શ્રદ્ધા, પ્રબળ ઈચ્છા અને પુરુષાર્થ હોય તો કોઈ વસ્તુ અશક્ય નથી
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
માણસ ઘારે તો જીવનમાં ઘણું બધું કરી શકે છે. કોઈ વસ્તુ અશક્ય નથી, પરંતુ તે માટે શ્રદ્ધા, પ્રબળ ઈચ્છા, શક્તિ અને પુરુષાર્થ જોઈએ. પોતાની શક્તિ અને તાકાતને નજીવી ગણવી જોઈએ નહીં. આત્મશક્તિ અને આત્મવિશ્ર્વાસ કદી નાનો હોતો નથી. તેમાં પ્રચંડ તાકાત રહેલી છે, પરંતુ કેટલીક વખત આપણે આપણી આ ભીતરની શક્તિને દબાવી દઈએ છીએ. તેને ઓળખી શકતા નથી, કારણ કે આપણને આપણા ખુદમાં ભરોસો નથી. આપણો નિશ્ર્ચય અને નિર્ણય ડગી જાય છે એટલે તેનું ધાર્યું પરિણામ ઊભું થતું નથી. મારામાં કાંઈ નથી, હું કશું કરી શકું તેમ નથી એવો હીન ભાવ કદી મનમાં લાવવો જોઈએ નહીં. મોટાભાગના લોકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે અને તેઓ પોતાના કરતાં બીજાને ચડિયાતા માનતા હોય છે. ધન, પદ અને પ્રતિષ્ઠાથી આપણે અંજાઈ જઈએ છીએ. જેમણે આ બધું મેળવ્યું છે તે લોકો આપણને અદ્ભુત અને શક્તિશાળી લાગે છે. તેઓ મહેનત અને આત્મવિશ્ર્વાસથી આગળ વધ્યાં છે. આપણી પાસે પણ એવી તકો રહેલી છે. આપણે પણ આપણી રીતે આગળ વધી શકીએ. ધન, પદ, પ્રતિષ્ઠા એ જીવનનો માપદંડ નથી. જીવનમાં એવી બીજી ઘણી વસ્તુઓ છે જેનાથી માણસ આનંદ અને ખુશી અને સંતોષથી રહી શકે છે. સૌથી મોટી જો કોઈ વસ્તુ હોય તો તે પ્રેમ, આનંદ અને પારિવારિક સંબંધો છે. આ જો નહીં હોય તો બધું નકામું છે. ધન જેમ વધતું જાય છે તેમ તેમ માયાના આવરણ હેઠળ માણસ દબાતો જાય છે. ધનની સાથે નમ્રતા અને વિવેક હોય તો માણસની આ સાચી સમૃદ્ધિ છે.
સફળતા અને નિષ્ફળતા જીવનમાં આવ્યા કરે છે. આ ચક્ર છે ઉપર નીચે થયાં કરે છે. માણસ ગમે તેવો બુદ્ધિશાળી અને તાકાતવાન હોય તો પણ બધી બાબતમાં તે સફળ બને એવું નથી. નિષ્ફળતાથી ગભરાઈ જવાની જરૂર નથી. જે લોકો થોડી પીછેહઠ પછી પણ સતત પ્રયાસો ચાલુ રાખે છે તેમને માટે નિષ્ફળતા સફળતાની સીડી બની જાય છે. દુ:ખ અને અને મુશ્કેલીમાં માણસે હિંમત અને ધૈર્ય રાખવું જરૂરી છે.
ભય અને આશંકાને મનમાંથી કાઢી નાખીએ અને નિશ્ર્ચિત ધ્યેય તરફ આગળ વધીએ તો કોઈ પણ કામ અશક્ય નથી. જે માણસ ડરતો નથી તે સંજોગો સામે બાથ ભીડી શકે છે. સુખ દુ:ખ જીવનમાં આવ્યા કરે છે. રાત પછી દિવસ અને દિવસ પછી રાત એ કુદરતનો ક્રમ છે. કોઈપણ પરિસ્થિતિ કાયમના માટે રહેવાની નથી. સમય અને સંજોગો સાથે બધું બદલાયા કરે છે.
કેટલાક માણસો ઊંચા સ્વપ્નો સેવે છે, પણ તેને સાકાર બનાવવા માટે જે પુરુષાર્થ અને હિંમત જોઈએ તે હોતી નથી. સ્વપ્નો તૂટે છે ત્યારે માણસ હતાશા અને નિરાશામાં ધકેલાઈ જાય છે. ધારેલાં બધાં સુખો જિંદગીમાં મળવા મુશ્કેલ છે. કેટલાક લોકો પોતાની આભાસી દુનિયામાં જીવતાં હોય છે. જીવનની કઠોરતા સામે આવા ખ્વાબો થોડો આનંદ આપે છે, પરંતુ આવી માયાવી સૃષ્ટિ લાંબો સમય ટકતી નથી. આ સુખ ઝાંઝવાનાં જળ જેવું છે. કંઈ નથી મળતું ત્યારે માણસ એમ કહેતો થઈ જાય છે કે આપણને આ બધાની કશી પડી નથી. કશું હોતું નથી ત્યારે માણસ ત્યાગી બની જાય છે. આ બધી જાતને છેતરવા માટેની તરકીબ છે. હાર અને જીત આવ્યા કરે છે. કેટલીક વખત જીત પણ હારમાં પલટાઈ જાય છે. અહીં કોઈ વસ્તુ ચોક્કસ નથી. સમય અને સંજોગો ક્યારે પલટાઈ જશે તેની ખબર પડતી નથી. દરેક વસ્તુનો તમે કઈ રીતે સ્વીકાર કરો છો તેના પર આ બધો આધાર છે.
