શાહરુખ પોતાની ગુડ્ડુ ફિલ્મને એટલી વાહિયાત ગણે છે કે તેના પર વાત કરવા પણ તૈયાર નથી થતો તો…
ફિલ્મનામા -નરેશ શાહ
મને સમજાતું નથી કે કઈ રીતે સ્પષ્ટ કરું… પણ મારા અભિનયમાં અને મારામાં હવે કોઈ અંતર નથી રહ્યું, જે કંઈ હું છું, એ જ બધું હું કરું છું. હું એ બન્નેને અલગ નથી કરી શકતો
પહેલી કે અશોકા ફિલ્મની નિષ્ફળતા તમને યાદ હોય તો એસઆરકેની આ વાત તમને સમજાઈ જશે. ફરાહ ખાન સહિતના અનેક લોકો માને છે કે પ્રેક્ષ્ાકો પાત્રોને નહિં, શાહરૂખે નીભાવેલાં પાત્રોને પસંદ કરે છે. એ ધોતિયાં-બંડીના ગેટઅપ કે દાઢી મૂછવાળા શાહરૂખને પસંદ કરતા નથી. લોકોને આજે શાહરૂખ ખાન ગમે છે પણ સંયોગ એવો ય હતો કે લોકોએ મને-કમને તેને ગમાડવો પડ્યો હતો. શરૂઆત દિલ-દરિયા અને ફૌજી સિરિયલથી થઈ હતી. શાહરૂખ ખાનના રોલ આ સિરિયલમાં (મુખ્ય પાત્રોની મર્યાદા કે ઈન્કારના કારણે) મોટા કરવા પડ્યાં હતા. સર્કસ સિરિયલનું મુખ્ય કિરદાર પવન મલ્હોત્રા ભજવવાનો હતો પણ સઈદ મિર્ઝાને સલીમ લંગડે પે મત રો માટે પવન સુવાંગ જોઈતો હતો. આખરે શાહરૂખ પસંદ થયો. પ્રથમ ફિલ્મ દિવાનામાં પહેલાં નાગાર્જુનને લેવાનું નક્કી થયું હતું પણ ડેટસ પ્રોબ્લેમને કારણે એ નીકળી ગયો. અરમાન કોહલીનો (હા, બિગ બોસવાળા) કોન્ટેકટ થયો પણ તેના પિતાશ્રી નહોતા ઈચ્છતા કે પુત્ર સાઈડ રોલવાળી ફિલ્મથી લોન્ચ થાય. ચમત્કાર ફિલ્મ માટે દિપક મલ્હોત્રા નક્કી થયો હતો પણ શ્રીદેવી સાથે લમ્હેં માં બડો બે્રક મળતાં તેણે ચમત્કાર છોડી દીધી હતી. રાજુ બન ગયા જેન્ટલમેન પહેલાં આમિર ખાનને સંભળાવવામાં આવી હતી. એ પછી વિવેક મુશરનનું નામ વિચારવામાં આવેલું પણ સુભાષ્ા ઘઈ તેને સૌદાગરમાં મનીષ્ાા કોઈરાલા સાથે લોન્ચ કરી રહ્યા હતા એટલે…
હજુ સંયોગ કથા પૂરી થઈ નથી. કિંગ અંકલ માટેની પહેલી પસંદગી અભિનવ ચતુર્વેદી નામનો એકટર હતો તો દિલ આશ્ના હૈ માટે સૈફ અલી ખાનનું નામ વિચારાતું હતું. કભી હા, કભી ના ફિલ્મમાં શાહરૂખ ખાન દીપક તિજોરીવાળું કિરદાર કરવાનો હતો. મુખ્ય ભૂમિકામાં આમિર ખાન અને જૂહી ચાવલા હતા. બાઝિગર માટે સલમાન ખાને ના પાડી હતી તો ડર કરવાની આમિર ખાને ના પાડી દીધી હતી. સ્વદેશ પણ આમિરે ના પાડ્યા પછી જ શાહરૂખને મળી હતી પણ કુદરત એસઆરકે પર એવી મહેરબાન હતી કે સેક્ધડ ચોઈસ તરીકે સિલકેટ થવા છતાં તેને નંબર વનના ધોરીમાર્ગ પર દોડતો કરી દીધો
* * *
મુંબઈ આવતાં પહેલાં શાહરૂખે દિલ્હીમાં લેખિકા અરુંધતી રોયએ લખેલી ફિલ્મ કરી હતી અને દિવાના તેની મુંબઈ ખાતેની પ્રથમ ફિલ્મ નહોતી… આપણે એસઆરકેની આવી અસામાન્ય વાતો જ કરવાના છીએ પણ એ માટે ખાન ફેમિલીનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે. કોઈ શક નહીં કે એ પણ ઈન્ટરેસ્ટિંગ જ છે. દિલીપકુમાર અને પૃથ્વીરાજ કપૂર પેશાવર (પાકિસ્તાન) માં જયાં રહેતા હતા, એ જ ખ્વાજા બજારમાં શાહરૂખના દાદા મીર જાન મૌહમ્મદનું ઘર. મીર તાજ મૌહમ્મદ તેનાં છ સંતાનોમાંના સૌથી નાના પુત્ર. ૧૬ વરસની ઉંમરે એ વકીલ થવા દિલ્હી આવ્યા અને આઝાદી પછી પાકિસ્તાન ગયા જ નહીં. શાહરૂખના