(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળની રહેણા ક ઈમારતમાં બુધવારે વહેલી સવારે લાગેલી આગે ૭૦ વર્ષના વૃદ્ધાનો ભોગ લીધો હતો. આઠ લોકોને ધુમાડાને કારણે ગૂંગણામણ થવાની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈમારતમાં ફાયરફાઈટિંગ સિસ્ટમ બેસાડેલી હોવા છતાં તેને કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું હતું, તેથી ફાયર બ્રિગેડ તેમને નોટિસ ફટકારે એવી શક્યતા છે.
કુર્લામાં પ્રીમિયર કમ્પાઉન્ડ, કોહિનૂર સિટીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળની બિલ્ડિંગ નંબર સાતની સી વિંગમાં સવારના ૬.૫૬ વાગે ચોથા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. ઈમારતના ચોથા માળા પર લાગેલી આગે થોડીવારમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાને કારણે બિલ્િંડના રહેવાસીઓ જુદા જુદા માળે ફસાઈ ગયા હતા, જેને બાદમાં બચાવીને બિલ્ડિંગની ટેરેસમાં લઈ જવામાં આવ્યા હતા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ઘટનાની માહિતી મળતા જ ફાયરબિગ્રેડના ચાર ફાયર ઍન્જિન સહિત અન્ય રૅસ્ક્યુ વેહિકલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ બુઝાવવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું હતું. આગ ચોથાથી દસમા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં અનેક લોકોને ધુમાડાને કારણે શ્ર્વાસ લેવામાં ત્રાસ વર્તાયો હતો. લગભગ ૮.૪૨ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલુ હતું.
બિલ્ડિંગના નવ રહેવાસીઓને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ૭૦ વર્ષની વૃદ્ધા શંકુતલા રામાણીને સારવાર અગાઉ જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આઠની તબિયત હાલ સ્થિર છે.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે માનવામાં આવે છે. નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં આગના ઉપરાઉપરી બનાવ બન્યા છે.
————
ફાયર ફાઈટિંગ સિસ્ટમના નિયમ ફકત પેપર પર
બુધવારે જે ઈમારતમાં આગ લાગી હતી ત્યાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ તો બેસાડેલી હતી, પરંતુ તે કામ કરતી નહોતી. પાલિકાના અધિકારીના કહેવા મુજબ મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૦૬ની કલમ ૩(૧)મુજબ દરેક માલિક અથવા કબ્જેદાર માટે બિલ્ડિંગમાં આગથી સંરક્ષણ મેળવવા માટે સેફટી મેઝર્સ બેસાડવા આવશ્યક છે. સેકશન ૩(૩) હેઠળ માલિક અથવા કબ્જેદાર માટે તેની ઈમારતમાં રહેલી ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરે છે, તેને લગતુ સર્ટિફિકેટ લેવું આવશ્યક છે. એટલે કે ‘ફોર્મ-બી’ જે લાઈન્સ ઍજેન્સી દ્વારા વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં ઈશ્યુ કરવામાં આવે છે.