હાલમાં મિસ્ટર ખિલાડી અને સિરિયલ કિસર એમની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ પહેલા ફિલ્મના પ્રમોશન માટે બંને સ્ટારે મુંબઈની મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. હવે મુંબઈમાં જ પોતાની અગામી ફિલ્મના પ્રમોશન માટેની ઇવેન્ટમાં અક્ષય કુમારે કઈક એવું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરતા નથી થાકી રહ્યા.
વાત જાણે એમ છે કે ઇવેન્ટ દરમિયાન અક્કીના એક ચાહકે બેરિકેડ કુદીને તેને મળવા જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોડીગાર્ડે ફેનને ધકકો માર્યો હતો. ધક્કાને કારણે ચાહક નીચે પડી ગયો હતો અને આ બાબત ધ્યાનમાં આવતા જ અક્કી તેના ફેન પાસે પહોચી ગયો હતો અને તેણે ફેનને ઉઠાવીને ગળે લગાવી દીધો હતો. અક્કીની આ દરિયાદિલીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અક્કીએ પોતાના આવા વર્તનથી ચાહકોના મન જીતી લીધા હતા. એટલું જ નહીં લોકો એવું પણ કહી રહ્યા છે કે સુપર સ્ટાર આવો જ હોવો જોઈએ, જે એના ચાહકોની લાગણીને સમજી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફી આવી રહી છે અને આ સેલ્ફી ફિલ્મ પણ સ્ટાર અને તેના ફેનની જ સ્ટોરી છે. આ પહેલાં ગયા અઠવાડિયે પણ અક્કી અને ઈમરાન હાશ્મીએ તેમની આ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈની મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને બાદમાં ભીડ એકઠી થઈ જતા પોલીસ પ્રોટેક્શન વચ્ચે સ્ટેશનમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.