લાઓત્સેએ એક દિવસ પોતાના મિત્રોને કહ્યું જિંદગીમાં મને કોઈ હરાવી શકશે નહીં. એક મિત્રે ઊભા થઈને કહ્યું એ રહસ્ય અમને પણ બતાવો. અમે પણ ઈચ્છીએ છીએ અમને કોઈ હરાવી ન શકે.
લાઓત્સેએ કહ્યું તમે મારી વાતને પૂરી સાંભળી નથી અને વચમાં પ્રશ્ર્ન કરી બેઠા છો. મને મારું વાક્ય પૂરું કરી લેવા દો. મને કોઈ હરાવી શકશે નહીં, કારણ કે હું પહેલેથી જ હારેલો છું. મારી સામે કોઈ લડવા આવશે તો હું પહેલેથી જ ચતોપાટ સૂઈ જઈશ. એટલે તેની જીતનો કોઈ અર્થ રહેશે નહીં. મને જીતવો મુશ્કેલ છે, કારણ કે મેં કદી જીતવાની ઈચ્છા જ રાખી નથી.
જીતની વધુ પડતી ઈચ્છા અને આકાંક્ષા નિષ્ફળતામાં પરિણમે ત્યારે હતાશા અને નિરાશા ઊભી થાય છે. જિંદગી બહુ અદ્ભુત છે અહીં આપણે જે વસ્તુને જોરથી પકડી રાખીએ છીએ તે છટકી જાય છે તેને આપણે ખોઈ બેસીએ છીએ. અને જે ચીજ આપણે માગતા નથી તે અચાનક મળી જાય છે.
સુખ હોય ત્યારે બધું સારું લાગે દુ:ખ હોય ત્યારે કોઈ ચીજ સારી લાગતી નથી. કશામાં મન લાગતું નથી. કાંટાઓ સહન કર્યા વગર ફૂલો મેળવવા મુશ્કેલ છે. દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે.
જગતમાં એવી કોઈ ચીજ નથી જે આપણી સ્વતંત્રતાને નષ્ટ કરીને સુખ આપી શકે. એટલે જ મનિષિઓએ કહ્યું છે કે જીવનનાં બંધનમાંથી મુક્તિ એ પરમ તત્ત્વ છે. આનો અર્થ એવો થયો કે મુક્ત બનવું, જેમાં કોઈ ચીજ બાધા કે અંતરાય રૂપ ન બને અને જ્યાં મનુષ્ય પોતાના નિજ ભાવમાં પૂરી રીતે રહી શકે. જેમાં કોઈ ગુલામી ન હોય, બંધન ન હોય અને કોઈ મજબૂરી ન હોય. અંદરની ઊંડી આકાંક્ષા મુક્તિની છે. સ્વતંત્રતામાં બાધા પડે ત્યારે કષ્ટ શરૂ થાય છે. સભાનતા ન હોય તો ધન પણ બંધનરૂપ બને છે.
જીજ્ઞાસુઓએ મહાવીર ને પૂછ્યું કે અમે કઈ રીતે રહીએ અને કઈ રીતે વ્યવહાર કરીએ જેથી બંધનમાં ફસાઈ ન જઈએ. મહાવીરે કહ્યું પાપ કર્મ એ જીવનનું મોટું બંધન છે. તેથી સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી બેસે અને વિવેકથી સુએ અને વિવેકથી ભોજન કરે અને વિવેકથી બોલે તો પાપ કર્મ બંધાતા નથી. મહાવીરે બધી ક્રિયામાં વિવેકને જોડી દીધો છે. આ અમૂલ્ય શબ્દ છે. વિવેકથી જાગેલો માણસ ખોટું કરે નહીં. કોઈપણ કાર્ય સમજી વિચારીને કરે. વિવેક આવી જાય તો બધું આવી જશે. પાપ કર્મો બેહોશીમાં થતા હોય છે.
ત્યારે કશું ભાન રહેતું નથી. ક્રોધમાં, વાસનામાં અને અહંકારમાં માણસ ભાન ગુમાવે છે. ત્યારે તે શું કરે છે તેની ખબર પડતી નથી. જે કંઈ બુરાઈ આવે છે તે બેહોશીમાં આવે છે. અંદર સારાઈ અને બૂરાઈ બન્ને છે. જાગૃતિ હોય, સભાનતા હોય તો સારું બહાર આવે છે અને ખરાબ દબાતું જાય છે. આપણી અંદર જે કાંઈ પડ્યું છે તે મોકો મળતા બહાર આવે છે. બધો આધાર કઈ વસ્તુ સક્રિય બને છે તેના પર છે. આ બન્ને સીડીઓ છે એક ઉપર લઈ જાય છે અને બીજી નીચે ઉતારી નાખે છે. આપણને આપણું ભાન કરાવે તેનું નામ જાગૃતિ. “જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