દાદા કાશ્મીરના ગાંધી ગણાતા શાહ અબ્દુલ ગફાર ખાનના સમર્થક઼ ૧૯ર૮માં જન્મેલાં શાહરૂખ પિતા મીર તાજ મૌહમ્મદ દેશ આઝાદ થયો ત્યારે ૧૯ વરસના હોય એટલે આઝાદીની ચળવળમાં બહુ ઊંડા ઊતર્યા હોય એવું માનવાનું કારણ મળતું નથી. શાહરૂખ પર પુસ્તકો લખનારાં મુશ્તાક શેખ કે સ્ટારડસ્ટની ટીમ કે અનુપમા ચાં-ચોપડા (વિક્રમ ચાંના બહેન – વિધુ વિનોદ ચોપરાના બીજા પત્ની) એવું લખે છે કે ૧૪ વરસના મીર તાજ મૌહમ્મદ આઝાદીની લડત લડેલાં, અને ભાષ્ાણો પણ આપતાં. શક્ય છે દિલ્હીમાં વકીલ બન્યા પછી મીર તાજ મૌહમ્મદ વકીલ તરીકે બહુ સફળ થતા નથી અને દેખાવે સુંદર હોવાના કારણે ૧૯પ૦માં મુંબઈ આવ્યા એકટર બનવા. એક વરસ સુધી પ્રયત્નો ર્ક્યા પછી તેઓ ફરી દિલ્હી આવી ગયા હતા. (ગર્લફ્રેન્ડ ગૌરી પાસે એક વરસની મોહલત લઈને શાહરૂખ પણ મુંબઈ આવ્યો હતો ) દિલ્હીમાં મીર તાજ મૌહમ્મદને આકસ્મિક રીતે ફાતિમા લતીફ મળે છે. ઈન્ડિયા ગેટ પર ફાતિમાની ગાડી અકસ્માતમાં પલટી ખાય જાય છે અને ફિલ્મી સ્ટાઈલમાં તાજ તેમને બચાવે છે. હૉસ્પિટલમાં એડમિટ કરે છે. લોહી આપે છે. ખબર સાંભળીને બેંગ્લોરમાં રહેતી ફાતિમાની માતાનો (પાંચમી વખતના ગર્ભનો) ગર્ભપાત થઈ જાય છે અને મીર તાજ મૌહમ્મદ બેંગ્લોર જઈને તેમને પણ ખૂન આપે છે (જેવી લાગે તેવી, પણ આ સચ્ચાઈ શાહરૂખ પરના તમામ પુસ્તકોમાં છપાઈ છે )
રસપ્રદ વાત તો એ છે કે આ અકસ્માતથી મીર તાજ મૌહમ્મદને ઓળખતાં થયેલાં શાહરૂખના માતૃશ્રી ફાતિમા લતિફની ત્યારે ક્રિકેટર અબ્બાસઅલી બેગ સાથે મંગની થઈ ચૂકી હતી
…. આખરે બધાની સહમતિથી મીર તાજ મૌહમ્મદ અને ફાતિમા લતીફના નિકાહ પઢવામાં આવે છે, ૧૯પ૯માં. ૬, નવેમ્બર ૧૯૬૦માં શહનાઝ લાલારૂખ, શાહરૂખની મોટી બહેનનો જન્મ થાય છે અને ર નવેમ્બર, ૧૯૬પમાં, પાંચ વરસ પછી ખુદ ગબ્બરનો. યાનિ કી શાહરૂખ ખાન એન્ટ્રી મારે છે, જે નવેમ્બર, ર૦૧૬માં એકાવન વરસ પૂરા કરશે
પચાસ વરસ અને પંચાવન (ગેસ્ટ અપિરિયન્સ સાથે ટોટલ ૬૧)થી વધુ ફિલ્મો અને વિશ્ર્વભરમાં ભારતીય ફિલ્મોને ગાજતી કરવાનો સૌથી પહેલો અને વધુ જશ મેળવનારાં શાહરૂખ ખાન પોતાની ગુડુ નામની ફિલ્મને એટલી વાહિયાત ગણે છે કે તેના પર વાત કરવા પણ તૈયાર નથી થતો તો અંજામ અને પરદેશ ફિલ્મ તેણે જોઈ જ નથી. વજહ ? અંજામ પહેલાં હું બે નેગેટિવ (ડર અને બાઝિગર) કરી ચૂક્યો હતો એટલે મને ખબર જ નહોતી કે આ કિરદારને મારે કઈ તરફ કે કેટલી ઊંચાઈએ લઈ જવું. પરદેશમાં મને લાગ્યું હતું કે આ પાત્ર મૌજ – મસ્તીવાળું હતું, પણ પછી એ શાંત અને પરિપક્વ પાત્ર બની ગયું… પાત્રનો વિકાસ અલગ રીતે થતો જોઈને મને થયું કે, ઠીક છે, કર લો. આવું જ ડુપ્લિકેટ અને કરણ-અર્જુનના પાત્ર માટે થયું હતું. જો કે એ ફિલ્મો તો મેં જોઈ છે. આ શાહરૂખ ખાન છે. ક્રિટીક્સને લાગે છે કે શાહરૂખ દરેક ફિલ્મમાં શાહરૂખ જ હોય છે પણ શાહરૂખ પોતાના કિરદારને સમજવામાં નસીરુદ્દીન શાહ કે આમિર ખાન જેવા મેથડ એકટર જેટલો માનસિક ઈન્વોલ્વ હોય છે. ગૌરી ખાન સુદ્ધાં કહે છે કે શાહરૂખની અંદર બે પર્સનાલિટી જીવે છે. ખરેખર ?
(વધુ આવતાં શુક્રવારે)