની ચિંતાને કોરાણે મૂૂકીને બેન્ચમાર્કે એપ્રિલ ડેરીવેટિવ્ઝ એક્સપાયરીના દિવસે સપ્તાહના ચોથા અને સળંગ છઠા આગેકૂચ જારી રાખી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીના ટેકા અને ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા સાથે સારા કોર્પોરેટ પરિણામોને લીધે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. સત્ર દરમિયાન ખાસ કરીને આઇટી અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૬૯૮.૩૧ અને નીચામાં ૬૦,૨૭૧.૪૯ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૪૮.૮૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૮ ટકા વધીને ૬૦,૬૪૯.૩૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૯૩૧.૬૦ અને નીચામાં ૧૭,૭૯૭.૯૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૦૧.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૭ ટકાના સુધારા સાથે ૧૭,૯૧૫.૦૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
કંપની પરિણામની મોસમ વચ્ચે સ્થાનિક શેરબજારમાં સવારથી જ મજબૂત ટોન જોવા મળ્યો હતો. અગ્રણી કંપનીઓના સારા નાણાકીય પરિણામોએ રોકાણકારોમાં ઉત્સાહ પ્રેર્યો હતો. બજારમાં શેરલક્ષી કામકાજમાં વધારો જોવા મળ્યો છે. ટીસીએસ અને ઈન્ફોસિસ સહિતની મોટી કંપનીઓની નબળી કમાણી અને આઉટલૂકને કારણે ઘવાયેલા સેન્મિેન્ટને રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ બેન્કના મજબૂત પરિણામોથી ટેકો મળ્યો હતો.
ચોથા ક્વાર્ટરના નફામાં અપેક્ષા કરતાં વધુ મોટી વૃદ્ધિ નોંધાવનાર બજાજ ફાઇનાન્સ ત્રણ ટકાથી વધુ વધ્યો હતો. બજાજ ફાઇનાન્સ અને તેની હોલ્ડિંગ કંપની બજાજ ફિનસર્વ લિમિટેડ ટોચના નિફ્ટી ૫૦ ગેનર્સમાં સામેલ થયા હતા. નિફ્ટીએ આ અઠવાડિયે મજબૂત કોર્પોરેટ પરિણામોને આધારે એક ટકાથી વધુનો ઉમેરો કર્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં લગભગ ૧૦૦ ટકાના વધારા સાથે રૂ. ૫૮૫ કરોડનો કરવેરા પછીનો નફો નોંધાવનાર પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે ચોથા ક્વાર્ટરમાં રૂ. ૧૮૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ત્રિમાસિક વિતરણ વાર્ષિક ધોરણે ૧૫૧ ટકા અને ત્રિમાસિક ધોરણે ૮૯ ટકા વધીને રૂ. ૬૩૭૧ કરોડ નોંધાયું હતું. સંચાલન હેઠળની અસક્યામત અનુક્રમે ૩૭ ટકા અને ૧૬ ટકાના વધારા સાથે રૂ. ૧૬,૧૪૩ કરોડ રહી હતી. કંપનીએ ૧૦૦ ટકા ડિવિડંડની જાહેરાત કરી હતી.
ગોદરેજ ક્ધઝ્યુમર ડાઇવર્સિફાઇડ ગ્રુપ રેમન્ડ પાસેથી એફએમસીજી બિઝનેસ હસ્તગત કરશે એવી બજારમાં ચર્ચા હતી. એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની હિંદુસ્તાન યુનિલીવરે ૩૧ માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાના પરિણામમાં ૧૨૭૪ ટકાના વધારા સાથે રૂ. ૨૬૦૧ કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૩૦૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્વાર્ટર દરમિયાન વેચાણ સામેની રેવન્યૂ ૧૦.૮૩ ટકા વધીને રૂ. ૧૪૯૨૬ કરોડ નોંધાઇ હતી, જે રૂ. ૧૩,૪૬૮ કરોડ રહી હતી.
માર્ચ ક્વાર્ટરના નબળા પરિણામને કારણે વોલ્ટાસના શેરમાં ત્રણેક ટકાનો ઘટાડો થયો હતો. એસી ઉત્પાદક વોલ્ટાસે માર્ચ ૨૦૨૩ના ક્વાર્ટરમાં ૨૧.૬૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૪૩.૨૩ કરોડનો ચોખ્કો નફો નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બિઝનેસ પ્રોજેક્ટમાં વિલંબિત ચૂકવણી સામે કરેલી જોગવાઇને કારણે આ ઘટાડો થયો હતો. કંપનીએ વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂ. ૧૮૨.૭૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
ટાટા જૂથની આ કંપનીએ ઉક્ત સમયગાળામાં રૂ. ૨૬૩૩.૭૨ કરોડની સામે ૧૧.૫ ટકાના વધારા સાથે રૂ. ૨૯૩૬.૭૬ કરોડની રેવન્યૂ નોંધાવી હતી. જાણીતા ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટએ જણાવ્યું હતું કે, તીવ્ર ઉછાળા પછી બજારો અથડાયેલી ચાલ બતાવી શકે છે.
નિફ્ટી ઇન્ડેક્સમાં કોન્સોલિડેશનની શક્યતા છે, જો ૧૭,૭૦૦નું સ્તર સુરક્ષિત રહેશે તો ટ્રેડર્સને લેવાલીની તકો મળી શકે છે.
અમેરિકામાં નબળા આર્થિક ડેટાને કારણે નજીકના ગાળામાં સંભવિત મંદીની ચિંતા વધી જતાં વૈશ્ર્વિક ઇક્વિટીમાં ઘટાડો થયો હતો. એશિયન બજારો મોટે ભાગે નીચા હતા. વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે નબળા વૈશ્ર્વિક સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ ૮૦ની નીચે અને ભારતીય ઇક્વિટીમાં વિદેશી સંસ્થાકીય લેવાલી સ્થાનિક બજાર માટે હકારાત્મક પરિબળ બનશે. આ સત્રમાં રિયલ્ટી, આઈટી, ટેકનો, ઓટો, મેટલ, ઓઈલ-ગેસ, કેપિટલ ગૂડ્ઝ, ફાઈનાન્શિયલ અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, જ્યારે પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. પાવર સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૨ ટકા અને ૦.૬૨ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૨.૩૯ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, રિલાયન્લ, આઈટીસી, ટાઈટન, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. જ્યારેે હિન્દુસ્તાન યૂનિલિવરના શેરોમાં સૌથી વધુ ૧.૩૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટીસીએસ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ હતો.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ બજાજ ઓટોના શેરોમાં સૌથી વધુ ૨.૬૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ અને યૂપીએલનો સમાવેશ હતો. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરમાં ૨.૨૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દુસ્તાન યૂનિલિવર, ઓએનજીસી, એક્સિસ બેન્ક અને પાવરગ્રીડનો સમાવેશ હતો.