(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી સપ્તાહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈ મેટ્રોના પેન્ડિંગ પ્રકલ્પ મેટ્રો-ટૂએ અને સેવનના સંપૂર્ણ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રકલ્પનું કામકાજ અંતિમ તબક્કામાં છે ત્યારે તેની સમીક્ષા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અંધેરી ખાતેના ગુંદવલી મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ બંને લાઈન સંપૂર્ણ રીતે ચાલુ થવાથી મુંબઈગરા માટે ફાયદાકારક સાબિત થશે. શિંદેએ કહ્યું હતું કે ૧૯મી જાન્યુઆરીથી આ બંને લાઈન-૩૫ કિલોમીટર (સંપૂર્ણ કોરિડોર) મેટ્રો ટ્રેન ચાલુ થશે. આ બંને લાઈનમાં કુલ મળીને ૩૩ મેટ્રો સ્ટેશન છે, જેથી પશ્ર્ચિમ રેલવેના સૌથી મોટા બેલ્ટના રહેવાસીઓને મેટ્રોમાં અવરજવર કરવામાં રાહત થશે. આ મેટ્રોથી અંધેરી, દહીસર અને વર્સોવાના રહેવાસીઓને અવરજવર કરવામાં રાહત થશે, જ્યારે ટ્રાફિકમાંથી મુક્તિ થશે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને ઉદ્ઘાટન સમારંભની તૈયારીઓ અને સુવિધાનું પરીક્ષણ કર્યું હતું.
મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે અહીંના લાખો રહેવાસીઓની સુવિધા માટે આ પ્રોજેક્ટનું અગાઉ વડા પ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મેટ્રોના સિવાય મુંબઈના રસ્તાનું કોક્રિટીકરણ, આરોગ્ય સંબંધિત સુવિધાનો સમાવેશ થાય છે. મુંબઈ મેટ્રો રૂટ સેવનમાં ગુંદવલી (પૂર્વ અંધેરી)થી દહીંસર પૂર્વ સુધી છે. આ કોરિડોર વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર છે. વેસ્ટર્ન એક્સપ્રેસ વેનું ભારણ ઓછું કરવામાં મદદ મળશે, જ્યારે મેટ્રો-સેવનના પહેલા તબક્કામાં નવ અને બીજા તબક્કામાં ચાર સ્ટેશન છે. ઉપરાતં, મેટ્રો-ટૂએ અંધેરી પશ્ર્ચિમ દહાણુકરવાડીથી દહીંસર પૂર્વ મેટ્રો કોરિડોરનો સમાવેશ છે. પહેલા તબક્કામાં નવ સ્ટેશન તથા બીજા તબક્કામાં નવા આઠ સ્ટેશનનો ઉમેરો થયો છે.
મુંબઈ સબર્બન રેલવેની લોકલ ટ્રેનમાં રોજના ૬૫થી ૭૦ લાખ પ્રવાસી ટ્રાવેલ કરે છે, પરંતુ વધતી વસતિને લઈ પરિવહનના વિકલ્પો મર્યાદિત છે, તેથી ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. મેટ્રો વનની સર્વિસ ચાલુ થયા પછી ગયા વર્ષે બીજી બે લાઈન પણ મયાર્દિત કોરિડોરમાં મેટ્રો સર્વિસ ચાલુ થઈ હતી, પરંતુ ૧૯મી જાન્યુઆરીના ગુરુવારે આ બંને લાઈનમાં મેટ્રોની ટ્રેન દોડાવવામાં આવશે, જેથી પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને દહીસરથી અંધેરી બેલ્ટમાં રોજના ૧૩ લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરી શકશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટી સ્ટેશનની કાયાપલટ: તો મોદીના હસ્તે ભૂમિપૂજન
મુંબઈ: ૧૯મી જાન્યુઆરીના ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો-ટૂએ અને સેવનના બીજા તબક્કાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાની સાથે મુંબઈના સૌથી મોટા અને વ્યસ્ત રેલવે સ્ટેશન સીએસએમટી સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના છે, તેથી તેનું ભૂમિપૂજન પણ વડા પ્રધાન મોદીના હસ્તે કરી શકાય છે, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
દેશના પાટનગર દિલ્હી, ગુજરાતનું અમદાવાદ સ્ટેશન તથા મુંબઈના સીએસએમટી સ્ટેશનના રિડેવલપમેન્ટની યોજનાને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. જોકે, આ ત્રણ સ્ટેશનનું રિડેવલપેન્ટ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ બધા સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા પ્રવાસીઓને મળશે. આ ત્રણ સ્ટેશન સિવાય પહેલા તબક્કામાં ૧૯૯ જેટલા સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.